પશ્ચિમ રેલવેની લોકલ-ટ્રેનોની સ્પીડ વધારવામાં આવશે

મુંબઈઃ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે ઝોને નક્કી કર્યું છે કે ચોક્કસ સેક્શનમાં ઉપનગરીય ટ્રેનોની ગતિ વધારવામાં આવશે. આ માટે હાલ વિરાર-સુરત વિભાગમાં વાનગાંવ અને દહાણૂ રોડ સ્ટેશનો વચ્ચે કાયમી ડાઈવર્ઝનનું કામકાજ ચાલી રહ્યું છે.

પશ્ચિમ રેલવેએ મુંબઈ સબર્બન સેક્શન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કાર્ય ચાલુ કર્યું છે. ભારતીય રેલવેએ લોકલ ટ્રેનોની સ્પીડ પરના નિયંત્રણો હટાવી દીધા છે. હાલ પાટાની ટેક્નિકલ બનાવટને લીધે આ વિભાગ પર ઈલેક્ટ્રિક મલ્ટિપલ યૂનિટ (ઈએમયૂ) લોકલ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 30 કિ.મી.ની સ્પીડ પર દોડાવવી પડતી હતી. પરંતુ, પાટાના અમુક અપગ્રેડેશન કાર્ય બાદ ટ્રેનો વધારે સ્પીડમાં દોડાવી શકાશે.