વાત્સલ્યની કળાઃ હૂંફનું પણ અનોખું મહત્વ હોય છે

કેમ છો? આ અઠવાડિયે મને કોઈક પાસેથી જાણવા મળેલી શ્રેષ્ઠ ૧૦ ગુરુચાવી અહીં પ્રસ્તુત કરું છુંઃ

કરિયાણાના સ્ટોરમાંથી ચીજવસ્તુઓ ખરીદવાની યાદી તૈયાર કરવાની હોય કે આવનારા સપ્તાહ માટે ખાવાનું બનાવવાનો પ્લાન કરવાનો હોય, કામકાજમાં ડેડલાઈન જાળવવાની મથામણ હોય, બાળકોને એમની સ્કૂલમાંથી તેડીને કોઈ સંગીત કે સ્પોર્ટ્સના ક્લાસ/શિબિરમાં લઈ જવાના હોય… આમાં સંતાન પ્રત્યે વાત્સલ્યનો આનંદ માણવાનો સમય ક્યાંથી મળે? બાળકોને ઉછેરીને એમને સગીર વય સુધી પહોંચાડવા, એમને બાળપણથી કોલેજના સ્તર સુધી પહોંચાડવા… આ કામગીરીમાં હું જે શીખી છું એ અહીં પ્રસ્તુત કરું છું.


વિટામીન L: એટલે કે બિનશરતી LOVE

તમારા સંતાનોને એમ લાગવું જોઈએ કે તમે એમને ખૂબ પ્રેમ કરો છો. દરરોજ.

ટૂંકી પ્રેરણાત્મક નોંધ મૂકીને એમના પ્રતિ વાસ્તવિક પ્રેમ વ્યક્ત કરો. એ માટે બ્લેકબોર્ડનો પણ ઉપયોગ કરી શકો છો (જુઓ તસવીર)

તમે એમને જણાવો કે એમને બચાવવા માટે તમે ગમે તેવું જોખમ ખેડવા પણ તૈયાર થઈ જશો. પ્રેમ કરવો અને પ્રેમાળ બનવું બંને મહત્ત્વનું છે, જેની આપણે કેટલીક વાર અવગણના કરીએ છીએ.

આપણા ઘરમાં જ, આપણે ભેટીને આપણી લાગણી વ્યક્ત કરીએ છીએ. આપણા બાળકો જ્યારે બહુ નાના હોય છે ત્યારે એવી લાગણીની આપ-લે ઘણી થતી હોય છે. બાળકો એવો જાદુ છે જે આપણને સંગઠિત રાખે છે.

પ્રેમ બતાવોઃ દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વાર તમારા બાળકને મજબૂત રીતે ભેટવાનું રાખો. દર વખતે ઓછામાં ઓછી આઠ સેકંડ સુધી એમને છાતીસરસાં ચાંપો. જરૂર પડે ત્યારે એનું પુુનરાવર્તન કરવું.

ઉત્તમ પ્રકારનાં સંતાનઉછેર માટેનું સમીકરણઃ તમારા બાળકો સાથે જે સમય વિતાવો એ બમણો કરી દો અને એમને માટે જે ખર્ચો કરો એ અડધો કરી દો

તમારા બાળકો માટે ઉપલબ્ધ બનોઃ એમને તમારી સાથે ગુણવત્તાસભર અને ઘણો બધો સમય સાથે રહેવાનું મન થતું હોય છે. એટલે તમારે પણ એમની સાથે રહેવા માટેની યોજનાઓ ઘડવી જોઈએ, જેમ કે ક્યાંક ફરવા જવું જોઈએ, કોઈ ફિલ્મ જોવા કે કોઈ મ્યુઝિયમ જોવા જવું જોઈએ કે બહાર જમવા જવું જોઈએ. અનુભવો મેળવવા માટે પૈસા ખર્ચવા જોઈએ, ચીજવસ્તુઓ પાછળ નહીં. નાના-મોટા પ્રસંગોનો સાથે મળીને આનંદ માણવો જોઈએ.

બાળકો જ્યારે નાના હોય ત્યારે એમને વાંચીને સંભળાવો અને મોટા થાય ત્યારે એમની સાથે બેસીને વાંચો.

અમે બાળકોની સાથે લાઈબ્રેરીમાં જઈએ છીએ અને સાથે મળીને વિચારોની આપ-લે કરીએ છીએ તેમજ કોઈક જગ્યાએ ફરવા જવું હોય, પિકનિક પર જવું હોય તો સાથે બેસીને પ્લાન ઘડીએ છીએ. બાળકોને સમય આપવાને બદલે એમને માટે કોઈ ચીજવસ્તુઓ ખરીદવાનું ટાળજો.

પ્રામાણિકપણે કહું તો, કોઈ મોંઘું ગેજેટ ખરીદવાથી કે ઢગલો પૈસા ખર્ચવાથી ઘરમાં આનંદનું વાતાવરણ નિર્માણ કરી શકાતું નથી.

