GalleryEvents પશ્ચિમ બંગાળ, ઓડિશા પર વાવાઝોડા ‘અમ્ફાન’નો કાતિલ પ્રહાર… May 20, 2020 બંગાળના અખાતના આકાશમાં સર્જાયેલું ખતરનાક સુપરસાઈક્લોન ‘અમ્ફાન’ વાવાઝોડું 20 મે, બુધવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું. મહાચક્રવાત ‘અમ્ફાન’ની લેન્ડફોલ (જમીન પર ત્રાટકવાની) પ્રક્રિયા બપોરે 2.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. તે વખતે પવનની ગતિ 102 કિ.મી. પ્રતિ કલાકની હતી અને ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવાઝોડાનો એક ભાગ જમીન પર ત્રાટક્યો હતો, પણ મુખ્ય હિસ્સો સાંજે સાત વાગ્યે ત્રાટક્યો હતો. લેન્ડફોલ પહેલાં વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોમાં અનેક કાંઠાળ વિસ્તારોમાં નુકસાન વેર્યું હતું. નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનો બચાવ તથા રાહત કામગીરીઓ માટે સજ્જ હતા. ઘણે ઠેકાણે તેઓ રસ્તા પર તૂટી પડેલા ઝાડ અને વીજળીના થાંભલા હટાવવાની કામગીરી કરતા જોવા મળ્યા હતા. કોલકાતામાં હુગલી નદી પરનું આકાશ આવા કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું અને દિવસના ભાગમાં ઘોર અંધારું છવાઈ ગયું હતું.