GalleryEvents ‘ઈસ્કોન’ સ્થાપક ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની સ્મૃતિમાં વિશેષ સિક્કાનું અનાવરણ September 1, 2021 ઈસ્કોન (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોનશિયસ્નેસ) સંસ્થાના સ્થાપક, આધ્યાત્મિક ગુરુ, ભારતીય સંસ્કૃતિના પ્રચારક, ‘હરે રામ-હરે કૃષ્ણ’ મહામંત્ર વડે ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો, ભગવાન શ્રીકૃષ્ણનાં ભક્તિ-પ્રેમ તથા ભગવદ્દ ગીતા મહાગ્રંથના મહત્ત્વને દુનિયાના અનેક દેશોમાં લોકપ્રિય બનાવનાર શ્રીલ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની 125મી જન્મજયંતિ નિમિત્તે એમની સ્મૃતિમાં, એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1 સપ્ટેમ્બર, બુધવારે નવી દિલ્હીમાં રૂ. 125ના મૂલ્યનો એક વિશેષ સિક્કો બહાર પાડ્યો હતો. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા અનાવરણ પ્રસંગે મોદીએ કહ્યું કે ભક્તિવેદાંત સ્વામીએ ભારત સહિત અનેક દેશોમાં સેંકડો કૃષ્ણ મંદિરોની સ્થાપના કરી છે અને અસંખ્ય પુસ્તકો લખ્યા છે. એમણે દુનિયાને ભક્તિ યોગનો માર્ગ શીખવ્યો છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના અલૌકિક ભક્ત તેમજ મહાન ભારત ભક્ત પણ હતા. એમણે દેશની સ્વતંત્રતા માટેના સંગ્રામમાં સંઘર્ષ કર્યો હતો. એમણે અસહયોગ આંદોલનના સમર્થનમાં સ્કોટિશ કોલેજમાંથી પોતાનો ડિપ્લોમા લેવાનો ઈનકાર કરી દીધો હતો. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનું મૂળ નામ અભયચરણારવિંદ ડે હતું. એમનો જન્મ 1896ની 1 સપ્ટેમ્બરે કલત્તામાં થયો હતો. એમણે 1966માં ન્યૂયોર્કમાં ‘ઈસ્કોન’ કૃષ્ણ મંદિરની સ્થાપના કરી હતી.