અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરથી BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામા આવશે. જેના માટે બી.એ.પી.એસ.ના કાર્યકરોએ અત્યાર સુધી જેટલા પણ સેવાકીય કાર્યો કર્યા છે એની માટે એમને સન્માનિત કરાશે.
21,000 બાળ, યુવા, મહિલા મંડળોમાં પ્રતિવર્ષ લાખો સભાઓ દ્વારા આધ્યાત્મિક, નૈતિક, પારિવારિક મૂલ્યો અને સનાતન સંસ્કૃતિના પવિત્ર વારસાનું સિંચન કરવામાં આ કાર્યકરો પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
વિરાટ પાયે વ્યસનમુક્તિ અભિયાન, પારિવારિક એકતા અભિયાન, સ્વચ્છતા અભિયાન, હોસ્પિટલોમાં બીમાર દર્દીઓ માટે પ્રાર્થના યજ્ઞો, વગેરે અનેક સેવાકાર્યોનું તેઓ વહન કરે છે.
સેંકડો સુવિધાસજ્જ અદ્યતન શૈક્ષણિક સંકુલોમાં હજારો વિદ્યાર્થીઓને સંસ્કારયુક્ત શિક્ષણ તેમજ વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપીને કાર્યકરો તેમની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરે છે.
આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્યરૂપે સેંકડો નૂતન શાળાઓનું નિર્માણ, કુલ 25 ધ્વસ્ત ગામો-વસાહતો દત્તક લઈને એનું પુનઃનિર્માણ, પ્રાકૃતિક આપત્તિઓનાં પ્રસંગોએ 2000થી વધુ ગામડાઓમાં રાહતસેવા – આવી અનેક સેવાઓ કરીને આ કાર્યકરોએ સમાજને હંમેશાં સુખદુખમાં પોતાનો સાથ આપ્યો છે.
કોવિડ મહામારી હોય કે રેલ-હોનારતો હોય, યુક્રેન-રશિયા યુદ્ધ સમયે ભારતીય વિદ્યાર્થીઓને કટોકટીના સમયમાં સહાય હોય, ત્સુનામીની ગોઝારી ઘટના હોય કે ભૂકંપની ભયાનક યાતના હોય, પ્લેગ જેવા રોગચાળાની ભરમાર હોય કે ભયંકર દુષ્કાળના ઓળા હોય – BAPSના આ કાર્યકરો ખડે પગે સેવામાં તૈયાર રહ્યા છે.
કુલ 7 જેટલી આધુનિકતમ હોસ્પિટલોમાં સારવાર, 12 ફરતાં દવાખાનાઓ દ્વારા પ્રતિવર્ષે લાખો દર્દીઓની નિ:શુલ્ક સારવાર, રોગનિદાન યજ્ઞો અને રકતદાન યજ્ઞો દ્વારા સેવાની અવિરત શૃંખલા. દેશ-વિદેશમાં અનેક હોસ્પિટલોમાં આર્થિક અનુદાનો. આવી વિવિધ તબીબી સેવાઓમાં કાર્યકરો તત્પર રહે છે.
તાજેતરમાં અમેરિકામાં નિર્મિત ભારતીય સંસ્કૃતિનું અદ્વિતીય સ્મારક સ્વામિનારાયણ અક્ષરધામ, 12,500 કરતાં વધુ નવયુવાન સ્વયંસેવકો- કાર્યકરોએ નિર્માણમાં જોડાઈને ક્યારેય ન રચાયો હોય એવો ઇતિહાસ સર્જી દીધો હતો.
2000થી વધુ ગામોમાં આદિવાસી ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, આદિવાસી ગામોમાં હજારો બાળ-યુવા-સંયુક્ત સભાઓ દ્વારા સંસ્કાર સિંચન, આદિવાસી પરિવારોની શૈક્ષણિક અને તબીબી સેવાઓના વિવિધ પ્રકલ્પોમાં કાર્યકારોનું સમર્પણ વંદનીય રહ્યું છે.
છેલ્લાં 25 વર્ષોથી યુવતીઓના વ્યક્તિત્વ વિકાસ માટે યોજાતા પ્રતિભાવિકાસ પર્વોમાં લાખો યુવતીઓને સ્વનિર્ભર થવાની તાલીમ આપવામાં આવી છે.
નર્મદા યોજના વિષયક જનજાગૃતિ અને કાર્યક્રમો, અનેક વૃક્ષારોપણ અભિયાનો, સ્વચ્છતા અભિયાનો, જળસંચય અભિયાનો વગેરે પ્રકલ્પોમાં આ કાર્યકરોની સેવાઓ નોંધપાત્ર રહી છે.
સામાજિક – પારિવારિક જવાબદારીઓ વચ્ચે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સેવા આપતા આ નિ:સ્વાર્થ કાર્યકરો, BAPSની સેંકડો સેવાપ્રવૃત્તિઓનું એક ગૌરવભર્યુ સુવર્ણ પૃષ્ઠ છે.
ગુરુવર્યોના નિ:સ્વાર્થ પ્રેમથી અંકુરિત થયેલું BAPS કાર્યકર પ્રવૃત્તિનું બીજ આજે વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું છે અને વિશ્વના કરોડો લોકો આ વટવૃક્ષના મધુર ફળોનો આસ્વાદ માણી રહ્યા છે.