મેઘરાજાએ આખરે પધરામણી કરતાં મુંબઈગરાઓને રાહત સાથે આનંદ

ઘણા દિવસો સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ 24 જૂન, શનિવારે મોહમયી મુંબઈ નગરીમાં એન્ટ્રી કરી છે. મુંબઈમાં ચોમાસાના આગમનની હજી સુધી સત્તાવાર રીતે જાહેરાત થઈ નથી. ચોમાસું મુંબઈની ખૂબ નજીક આવી પહોંચ્યું છે. 24 કલાકમાં મંડાણ થવાનું અનુમાન છે. શનિવારે વરસાદે મુંબઈની ધરતીને ભીંજાવી દીધી છે. સવારથી જ વરસાદ શરૂ થયો હતો જે રાતે 8 વાગ્યે પણ ચાલુ હતો. ધોધમાર વરસાદ શરૂ થતાં અતિશય ગરમી, ઉકળાટ અને બફારાથી પરેશાન મુંબઈવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મુંબઈમાં સામાન્ય રીતે દર વર્ષે 10 જૂનથી ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે બિપરજોય દરિયાઈ વાવાઝોડું ફૂંકાવાને કારણે અરબી સમુદ્ર પરના આકાશમાં ચોમાસું વિલંબિત થયું છે. શનિવારે વરસાદ પડતાં ઘણા લોકો છત્રી સાથે જતાં જોવા મળ્યાં હતાં તો અનેક ઠેકાણે ઘણા લોકો વરસાદમાં ભીંજાવાનો આનંદ માણતાં જોવા મળ્યાં હતાં.

હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ મુંબઈમાં ધોધમાર વરસાદ પડશે.