ગુજરાતનો ગરબો આજે ગ્લોબલ બન્યો છે, અને તેનો પડઘો આજે વિશ્વભરમાં પડે છે. આ વર્ષની નવરાત્રિમાં વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા પ્રાંગણમાં પધારેલા ભારતના લગભગ 60 જેટલા વિદેશી રાજદ્વારીઓ નવરાત્રિ અને ગરબાના વ્યવસ્થાપનને જોઈને દંગ રહી ગયા હતા. ખેલૈયાઓના જોરદાર ઉત્સાહ, તાલ અને થનગનાટે રાજદ્વારીઓ અને વિદેશમંત્રીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગરબાને વિશ્વ ફલક પર પ્રખ્યાત બનાવ્યા છે. આ જ પરંપરાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે. કોવિડ-19 મહામારીના બે કપરાં વર્ષો પછી આ વર્ષે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ચાલી રહેલા આ નવરાત્રિ મહોત્સવની મજા માણવા માટે છઠ્ઠા નોરતે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર 60 જેટલા રાજદ્વારીઓ અને વિદેશમંત્રીઓને લઇને વડોદરાના યુનાઇટેડ વેના ગરબા પ્રાંગણમાં પહોંચ્યા હતા. હિલોળે ચડેલા ગરબા ખેલૈયાઓનો ઉત્સાહ અને થનગનાટ જોઇને પ્રભાવિત થયેલા વિદેશી રાજદ્વારીઓ પણ માતાજીના ચાચર ચોકમાં ગરબા રમ્યા હતા. ગરબા ગ્રાઉન્ડ પર એકસાથે અધધધ સંખ્યામાં ખેલૈયાઓને ગરબા રમતા જોઈને કુતૂહલવશ રાજદ્વારીઓએ ગુજરાતના આ વાઇબ્રન્ટ તહેવારના ભરપૂર વખાણ કર્યા હતા અને તેને માટે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો.
છઠ્ઠા નોરતે વડોદરાના સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડમાં રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાનો જુસ્સો અને મહેમાન બનેલા રાજદ્વારીઓના કુતૂહલ સહ-આશ્ચર્યએ આ ગરબા મહોત્સવમાં અદભુત અને અદ્વિતીય દ્રશ્યો સર્જ્યાં હતાં. ગરબાના તાલે ઘૂમ્યા વિદેશી રાજદ્વારીઓ અને હાઇ કમિશનર્સે કહ્યું હતું કે નવરાત્રિ એક અદભુત તહેવાર, ભવ્ય આયોજન માટે અભિનંદન.
ગરબાના તાલે ઘૂમ્યા વિદેશી રાજદ્વારીઓ અને હાઇ કમિશ્નર્સ, કહ્યું- નવરાત્રિ એક અદ્ભુત તહેવાર, ભવ્ય આયોજન માટે અભિનંદન!
વિવિધ વિદેશી રાજદ્વારીઓના પ્રતિભાવો…
ગુજરાતમાં મા દુર્ગાનો તહેવાર એવા નવરાત્રિનો અનુભવ કરવાનો અવસર મળ્યો. અહીં ગરબા કરતા લોકોનો ઉત્સાહ અને આનંદ જોઈને ખૂબ જ ખુશી અનુભવું છું. આ અદભુત અનુભવ માટે હું દેશના વિદેશપ્રધાન એસ. જયશંકર અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છુ. -બેરી ઓ’ફરેલ (H.E. Mr. Barry O’Farrell), ભારતના ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશનર
હું પહેલી વાર ગરબા રમી રહ્યો છું, પણ ખૂબ મજા આવી રહી છે. નવરાત્રિનું ખૂબ સુંદર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિએ ગુજરાત અને ભારતનો શાનદાર મહોત્સવ છે. -ડેનિસ અલીપોવ (H.E. Mr. Denis Alipov), ભારતના રશિયાના એમ્બેસેડર
