કોણ છે ભાજપમાં જોડાનાર આ યુવતી?

(કેતન ત્રિવેદી)

વર્ષ 2017માં અમદાવાદમાં મણિનગર વિધાનસભા બેઠક પરથી, જ્યાંથી એક સમયે ખુદ નરેન્દ્ર મોદી ચૂંટણી લડતા, એ ભાજપનો ગઢ ગણાતી બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને આ યુવતીએ ભારે ચકચાર જગાવેલી. વિદેશમાં અભ્યાસ અને સારી કરિયર ધરાવતી, કડકડાટ અંગ્રેજી બોલી શકતી આ યુવતી રાજકારણમાં શું કામ આવી? વિધાનસભાની આ ચૂંટણીમાં કદાચ આ યુવતી સૌથી વધારે ભણેલી ઉમેદવાર હતી.

નામ એનું શ્વેતા બ્રહ્મભટ્ટ. એના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ આમ તો 1988 અને 2000માં એમ બે વખત કોંગ્રેસમાંથી મ્યુનિસિપલ કાઉન્સિલર રહી ચૂક્યા છે. શહેર કોંગ્રેસના એક સમયના અગ્રણી અને નરેન્દ્ર મોદીની જ બેઠક પરથી ભાજપ સામે લડેલી આ શ્વેતા હવે આવતીકાલે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ રહ્યો છે એની સાથે જ ભાજપમાં જ જોડાઇ રહી છે! જો કે, હાર્દિક સાથે એને કાંઇ લાગતુંવળગતું નથી.

આ એ જ શ્વેતા બ્રહ્મભટ્ટ છે, જે એક સમયે કોંગ્રેસમાં રાહુલ ગાંધી ટીમની સીધી પસંદગી મનાતી હતી અને 2017ની ચૂંટણી વખતે કોંગ્રેસમાં નવી પેઢીનો એક ચહેરો મનાતી હતી. રાજકારણમાં બદલાવનો ચહેરો મનાતી હતી. હમણાં થોડા દિવસ પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મળવા ગઇ એ પછીથી જ એનું ભાજપમાં જોડાવાનું નક્કી મનાતું હતું.

કોણ છે આ શ્વેતા બ્રહ્મભટ્ટ? કેમ એના ચૂંટણી લડવા અંગે કે ભાજપમાં જોડાવા અંગે આટલી બધી ચર્ચાઓ થાય છે?

અમદાવાદમાં જ જન્મીને ઉછરેલી શ્વેતા રચના સ્કૂલમાં પ્રાથમિક અને હાયર સેકન્ડરીનું શિક્ષણ મેળવ્યા પછી કે. એસ. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું ભણી. ફક્ત 21 વર્ષની વયે ઇંગ્લેન્ડની વિખ્યાત વેસ્ટમિનિસ્ટર યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાંથી આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સના વિષય પર માસ્ટર ડીગ્રી મેળવી. વર્ષ 2013માં વિખ્યાત સ્ટેનફર્ડ યુનિવર્સિટીની ફેકલ્ટીઝ સાથે પ્રતિષ્ઠિત ફેલોશીપ પર ય કામ કર્યું. એક સમયે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ માટે પસંદ થઈ ચૂકેલી શ્વેતા પાસે બ્રિટિન અને કેનેડા એ બંને દેશમાં સ્થાયી થઈને કરિયર બનાવવાની તક હતી, ભારતમાં જ રહીને કામ કરવાની ઇચ્છા ધરાવતી શ્વેતાએ પંચાવન લાખ રૂપિયાની આવક ધરાવતી એ કરિયર જતી કરી.

અલબત, બાળપણથી જ રાજકારણને ખૂબ નજીકથી જોયું હોવા છતાં પોલિટીક્સમાં જોડાવાની ત્યારે કોઈ ગણતરી નહોતી.

