ટ્રાન્સજેન્ડરોને શિક્ષણ આપી પગભર બનાવવા અમદાવાદની આંબેડકર યુનિવર્સિટી કટિબદ્ધ

અમદાવાદ શહેરના ભરચક માર્ગો પર દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં પોતાની આગવી શૈલીમાં ઉત્સવો, તહેવારોમાં ઉઘરાણું કરતાં એક ટ્રાન્સજેન્ડર (તૃતિયપંથી)ને અટકાવીને પૂછવામાં આવ્યું: ‘તારે ભણવું છે….?’ શિલ્પા નામના એ ટ્રાન્સજેન્ડરે જવાબ આપ્યો… ‘હું બી.ફાર્મ છું. મારા ગુરુએ અવ્વલ નંબરે વકીલાત પાસ કરી છે. પણ.. અમને નોકરી અને કામ કોણ આપે..?’

સૌરાષ્ટ્રના એક જિલ્લામાં અત્યંત ગરીબીમાં જન્મેલ યુવાન ઇજનેર થયો. પરંતુ પરિવારને જ્યારે ખબર પડી કે એ ટ્રાન્સજેન્ડર છે ત્યારે એને ઘરની બહાર કાઢી મુકવામાં આવ્યો. હાલ એની આર્થિક સ્થિતિ નબળી છે. પરંતુ સારો ચિત્રકાર હોવાથી એક સામાજિક સંસ્થાની સહાયથી કામ મેળવી પેટિયું રળી લે છે. ટ્રાન્સજેન્ડરોમાં હજારો લોકો એવાં છે જેમને સમાજમાં મુખ્યપ્રવાહ સાથે જોડવાના પ્રયાસ થઇ રહ્યાં છે.

આવો જ એક પ્રયાસ અમદાવાદની ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કરી રહી છે. તાજેતરમાં જ આ યુનિવર્સિટીએ ટ્રાન્સજેન્ડરોને ભણતર, રોજગારની તાલીમ-માર્ગદર્શન આપી મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડરો બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં જોડાયા છે.

BAOU નાં વાઇસ ચાન્સેલર અમી ઉપાધ્યાય ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી એ મુક્ત વિદ્યાલય છે. આંબેડકરસાહેબના વિચારો સાથે અમે આગળ વધી રહ્યા છીએ. જેમાં છેવાડાના માણસો સુધી શિક્ષણ પહોંચે એવો અમારો પ્રયાસ રહે છે. આ યુનિવર્સિટી પ્રવેશ, પરીક્ષા, પરિણામ સુધી મર્યાદિત ન રહે અને સૌને શિક્ષણ મળે એવા પ્રયત્નો કરીએ છીએ.‘

અમી ઉપાધ્યાય વધુમાં કહે છે: ‘વાઇસ ચાન્સેલર થયા પછી અમે કેદીઓ, દિવ્યાંગો, સેક્સ વર્કર્સ, એચ.આઇ.વી પોઝિટિવ વ્યક્તિઓ અને ટ્રાન્સજેન્ડરોને શિક્ષણ સાથે જોડવાના વધુમાં વધુ પ્રયાસો શરૂ કર્યા છે. આ સાથે એમને તાલીમ આપી રોજગાર મળે, તેઓ પગભર થાય એવા પ્રયત્નો શરૂ કરી દીધા છે. એમાંય ખાસ કરીને ટ્રાન્સજેન્ડરોને, કે જેમને સમાજમાં સૌથી વધારે સહાનુભૂતિની જરૂર છે. જુદી જુદી સંસ્થાઓ ટ્રાન્સજેન્ડરો માટે કામ કરે છે, સૌને સાથે જોડવાના પ્રયાસ શરૂ કર્યા છે. ટ્રાન્સજેન્ડરને સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી કોર્સમાં એડમિશન અપાવ્યા છે. હજી પણ વધુ ને વધુ લોકો જોડાય એ માટે એમના જ વિસ્તારોમાં જઇ જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલુ છે.

ટ્રાન્સજેન્ડરોને મફત ભણતર આપવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહાનુભાવોની ઉપસ્થિતિમાં INDIAS WORLD RECORD દ્વારા  એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

અમીબેન વધુમાં કહે છે, અમારી આ મુક્ત વિશ્વવિદ્યાલય છે પણ અમે ‘ તેજ તૃષા ‘ અને ‘ અત્રિ સ્પેશિયલ લર્નર સપોર્ટ સેન્ટર’ દ્વારા લોકોને યુનિવર્સિટી સુધી લાવવાનો પ્રયાસ કર્યો છે. દરેક વય જૂથના લોકોની આંતરિક શક્તિઓને બહાર લાવવાના પ્રયાસ કરી વિવિઘ કાર્યક્રમો કર્યાં છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]