મહારાષ્ટ્રના દૂરસ્થ આદિવાસી ગામોમાં બોટ એમ્બ્યુલન્સ દ્વારા રસીકરણ કામગીરી

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે રાજ્યના નંદુરબાર આદિવાસી જીલ્લામાં મધ્ય પ્રદેશ સાથેની સરહદ પર નર્મદા નદીના કાંઠે વસેલા ગામોમાં ‘બોટ એમ્બ્યુલન્સ’ અને ‘તરતી એમ્બ્યુલન્સ’ દ્વારા કોરોનાવાઈરસ-વિરોધી રસીની સામગ્રી તથા ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફને પહોંચાડીને ગામવાસીઓને રસી આપવાની કામગીરી બજાવી છે. તેમણે આ સેવા બજાવીને કોરોના રોગચાળા સામે રક્ષણ આપીને હજારો આદિવાસી અને ગરીબ લોકોના જાન બચાવ્યા છે. ગામવાસીઓએ પણ આરોગ્યકર્મીઓની પ્રશંસા કરીને રાજીખુશીથી રસીના ડોઝ લીધા હતા.

‘તરતી એમ્બ્યુલન્સ’ દ્વારા છેલ્લા 100 દિવસોમાં નંદુરબાર જિલ્લાના 70 ગામ અને કસ્બાઓમાં આશરે 10,000થી વધારે લોકોને કોરોના-રસી આપવામાં આવી છે.

ડોક્ટરો, નર્સ, બોટ ડ્રાઈવર, નાવિકા, હેલ્પર્સ અને લોડર્સ સહિતના સ્ટાફને ઘણી વાર કોઈ સ્થળે 2-3 દિવસ સુધી બોટમાં જ રહેવું પડ્યું હતું. બોટ એમ્બ્યુલન્સમાં 15 અને ફ્લોટિંગ એમ્બ્યુલન્સમાં 50 વ્યક્તિઓને રહેવાસી સુવિધા છે.

ફ્લોટિંગ એમ્બ્યુલન્સમાં એક ઓપીડી, પુરુષ અને મહિલા આરોગ્યકર્મીઓ માટે અલગ ક્વાર્ટર અને શૌચાલય તથા એક રસોડાની સુવિધા છે.

સદનસીબે, આ અનોખી રસીકરણ ઝુંબેશ મગરમચ્છના હુમલા કે સાપ કે વીંછીના ડંખ જેવા બનાવો વગર કે બોટ બગડી જવાના બનાવ બન્યા વગર ઘણી જ સરળતાપૂર્વક અને સફળતાપૂર્વક સમાપ્ત થઈ હતી.