 

શ્વેતા કહે છે, ‘નાનપણમાં અનેક ગરીબ લોકોને મેં ઘરે પપ્પાને મળવા આવતા જોયા છે. પપ્પાને એમને મદદ કરતાં જોયા છે. એ સમયે મને થતું કે તમે રાજકારણમાં હો તો ઘણા બધા લોકોની જિંદગીમાં પરિવર્તન લાવી શકો. પરંતુ સમય જતાં મેં રાજકારણની નબળી બાજુ પણ જોઈ છે.’

એ વાત બની વર્ષ 2012માં. શ્વેતા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે મુંબઈની ખૂબ જાણીતી બેન્કિંગ ફર્મમાં કામ કરતી હતી. સારી કરિયર હતી. સારો પગાર હતો. લાઇફમાં મજ્જા જ મજ્જા હતી. એ સમયે બેંગલુરુસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે આઇઆઇએમએ મહિલા અનામત બિલને ધ્યાનમાં રાખીને મહિલાઓ રાજકારણમાં આવે એવા હેતુથી એક ખાસ પ્રોગ્રામ ડીઝાઇન કરેલો. આ પેઇડ પ્રોગ્રામ હતો. એપ્લિકેશન અને ઇન્ટરવ્યૂના આધારે દેશભરમાંથી 26 યુવતીની પસંદગી થવાની હતી. પોલિટીક્સમાં ન હોય અને પસંદ થઇ હોય એવી શ્વેતા એકમાત્ર યુવતી હતી. ચાર મહિનાના આ પ્રોગ્રામ માટે જો કે સાડા પાંચ લાખ રૂપિયા જેટલી તોતિંગ ફી પણ ભરવાની હતી. પોતે સારું કમાતી હોવા છતાં શ્વેતાને થયું કે આટલી બધી ફી ભરવાનું યોગ્ય નથી એટલે તેણે પ્રોગ્રામમાં જોડાવાની અનિચ્છા દર્શાવી, પણ પ્રોગ્રામ મેનેજમેન્ટે તેને સામેથી ફી ની 80 ટકા રકમની સ્કોલરશીપ ઓફર કરી. ફાઇનલી, અને શ્વેતા આ પ્રોગ્રામમાં જોડાઇ.

આ પ્રોગ્રામ દરમિયાન એને સુષ્મા સ્વરાજ, શશી થરૂર, શીલા દીક્ષિત જેવા અનેક હાઈપ્રોફાઈલ નેતાઓને મળવાની તક મળી. કર્ણાટક વિધાનસભા, સંસદમાં જઇને એ સમજવાની તક મળી. સિંગાપોર જેવા દેશની મુલાકાત લઇને પબ્લિક પોલિસી સમજી.

આ બધું કર્યા પછી પણ શ્વેતાએ રાજકારણમાં જોડાવાનું મન નહોતું બનાવ્યું. એની ઈચ્છા તો હતી એક સ્કૂલ ખોલવાની અને આઇસ્ક્રીમ નો બિઝનેસ કરવાની. હા, મનમાં પોતે લોકો માટે, દેશ માટે કાંઇક કરી શકે એવી ભાવના પ્રબળ બની હતી. થયું એવું કે એ જ્યારે બિઝનેસ માટે લોન લેવા માટે ગઇ એ વખતે એને આપણી ભ્રષ્ટ સિસ્ટમનો જે અનુભવ થયો ત્યારે મનમાં આ બદલાવની ઇચ્છા વધારે જાગી. એને થયુઃ કોઇકે તો આ કામ કરવું જ પડશે.

દરમિયાન વર્ષ 2016માં એ યંગ મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે તેને એક સારો અનુભવ પણ થયો. એ સ્ટાર્ટ અપ ઇન્ડયા હેઠળ રજિસ્ટ્રેશન માટે મથામણ કરતી હતી. થોડીક અડચણ અનુભવતા શ્વેતાએ તત્કાલીન કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત સિંહાને એક ઇ-મેઇલ લખ્યો. એના આશ્ચર્ય વચ્ચે એક જ ઇ-મેઇલના કારણે એનું કામ ફટાફટ પતી ગયું. એ સમયે એને લાગ્યું કે જો એક વ્યક્તિ ધારે તો સિસ્ટમમાં બદલાવ લાવી શકાય છે. લોકોને મદદ થઇ શકે એવું કામ કરી શકાય છે.

