ભારતીય લશ્કરના જવાનોને મળ્યો નવો કોમ્બેટ ગણવેશ…

ભારતીય લશ્કર (ભૂમિદળ)એ શનિવાર, 15 જાન્યુઆરીએ ‘આર્મી ડે’ નિમિત્તે આયોજિત પરેડ વખતે તેના સૈનિકો માટે નવા કોમ્બેટ યૂનિફોર્મનું અનાવરણ કર્યું હતું, આ યૂનિફોર્મ સૈનિકો માટે ઘણો જ આરામદાયક અને દરેક મોસમમાં અનુકૂળ બની રહે એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. પેરેશૂટ રેજિમેન્ટના કમાન્ડોની એક ટૂકડીએ આ નવો યૂનિફોર્મ પહેરીને આર્મી ડે પરેડમાં ભાગ લીધો હતો. આ ગણવેશ ખુલ્લા બજારોમાં ઉપલબ્ધ નહીં હોય.

નવા કોમ્બેટ યૂનિફોર્મની ડિઝાઈન નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના સહયોગમાં તૈયાર કરવામાં આવી છે. NIFTના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની બનેલી આઠ-સભ્યોની એક ટૂકડીએ ડિઝાઈન તૈયાર કરી હતી. નવા યૂનિફોર્મમાં રંગોનું મિશ્રણ છે. તેમાં ઓલિવ ગ્રીન અને માટીનો રંગ સામેલ છે. સૈનિકોને જુદા જુદા પ્રદેશો અને વિસ્તારોમાં અને અત્યંત કઠિન હવામાનમાં તૈનાત કરવામાં આવતા હોવાથી એ બાબતને લક્ષમાં રાખીને જ નવો ગણવેશ તૈયાર કરવામાં આવ્યો છે. મતલબ કે આ ગણવેશ સૈનિકોને જંગલ કે રણવિસ્તારમાં તૈનાતી વખતે પણ અનુકૂળ રહેશે. સૈનિકોને પહેરવામાં વધારે આરામદાયક લાગે અને લાંબો સમય સુધી ટકે એ રીતે આ ગણવેશ તૈયાર કરાયો છે. નવો ગણવેશ અમેરિકન આર્મીના સૈનિકોની જેમ ડિજિટલ પેટર્નવાળો છે. સૈનિકો આવતી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે યોજાનાર પરેડમાં આ જ યૂનિફોર્મ પહેરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]