રાજ ઠાકરેની હત્યાની-ધમકી; પત્રમાં ઉર્દૂ શબ્દોનો ઉપયોગ

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં મસ્જિદો પર લાઉડસ્પીકર બંધ કરાવવા મામલે વિવાદ ચાલે છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના નેતા અને પાર્ટીના પ્રવક્તા બાલા નાંદગાવકરે કહ્યું છે કે એમને તથા પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેની હત્યા કરવાની કથિતપણે મુસ્લિમ સંગઠનો તરફથી પોતાને ધમકી મળી છે.

(ડાબે) મનસે નેતા બાળા નાંદગાવકર, (જમણે) પક્ષપ્રમુખ રાજ ઠાકરે

અહેવાલ અનુસાર, નાંદગાવકરે કહ્યું છે કે, જ્યારથી લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવાયો છે ત્યારથી આ પ્રકારની ધમકીઓ મળ્યા કરે છે. પત્રમાં મને અને રાજ ઠાકરેને મારી નાખવાની ધમકી અપાઈ છે. મેં રાજ ઠાકરેને આ પત્ર બતાવ્યો છે અને ગઈ કાલે સાંજે પોલીસ કમિશનરને મળ્યો હતો. એમને પત્રની કોપી આપી છે. પોલીસ શું કાર્યવાહી કરે છે એ જોઈએ. પત્રમાં લખ્યું છે કે અઝાન વિશે જે કરો છો એ બંધ કરો, નહીં તો તમને ઠાર મારીશું. તમને તો નહીં જ છોડીએ, પણ રાજ ઠાકરેને મારી નાખશું. આ પત્ર કોણે મોકલ્યો છે એની મને ખબર નથી, પરંતુ એ ટપાલ દ્વારા મારા કાર્યાલયમાં આવ્યો છે. આ પત્ર મેં રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વલસે-પાટીલને હાથોહાથ આપ્યો છે. ગૃહ પ્રધાન પાટીલે ત્યાર બાદ તરત જ પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી હતી.

નાંદગાવકરે એમ પણ કહ્યું છે કે બાળા નાંદગાવકર ઠીક છે, પણ રાજ ઠાકરેના વાળને પણ સ્પર્શ કર્યો તો આખું મહારાષ્ટ્ર ભડકે બળ્યા વગર રહેશે નહીં એ વાત રાજ્ય સરકાર ધ્યાનમાં રાખે. હું વારંવાર રાજ ઠાકરે તથા એમના કુટુંબીજનો માટે સુરક્ષા માગું છું, પણ રાજ્ય સરકાર ધ્યાન આપતી નથી, તો કેન્દ્ર સરકારે આમાં ધ્યાન આપવું જોઈએ.