GalleryEvents રાષ્ટ્રએ જલિયાંવાલા બાગ હત્યાકાંડની 103મી વરસીએ શહીદોને યાદ કર્યા April 13, 2022 ભારત દેશે 13 એપ્રિલ, બુધવારનો દિવસ પંજાબના અમૃતસર શહેરના જલિયાંવાલા બાગ હત્યાકાંડની 103મી વરસી તરીકે ઘેરા શોક સાથે મનાવ્યો. જલિયાંવાલા બાગને હવે એક સ્મારક બનાવી દેવામાં આવ્યું છે. લોકોએ સ્મારકસ્થળની મુલાકાત લઈ શહીદોને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. તે હત્યાકાંડ ગુલામ ભારતમાં 1919ની 13 એપ્રિલે અમૃતસરના જલિયાંવાલા બાગમાં બન્યો હતો. બૈશાખી તહેવાર નિમિત્તે સેંકડો સ્થાનિક લોકો બાગમાં એકત્ર થયાં હતાં અને શાંતિપૂર્ણ અને અહિંસક રીતે પ્રવૃત્તિ કરતાં હતાં. પરંતુ એ લોકો બ્રિટિશ સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે એવું ખોટું માનીને બ્રિટિશ સરકારના અધિકારી બ્રિગેડિયર-જનરલ ડાયરે લોકો પર ગોળીબાર કરવાનો પોલીસને આદેશ આપ્યો હતો. બ્રિટિશ પોલીસોએ જલિયાંવાલા બાગના દરવાજા બંધ કરી દીધા હતા અને પછી નિર્દોષ લોકોને ચારેબાજુએથી ઘેરી લઈ એમની પર 10 મિનિટ સુધી બેફામપણે ગોળીબાર કર્યો હતો. જેમાં પુરુષો, મહિલાઓ, વૃદ્ધજનો, બાળકો પણ સામેલ હતા. હત્યાકાંડમાં ઓછામાં ઓછા 1,000 જણ માર્યા ગયા હતા. મેમોરિયલ ખાતે જલિયાંવાલા બાગને લગતી એક ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા સ્કૂલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.