નૌકાદળના પાઈલટોએ અમેરિકામાં 10-મહિનાની તાલીમ પૂરી કરી

ભારતીય નૌકાદળના પાઈલટ અને સેન્સર ઓપરેટરોના પ્રથમ જૂથે અમેરિકાના નૌકાદળમાંથી ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું છે. આ જવાનોએ અમેરિકાના સેન ડિએગોસ્થિત અમેરિકાના નૌકાદળના જહાજ પરના હેલિકોપ્ટર ‘મેરિટાઈમ સ્ટ્રાઈક સ્ક્વેડ્રોન 41’ પર 10-મહિના સુધી સઘન તાલીમ મેળવી હતી.

દુશ્મનોની સબમરીન-વિરોધી કામગીરીમાં ઉપયોગી હેલિકોપ્ટર પરની આ તાલીમમાં હેલિકોપ્ટરનું ઉડ્ડયન કરવા અને તેને દિવસ અને રાત, એમ બંને સમયમાં અમેરિકી નૌકાદળના જહાજના તૂતક પર સફળતાપૂર્વક લેન્ડ કરવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે.

આ તાલીમબદ્ધ જવાનો સ્વદેશ પરત ફર્યા બાદ ‘રોમિયો-MH60R’ હેલિકોપ્ટરોનું સંચાલન સંભાળશે જે ભારતે અમેરિકા પાસેથી ખરીદ્યા છે. સમુદ્રવિસ્તારમાં દુશ્મનોની હિલચાલ પર ચાંપતી દેખરેખ રાખવા અને દુશ્મન ટાર્ગેટ પર હુમલો કરવાની ક્ષમતા ધરાવતા આવા કુલ 24 રોમિયો હેલિકોપ્ટર ખરીદવાનો ભારતે ઓર્ડર આપ્યો છે. એમાંના ત્રણ રોમિયો હેલિકોપ્ટર ભારતને ગયા વર્ષે સુપરત કરવામાં આવ્યા હતા, પરંતુ એને અમેરિકામાં જ રાખવામાં આવ્યા હતા અને ભારતીય નૌસૈનિકોને તેના ઉડ્ડયનની તાલીમ આપવામાં આવી હતી. હવે રોમિયો હેલિકોપ્ટર આવતા જુલાઈ સુધીમાં ભારતમાં મોકલી દેવામાં આવશે અને તેને કોચી સ્થિત ભારતીય નૌકાદળ મથકમાં રાખવામાં આવશે. રોમિયો હેલિકોપ્ટરો 1990ના દાયકામાં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયેલા બ્રિટિશ બનાવટના ‘સી કિંગ’ હેલિકોપ્ટરોનું સ્થાન લેશે.