આડેધડ મીઠાઈઓ આરોગતા પહેલા શરીરના વિજ્ઞાનને સમજો

દિવાળીનો તહેવાર આવે એટલે મીઠાઈ અને ફરસાણ દરેક ઘરમાં ખવાતું હોય છે. પણ જો તમારે દિવાળીમાં મીઠાઈ અને અન્ય ફરસાણ ખાવાની મજા માણવી હોય તો શરીરનું વિજ્ઞાન સમજવું પડે. આ મઠીયાનું પેટની અંદર જઈને શું થાય છે? કે મીઠાઈ મોંમાં સ્વાદ સારો લાગે, મન આનંદિત થઈ જાય પણ પેટ માં શું થાય છે? તે સમજી લેવું જોઈએ. આ મઠનો લોટ, અડદનો લોટ ખરેખર ખાવો જોઈએ કે નહીં. એ સમજીએ.

યોગશાસ્ત્રમાં ઋતુનું મહત્વ શું છે એના વિશે પણ કહ્યું છે. ઋતુ પ્રમાણે યોગ આસન, પ્રાણાયમ, ખોરાક અને જીવનશૈલી જીવવી જોઈએ. દિવાળી હેમંત ઋતુમાં આવે જ્યારે ચારેકોર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય. આ ઋતુમાં ભૂખ વધારે લાગે, અગ્નિ પ્રજ્વલિત થઈ શકે એટલે જે ખોરાક લઈએ એનું પાચન સારી રીતે થઈ શકે. પરંતુ બધું જ પ્રમાણસર હોવું જોઈએ.

સૂર્યનમસ્કાર શિયાળામાં ખાસ કરવા જોઈએ. આ ઋતુમાં ઉપવાસ ન કરવા જોઈએ. ભૂખ્યું પેટ, ખાલી પેટ, ગરમી અને પિત્ત વધારે જેથી તકલીફ થઈ શકે છે. મીઠાઈઓ ખાઈ શકાય પરંતુ ઘરે બનાવેલી શુદ્ધ ઘી માં કરેલી હોય એ જ હિતાવહ છે.

સૂર્ય નમસ્કારના દરેક સ્ટેપ સૂર્ય નાડીને/ અગ્નિ પ્રજ્વલિત કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. રોગો ઓછા થાય અને એમાંય સંક્રામક રોગો નહિવત થવાની શક્યતા છે. શિયાળામાં આસનો વધારે કરવા અને એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની કે, હવામાનમાં ઠંડક હોય ત્યારે ખુલ્લી જગ્યામાં યોગ કરવા હિતાવહ નથી. જેટલા પાછળ વળવાના આસન કરીશું એટલી એનર્જી વધશે અને અગ્નિ પ્રજ્વલિત થશે. કિડનીની કાર્યક્ષમતા વધશે એટલે પાચન સારું થતાં, લોહી બનશે અને વાયુનો પ્રકોપ ઓછો થશે.

આયુર્વેદમાં એવું કીધું છે કે આ ઋતુમાં ગળ્યું, ખાટું, ખારું ખાવું જોઈએ. ગળ્યો રસ પિત્ત અને વાયુ બંને માટે સારો છે જ્યારે ખાટું-ખારું ઠંડીની ઋતુમાં શરીર માટે સારું છે. દરેક ઋતુમાં કયો રસ લેવો જોઈએ એ શાસ્ત્રમાં કહેલું છે. ઋતુ પ્રમાણે આહાર, ઋતુ પ્રમાણે યોગ કરીએ તો ચોક્કસ શરીર અને મન સારા રહે. શિયાળામાં યોગ કરતા જેટલો પરસેવો ઉનાળામાં કે વર્ષા ઋતુમાં થાય એના કરતા ઓછો થાય છે. એટલે કે આસન કરતાં પ્રાણાયામ કરતા પરસેવાના છિદ્રો સંકોચાય છે. એટલે શરીરની અંદર ગરમી પ્રજ્વલિત થાય છે, ભૂખ લાગે છે, મેટાબોલીઝમ સારું થાય છે, અને તમે જોયું હશે કે ઈંટોને પકવવા માટે નીબાડો બનાવવામાં આવે અને વ્યવસ્થિત ગોઠવી અંદર અગ્નિ પ્રજ્વલિત કરી જે ખુલ્લું કાણું હોય એને બંધ કરી દે એટલે ઈંટો અગ્નિના કારણે મજબૂત થતી હોય છે. એવું જ શરીરનું છે.

આવી જ રીતે શરદઋતુમાં નિત્ર ગોષ્ઠિની પણ વાત થઈ છે. મનને હળવું કરવું જોઈએ. માત્ર દેખાડા માટે ખુશ રહીએ એવું નહીં. અંદરથી આનંદ મળે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. યોગ એટલે માત્ર આસન, પ્રાણાયામ, ધ્યાન નથી. યોગ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે, યોગ જીવન જીવવાની જડીબુટ્ટી છે. જીવન છે તો તકલીફ તો આવવાની, જીવન છે તો ચઢાવ ઉતાર તો આવવાના જ પરંતુ તમે યોગના અભ્યાસથી મનોબળ મજબૂત કર્યું હશે તો આ સંજોગોમાં સંભાળી શકશો.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)