ન્યુ યોર્કમાં અનુપમ-પ્રિયંકા મુલાકાત…

બોલીવૂડના પીઢ ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે ન્યુ યોર્કમાં ‘ક્વેન્ટિકો’ ટીવી શોના સેટ પર સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી અને ત્યાં શૂટિંગ કરી રહેલી બોલીવૂડની સહ-કલાકાર પ્રિયંકા ચોપરાને મળ્યા હતા. ત્યારબાદ ખેરે પ્રિયંકા સાથે પોતાની તસવીરોને 15 માર્ચ, ગુરુવારે સવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. ‘ક્વેન્ટિકો’ના સેટ પર પોતાની મુલાકાત દરમિયાન ઉષ્માભર્યો આવકાર આપવા બદલ ખેરે પ્રિયંકાનો આભાર માન્યો છે. ખેરે પ્રિયંકાને ‘સ્ટાર’ કહી છે અને લખ્યું છે કે ‘તારી આ સિદ્ધિ જોઈને હું એક સાથી ભારતીય તરીકે ગર્વની લાગણીનો અનુભવ કરી રહ્યો છું. તિરંગો ફરકતી રાખજે.’ એના જવાબમાં, પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘અહીં સરપ્રાઈઝ મુલાકાત લેવા બદલ આપનો આભાર અનુપમ ખેર સર. તમને ફરી મળવાનો ચોક્કસ ઘણો જ આનંદ થશે. મેરે દેશ કી ખૂશ્બૂ… તમને વહેલાસર ફરી મળવાનું ગમશે.’ ‘ક્વેન્ટિકો’ના સેટ પર પોતાની મુલાકાત દરમિયાન ઉષ્માભર્યો આવકાર આપવા બદલ ખેરે ટ્વિટર પર પ્રિયંકાનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા હાલ ન્યુ યોર્કમાં સ્પાઈ થ્રિલર શો ‘ક્વેન્ટિકો’ની ત્રીજી આવૃત્તિ માટેના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યારે અનુપમ ખેર એક ટીવી કાર્યક્રમના શૂટિંગ માટે આવ્યા છે.