GalleryEvents મુંબઈ, થાણેમાં દુકાનો બંધ કરાવાતાં વેપારીઓ નારાજ April 6, 2021 મુંબઈ અને પડોશના વિસ્તારોમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ વધી જતાં સ્થાનિક વહીવટીતંત્ર ચિંતિત છે. મહારાષ્ટ્ર સરકારે સપ્તાહાંત લોકડાઉન અને નાઈટ-કર્ફ્યૂના કડક નિયંત્રણો લાગુ કર્યા છે. મોલ્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ધાર્મિક સ્થળો 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે. પરંતુ આ નિયંત્રણોથી મુંબઈ અને પડોશના થાણે જિલ્લાના વેપારીઓ નારાજ થયા છે. 6 એપ્રિલ, મંગળવારે મુંબઈના બોરીવલી, દહિસર, દાદર સહિતના વિસ્તારોમાં અને પડોશના થાણે જિલ્લાના મીરા રોડ, ભાયંદર જેવા ઉપનગરોમાં સવારના સમયમાં પોલીસોએ જબરદસ્તીથી દુકાનો બંધ કરાવતાં વેપારીવર્ગમાં નિરાશા-નારાજગી વ્યાપી ગઈ હતી. એમનો દાવો છે કે નિયંત્રણોમાં દુકાનો સવારના ભાગમાં બંધ રાખવા વિશે સ્પષ્ટતા કરાઈ નથી. (તસવીરોઃ દીપક ધુરી)