કઈ રીતે સાચી? પ્રેમ કે સખ્તાઈ?

બાળકોને શિક્ષિત કરીને, પ્રોત્સાહિત કરીને કે એમનો જુસ્સો વધારીને એમનો પ્રેરણાત્મક ઉછેર કરી શકાય.

બાળકોને ભૂલ કરવા દો અને એમાંથી જ એમને શિખવા દો. એમ કરીને જ તેઓ જિંદગીમાં હોશિયાર બની શકશે.

એમના કામો કરી આપવાની લાલચને રોકો. ધારો કે એ લોકો કોઈ મહત્ત્વની સ્કૂલ બૂક લઈ જવાનું ભૂલી જાય તો એમને આપવા માટે દોડી ન જવું, એમને જ તે ભૂલમાંથી શીખવા દેવું. એ લોકો મોટી ઉંમરને બદલે નાની ઉંમરે ભૂલો કરે એ વધારે સારું ગણાશે.

મારો મંત્રઃ બાળકોને શિસ્ત શીખવવી હોય તો ખાનગીમાં એમની સાથે વાત કરો અને વખાણ કરવા હોય તો જાહેરમાં કરો.

જવાબદારીઃ

તમારા બાળકોને જાતે જ નિર્ણય લેવા દો અને એમના નિર્ણયો કે એમની પસંદગીના પરિણામો વિશે સમજવામાં એમને મદદ કરો, પરંતુ નિર્ણયો અને પસંદગી એમને જાતે જ કરવા દો.

એમને જીવનના શરૂઆતના તબક્કામાં આ ત્રણ ‘B’  શીખવોઃ Be safe. Be kind. Be responsible. (સુરક્ષિત રહો, દયાળુ રહો, જવાબદાર બનો)

બાળકો સાથે અંતરંગ રહેવું, પરંતુ એમના સ્કૂલ જીવનમાં વધારે પડતું માથું ન મારવું. સંઘર્ષને કાળજીપૂર્વક પસંદ કરવાઃ જેમ કે, કપડાંની પસંદગી કે વાળની લંબાઈનું બહુ મહત્ત્વ હોતું નથી. દિવસમાં ત્રણ સમય હોય છેઃ જમવાનો સમય, રાતે સૂવાનો સમય અને સવારે જાગવાનો સમય. અહીંયા આપણને સંતાનો સાથે સંઘર્ષ થતો હોય છે. આવા સમયે એમની સાથે બહુ મુશ્કેલ બાબતો વિશે ચર્ચા ન કરવી.

વધારે પડતા ટીકાકાર ન બનવું: માતાપિતા તરીકે આપણે સ્વયંની જ બહુ ટીકા કરતાં હોઈએ છીએ. કેટલીક વાર મને પણ એવું લાગે કે હું આ ધરતી પરની સૌથી ખરાબ માતા છું અને મેં મારાં સંતાનોનું પૂરતું ધ્યાન રાખ્યું નથી. અપરાધની આ ભાવના ત્યારે વધી જાય છે જ્યારે આપણે બીજા માતાપિતાઓને જોઈએ અને એમ સમજીએ કે એ લોકો તો જુઓ કેવું બધું બરાબર ધ્યાન રાખે છે. આમાં આપણું મન ન હોય તે છતાં દેખાદેખી કરવાની ઈચ્છા થઈ આવે. થોડોક સમય કાઢીને વિચાર કરવાનો. ધારો કે સંતાનોને વઢવામાં તમે કોઈ ભૂલ કરી હોય તો પણ સ્વયં પર બહુ ઉગ્ર નહીં બનવાનું. જરૂર લાગે તો સંતાનોની માફી માગી લેવાની. એક ટીપ આપુંઃ બાળકો ઘણા જ દયાળુ હોય છે, રમૂજી હોય છે અને તમે ધારો એના કરતાં પણ વધારે ક્ષમા કરી દેનારા હોય છે.

પરિવાર પહેલાંઃ

મારું એવું માનવું રહેલું છે કે બાળકો એમની આસપાસ જે જુએ છે એવું કરે છે. એટલે તમારી ભાષા અને વર્તણૂંક-આચરણ કરતી વખતે ખૂબ સાવધ રહેવું. બાળકોને નિયમ પ્રમાણે રાખવાની જરૂર હોય છે એટલે અમુક માર્ગદર્શિકા રાખવી. જેમ કે, આપણા ઘરમાં જમતી વખતે ઈલેક્ટ્રોનિક સાધનોનો આપણે ઉપયોગ કરતા નથી. બાળકોને ઘરમાં અમુક કામ સોંપવા જેમ કે ડિશ ધોઈ નાખવી, પોતાનાં રૂમમાં સફાઈ કરવી.