કોંગ્રેસમાંથી વિધાનસભાની ટિકીટ

બસ, આ જ વાતે એને રાજકારણમાં જોડાવા માટે પ્રેરી. એને થયું કે હું જો સમાજ માટે, લોકો માટે માટે કંઈક કરવા માંગતી હોઉં અને જો બદલાવ લાવવો હોય તો મારે જ કંઈક કરવું પડે. એના પિતા કોંગ્રેસમાં રહેલા એટલે કોંગ્રેસના નેતાઓ-કાર્યકરો સાથે ઘરોબો હોવો સ્વાભાવિક હતું. રાહુલ ગાંધીને પણ એ ઇ-મેઇલ્સ લખતી. એનું બેકગ્રાઉન્ડ જોયા પછી એ રાહુલ ગાંધીની ટીમની પસંદગી બની અને એ રીતે એને 2017માં વિધાનસભાની ટિકિટ મળી.

વેલ, ચૂંટણી તો એ ન જીતી શકી, પરંતુ આ વર્ષોમાં એને કોંગ્રેસનું આંતરિક રાજકારણ અને પક્ષની દિશાવિહીન અવસ્થાનો પરિચય થઈ ગયો. એ કહે છે, ‘પંચાયતની ચૂંટણીમાં હું પક્ષ વતી ઓબ્ઝર્વર હતી. મારે ઉમેદવારની પસંદગી વિશે અભિપ્રાય આપવાનો હતો, પણ મને સાથી ઓબ્ઝર્વરોએ જુનિયર ગણીને ચર્ચામાં ભાગ જ ન લેવા દીધો. જ્યારે જ્યારે મેં પક્ષ માટે કામ કરવાની વાત કરી તો હું કાંઇ કરું એ પહેલાં જ મને સતત પાછળ ધકેલવાના પ્રયત્નો થતા રહ્યા.’

શા માટે ભાજપ?

શ્વેતા કહે છે, ‘2017માં પણ મને આમ આદમી પાર્ટી તરફથી સંપર્ક કરવાના પ્રયત્નો થયા હતા, પણ હું કોઈને મળી નહોતી. આ વખતે પણ નથી મળી. ભાજપમાં જોડાવાનું કારણ એના કાર્યકરોની શિસ્ત, પરિવારભાવના અને અફકોર્સ, સૌથી મોટું કારણ નરેન્દ્ર મોદીની નેતૃત્વક્ષમતા, કાર્યક્ષમતા અને વિઝન છે. તમે એમના કોઈ નિર્ણય પર ચર્ચા કરી શકો, પણ એમની કાર્યક્ષમતા સામે શંકા ન થઈ શકે. એ હંમેશા યુવાનોને પ્રોત્સાહિત કરતા રહ્યા છે અને હું પણ એમાંની એક છું. છેલ્લે એ ગુજરાત આવ્યા અને મને એમને મળવાની તક મળી ત્યારે મને એ વાતની નવાઈ લાગી કે વડાપ્રધાન પદે હોવા છતાં એ મારા વિશે ઘણું બધું જાણતા હતા! આ વાત એક નેતા તરીકે એમની ક્ષમતા અને ક્વોલિટી દર્શાવે છે.’

એ કહે છે કે પોતે ભાજપમાં કશું મેળવવાના આશયથી નથી જોડાઈ. રાધર, રાજકારણમાં જ એ ક્યારેય કાંઇ મેળવવાના આશયથી આવી જ નહોતી. એની ઈચ્છા છે સિસ્ટમમાં બદલાવ લાવવાની. કોઈકના જીવનમાં નાનું સરખું પણ પરિવર્તન લાવી શકે તો એ લાવવાની.

શ્વેતા કહે છે, ‘હું મૂલ્યો સાથે સમાધાન નથી કરતી એટલે જ ભાજપમાં જોડાવાથી શું મળશે એ મારું ધ્યેય નથી. બલ્કે, હું લોકો માટે શું કરી શકું છું એ જ મારા માટે વધારે મહત્વનું છે.’