મુંબઈ કોસ્ટલ રોડ: દક્ષિણ ભાગમાં 58% કામ પૂરું થયું

મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં દક્ષિણ મુંબઈ ભાગમાં કામકાજ 58 ટકા જેટલું પૂરું થઈ ગયું છે. દક્ષિણ અને ઉત્તર મુંબઈને અરબી સમુદ્ર કિનારે જોડતી આ યોજનાનું ઉદઘાટન 2023ના નવેમ્બરમાં કરવાનું નિર્ધારવામાં આવ્યું છે.

આ યોજના રૂ. 12,000 કરોડની છે. 2020માં તે વખતના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન સમયગાળા વખતે આ યોજનાનું કામ શરૂ કરાવ્યું હતું.

આ યોજના માટે 111 હેક્ટર જમીન મેળવવામાં આવી છે. આમાંની 97 ટકા જમીન અરબી સમુદ્રમાંથી મેળવાઈ છે – રીક્લેમેશન સ્વરૂપે.

આમાંની 14.50 હેક્ટર જમીન કોસ્ટલ રોડને દરિયાનાં મોજાથી બચાવવા માટે દરિયાઈ-દીવાલ બાંધવા માટે વપરાશે.

દક્ષિણ ભાગમાં, પ્રિયદર્શિની પાર્ક (મલબાર હિલ)થી નેતાજી સુભાષ માર્ગમાં 2.07 કિ.મી.ની કુલ બે ટનલ બાંધવામાં આવી રહી છે.

આ કોસ્ટલ રોડને દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટથી વર્સોવા (અંધેરી) અને ત્યાંથી આગળ વિરાર (પાલઘર) સુધી લંબાવવામાં આવશે.

8-લેનવાળો આ કોસ્ટલ રોડ બની જશે તે પછી દક્ષિણ મુંબઈથી વિરાર સુધીનું અંતર માત્ર એક કલાકમાં પૂરું કરી શકાશે, જે માટે હાલ સાડા ત્રણ કલાક લાગે છે.