‘સુપર શામી’એ ભારતને પહોંચાડ્યું વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 15 નવેમ્બર, બુધવારે ભારત સામેની વર્લ્ડ કપ-2023ની સેમી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડનો 70 રનથી પરાજય થયો. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરીને 50 ઓવરમાં 4 વિકેટે 397 રન કર્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે ભારત ફાઈનલમાં પહોંચી ગયું છે. 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એનો મુકાબલો સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાંથી કોઈ એક ટીમ સામે થશે, જેમની વચ્ચે 16 નવેમ્બર, ગુરુવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બીજી સેમી ફાઈનલ રમાશે. ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ ઝડપી છે. અન્ય ફાસ્ટ બોલરો – જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 1-1 અને ડાબોડી રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવે પણ 1 વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડ વતી ડેરિલ મિચેલ 119 બોલમાં 134 રનની લડાયક ઈનિંગ્ઝ ખેલી ગયો હતો. એણે 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન કેન વિલિયમસને 69 અને ગ્લેન ફિલિપ્સે 41 રન કરીને ભારતના બોલરોને હંફાવ્યા હતા. ન્યૂઝીલેન્ડના દાવની તસવીરી ઝલક. (તસવીરકારઃ દીપક ધુરી)

ભારતીય ટીમ આ ચોથી વાર મેન્સ ODI વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. 1983માં ટીમ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ચેમ્પિયન બની હતી. 2003માં ઓસ્ટ્રેલિયા સામે હારીને રનર્સ-અપ રહી હતી અને 2011માં શ્રીલંકાને હરાવીને ચેમ્પિયન બની હતી.

ડેરિલ મિચેલ