રાજ્યસભાની ચૂંટણીઃ હવે 4 ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા

ગાંધીનગર– ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં 4 બેઠકો માટે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભારે રસાકસી પછી આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વધારાના ફોર્મ પાછા ખેંચાયા હતા. જેથી હવે રાજ્યસભાની ચૂંટણીમાં 4 ઉમેદવારો બિનહરિફ ચૂંટાશે. કોંગ્રેસમાંથી અમીબહેન યાજ્નિક અને નારણ રાઠવા રાજ્યસભામાં જશે, અને ભાજપમાંથી પરસોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા રાજ્યસભામાં ફરીથી જશે. જો કે હજી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.સત્તાવાર સિવાયના તમામ ઉમેદવારોએ આજે ફોર્મ પરત ખેંચી લીધા છે. ઉમેદવારી પત્ર ભરવાના દિવસે ભારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ચડસાચડસી થઈ હતી. રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું હતું. નારણ રાઠવા નો ડ્યૂ સર્ટિફિક્ટ રજૂ કરવામાં મોડુ થયું હતું, જેથી કોંગ્રેસે બીજા ઉમેદવાર ઉભા કરીને ફોર્મ ભરાવ્યું હતું, તેવી જ રીતે રુપાલા સામે પ્રશ્નો ઉભા કરીને તેમની ઉમેદવારી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેથી ભાજપે પણ બીજો ઉમેદવાર ઉભો કર્યો હતો, અને ફોર્મ ભરાવ્યું હતું. આમ 4 બેઠકો માટે 6 ફોર્મ ભરાયા હતા. ચૂંટણી પંચ પણ મુંઝાઈ ગયું હતું કે હવે શું કરવું. ભાજપ કોંગ્રેસના એકબીજા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કરાયા હતા.

કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર અમીબહેન યાજ્નિકને જાહેર કર્યા પછી કોંગ્રેસ મહિલા સંગઠનમાં ભારે વિરોધ થયો હતો. પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ સોનલબહેન પટેલે રાજીનામું મોકલી દીધું હતું. સોનલબહેને કહ્યું હતુ કે કોંગ્રેસમાં અમીબહેનનો કોઈ ફાળો નથી. તેમને કેવી રીતે ઉમેદવાર બનાવાય. પણ અંતે હવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નિવારાઈ છે. ચૂંટણી પંચ ગુજરાતની 4 બેઠકો માટે 4 ઉમેદવારો હોવાથી તેમને બિનહરિફ જાહેર કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]