અમદાવાદ મેટ્રો-2, સુરત મેટ્રો યોજનાઓનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જાન્યુઆરી, સોમવારે નવી દિલ્હીમાંથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મેટ્રોના ફેઝ-2 અને સુરત મેટ્રો યોજનાઓનું ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું.

આ બંને પ્રોજેક્ટ રૂ. 17,000 કરોડના ખર્ચે તૈયાર કરાશે. અમદાવાદ મેટ્રો ફેઝ-2માં મેટ્રો રેલવે લાઈનની લંબાઈ 28.23 કિલોમીટર છે. એ માટેનો અંદાજિત ખર્ચ રૂ. 5,384 કરોડ છે. રૂટ નંબર-1 પરની ટ્રેન મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર (ગાંધીનગર) જશે (22.8 કિ.મી.). રૂટ નંબર-2ની ટ્રેન જીએનએલયૂથી ગિફ્ટ સિટી જશે (5.4 કિ.મી.). કુલ 22 સ્ટેશનો બંધાશે.

સુરત મેટ્રો યોજનામાં, લાઈનની લંબાઈ 40.35 કિ.મી. હશે. આ યોજનાનો અંદાજિત ખર્ચ રૂ. 12,020 કરોડ છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી રૂટ છે, જે 21.61 કિ.મી.નો છે. આ વિસ્તારમાં 20 સ્ટેશનોનું નિર્માણ કરાશે. બીજા ફેઝમાં 38 મેટ્રો સ્ટેશનો બંધાશે.

ગુજરાતને વધુ બે મેટ્રો રેલ યોજના આપવા બદલ કેન્દ્રિય ગૃહપ્રધાન અને અમદાવાદના વતની અમિત શાહે વડા પ્રધાન મોદીનો આભાર માન્યો.