આજે ગુજરાત આવીને ગુજરાતના લોકોને મળીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. હું અફઘાનિસ્તાન તરફથી તમામ ગુજરાતીઓનો આભાર વ્યક્ત કરું છું. – ફરીદ મુમુન્દઝય (H.E. Mr. Farid Mamundzay), ભારતના અફઘાનિસ્તાનના એમ્બેસેડર
તાન્ઝાનિયા અને ગુજરાત વચ્ચે એક અનોખો સંબંધ છે, કારણ કે તાન્ઝાનિયામાં જેટલા પણ ભારતીયો વસે છે તેમાંથી સૌથી વધુ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. આ મારા માટે ખૂબ જ ખાસ અનુભવ છે અમારા દેશમાં વસતા ગુજરાતીઓના આ તહેવારને ખુબ નજીકથી જોવાનો અવસર મળ્યો, હું તેના માટે ભારત સરકારની આભારી છું કે મને આમંત્રિત કરવામાં આવી. મેં પણ અહી આવીને ગરબા કર્યા છે મારા માટે આ ખૂબ જ અલગ અનુભવ છે. હું અહીં આવીને ખૂબ ખુશ છું. – અનીસા મબેગા (H.E. Ms. Anisa Mbega), ભારતના તાન્ઝાનિયાના હાઇ કમિશનર
આ એક ખૂબ જ અદભુત તહેવાર છે. હું ડેનિશ એમ્બેસેડર છું. આજે હું ખૂબ જ ખુશ અને આનંદમાં છું, અને પ્રાર્થના કરું છું કે, આ પ્રકાશ અંધકારને દૂર કરી દે. લોકોને આ રીતે રમતા જોવા એ ખૂબ જ અદભુત છે. આ ખરેખર ગ્રેટ તહેવાર છે અને હું વિશ્વમાં વસતા તમામ ભારતીયોને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવું છું. – ફ્રેડી સ્વેન (H.E. Mr. Freddy Svane), ભારતના ડેનિશ એમ્બેસેડર
હું પ્રથમ વખત આ તહેવારમાં હાજરી આપી રહ્યો છું. આ ખરેખર ખૂબ જ અદભુત લાગણી છે. આ ખરા અર્થમાં ઇન્ક્રેડિબલ ઇન્ડિયા છે. મને બહુ જ મજા આવી, મને ખૂબ જ આનંદ થયો. – ગિલ્બર્ટ શિમાને મંગોલ (H.E. Mr. Gilbert Shimane Mangole), ભારતના રિપબ્લિક ઓફ બોટ્સવાનાના હાઇ કમિશનર
આ ગરબા ફેસ્ટિવલમાં આવીને હું ખૂબ જ ખુશ છું અને ઉત્સાહિત છું. એક જ ગ્રાઉન્ડમાં આ રીતે 35,00થી વધુ લોકો ગરબા કરતા હોય એ વાત જ ખૂબ ભવ્ય છે. આ એક અનોખો તહેવાર છે અને તમે ચારે બાજુ ઉત્સાહનો માહોલ જોઇ શકો છો. આવા ભવ્ય આયોજન માટે તમામ આયોજકોને મારા અભિનંદન! – યાસિલ અલાઇન્સ બુરિલો રિવેરા (H.E. Mrs. Yasiel Alines Burillo Rivera), ભારતના રિપબ્લિક ઓફ પનામાના એમ્બેસેડર
ગરબા એ એક અનોખો ડાન્સ છે, એક અનોખી સુંદરતા છે. મેં પહેલાં ક્યારેય પણ ગરબા ડાન્સ કર્યો નથી. આજે પહેલી વાર કર્યો છે, અને મને ગ્રાઉન્ડમાં એક સુંદર ટીચર પણ મળી ગયા. મારે આ નૃત્ય શીખવું છે, મેં પ્રયત્ન પણ કર્યો ને મને ખૂબ મજા આવી. આવા સુંદર સેલિબ્રેશન માટે તમને સૌને અભિનંદન! -કોરોમોટો ગોડોય કાલડ્રોન (H.E. Ms. Coromoto Godoy Calderon), ભારતમાં વેનેઝુએલાના એમ્બેસેડર
છઠ્ઠા નોરતે વડોદરા શહેરના સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડમાં રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાનો જુસ્સો અને મહેમાન બનેલા રાજદ્વારીઓના કુતૂહલ સહ આશ્ચર્યએ આ ગરબા મહોત્સવમાં અદભુત અને અદ્વિતીય દૃશ્યો સર્જ્યાં હતા.