બાળકો સાથે લાગણી વ્યક્ત કરતા રહેવાનું. દાખલા તરીકે, રાતે જમતી વખતે વારાફરતી બધા પોતપોતાના અનુભવ જણાવે કે આજનો દિવસ કેવો રહ્યો.

આવશ્યક હોય એ મૂલ્યોને વળગી રહેવું

વિશ્વાસનું ઘડતર કરવું. જો તમે બાળકોને કોઈ વચન આપો તો એનું પાલન કરતા શીખો.

તમારી તથા બીજાંઓની સંભાળ લેવાની એમને છૂટ આપો. એમને જવાબદારી સોંપો. એમને જણાવો કે તમને એમનામાં ભરોસો છે. અને એ લોકો જે કામ બજાવે એનાં વખાણ પણ કરો.

બાળકોનો ઉછેર કરતી વખતે તમારે અને તમારા જીવનસાથી, બંનેએ સમાન વલણ અપનાવવું જોઈએ. બાળકોની પરવરિશ અઘરું કામ છે અને એની પર સતત ધ્યાન આપતા રહેવું જોઈએ.

બધા સરખા ન હોયઃ

તમારા ઘર માટે જે યોગ્ય હોય એ બીજાંઓ માટે બરાબર ન પણ હોય. પરિવારને સંગઠિત, સક્રિય અને આનંદિત રાખવા માટે તમે બિનપરંપરાગત પદ્ધતિઓ અપનાવતા પણ શીખો, નવી બાબતોનો પણ પ્રયોગ કરવો જોઈએ. અજમાયશો કરવાથી ભૂલ પણ થાય, પણ એમાંથી કશુંક શિખવા મળે છે, સંતુલન જળવાય છે. એમાંથી તમે તમારા પરિવાર માટે જે શ્રેષ્ઠ હોય એ મેળવી શકો છો. દરેક બાળકના વ્યક્તિગતપણાનો આદર કરો. દરેક બાળક સાથે વ્યક્તિગત રીતે સમય વિતાવો. પૂર્ણપણે ઘડાયેલા માતાપિતા ઘરમાં આનંદને જાળવી શકે છે.

દુઃખના સંજોગો આવી પડે ત્યારેઃ

તમારી નબળાઈને પ્રદર્શિત કરતા ગભરાવું નહીં. ધારો કે કોઈ દુખદ કે પડકારજનક ઘટના બને તો તમારા બાળકોને એ વિશે સમજાવવું, એમની ઉંમર મુજબ. એમને ચોક્કસપણે એવી પરિસ્થિતિમાં સામેલ કરવા. એ લોકો પણ સમજી શકતા હોય છે અને ક્યારેક ઘણા રચનાત્મક ઉકેલો પણ બતાવતા હોય છે.

દાદા કે દાદીનું નિધન જેવી મોટી કટોકટી તમારી અને બાળકો વચ્ચેની આત્મિયતાને વધારી શકે છે. એવા સમયે તમારા બાળકો સાથે જિંદગીના અનુભવો શેર કરો. જ્યારે સંજોગો ગંભીર આવી જાય ત્યારે બાળકોને મદદ કરવાનું કહેતા અચકાશો નહીં. એ જાણી લેવાનું મહત્ત્વનું છે કે ઘરમાં તમે એકલા નથી.

લડાયક બનવાનું, ચિંતિત નહીં બનવાનું

માતાપિતા તરીકે, આપણે હંમેશાં સાવધ અને તત્પર રહેવું જોઈએ. હિંમત ક્યારેય હારવી નહીં. દુઃખની ઘડી આવી પડે ત્યારે શાંતિથી બેસવાનું અને આરામથી વિચારવાનું. સાથે મળીને આનંદ કરવાથી, સાથે મળીને રસોઈ બનાવવાથી, કે રાતે સૂતા પહેલાં કોઈક ગેમ રમવાથી બાળકોની પરવરિશનું કાર્ય રમત વાત જેવું લાગે છે.

બાળકોના ઉછેરના કામને આનંદ સાથે માણો. આખરે તેઓ કંઈ કાયમને માટે બાળક રહેવાના નથી.

ઘર-પરિવાર માટે જરૂરી નિયમો

  • જમવાના ટેબલ પર ઈલેક્ટ્રોનિક સાધનો રાખવા નહીં
  • ખાવા-પીવાની ચીજો ડાઈનિંગ ટેબલ પર જ રહે, ડ્રિન્ક્સ કે નાસ્તાની ચીજોને બેડરૂમમાં કે પથારી પર લઈ જવી નહીં
  • સંઘર્ષવાળા ઝોનઃ જમવાનો સમય, રાતે સૂવાનો સમય અને સવારે જાગવાનો સમય.
  • જમ્યા બાદ વાસણ ધોવામાં મદદ લેવી
  • દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વાર સંતાનને પ્રેમથી ભેટવું.

 

(સુજાતા કૌલગી)