Incredible India… ફરવા જવા માટે ‘વેકેશન’ની જરુર નથી

ભારત એ માત્ર એક દેશ નથી, પરંતુ એક સંસ્કૃતિનું નામ છે. કશ્મીરથી કન્યાકુમારી અને અસમથી ગુજરાત ભારતનું દરેક રાજ્ય પોતાનામાં આગવી લાક્ષણિકતા અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. વિવિધતામાં એકતા એ આપણા દેશને જોડતું મુખ્ય પરિબળ છે.

હાલમાં જ દીવાળીનો તહેવાર પુરો થયો, પ્રવાસીઓનો ધસારો દેશના દરેક પર્યટન સ્થળોમાં જોવા મળ્યો. જો તમે વેકેશનની ભીડથી દૂર રહેવા ઈચ્છતા હોવ તો આજે હું તમને કેટલાક એવા પર્યટન સ્થળો વિશે જણાવીશ જ્યાં જવા માટે તમારે કોઈ જ વેકેશન ટાઈમની જરુર નથી. ભારતના આ પર્યટન સ્થળો આખું વર્ષ પ્રવાસીઓ માટે ખુલ્લાં રહે છે. ટૂંકમાં આપને કહું તો, અહીં પ્રવાસીઓને ફરવા જવા માટે ‘વેકેશન’ની રાહ જોવાની જરુર નથી.

કેરળ

ભારતની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સમુદ્ર કિનારે આવેલું આ રાજ્ય તેની પ્રાકૃતિક સુંદરતાને કારણે સહેલાણીઓમાં પ્રખ્યાત છે. અહીં ચારેબાજુ હરિયાળી અને સુંદરતા કેરળની વિશેષતા છે. અને કદાચ એટલા માટે જ આ જગ્યા હનીમૂન કપલને વિશેષ પસંદ આવે છે. આમ તો કેરળ બારેમાસ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. પણ સમુદ્ર કિનારો હોવાને કારણે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં અહીં પ્રવાસીઓ વિશેષ પ્રમાણમાં આવે છે. અહીં લાકડામાંથી બનાવવામાં આવેલા બોટહાઉસમાં રહેલાની મજા જ કંઈક અનોખી હોય છે. આ ઉપરાંત કેરળ તેના આયુર્વેદિક પંચકર્મ ઉપચાર પદ્ધતિને કારણે પણ જાણીતું છે.

રાજસ્થાન: જયપુર

રાજસ્થાનમાં ગુલાબી નગરી તરીકે જાણીતા શહેર જયપુરની એક અલગ જ શાન છે. રોયલ શહેર તરીકે જાણીતું જયપુર આખું વર્ષ પ્રવાસીઓથી ધમધમતું રહે છે. અહીંનું મુખ્ય આકર્ષણ જયપુરનું શાહી ભોજન અને ઐતિહાસિક મહેલો છે. હવા મહેલ, આમેરનો કિલ્લો જેવા ભવ્ય વાસ્તુશાસ્ત્રો તમને અન્ય કોઈ જગ્યાએ જોવા નહીં મળે.

ગોવા

સમુદ્ર કિનારે આવેલા વધુ એક પ્રવાસી સ્થળની વાત કરીએ. ગોવા એ ભારતીય પર્યટકોની સાથે વિદેશી સહેલાણીઓની પણ પહેલી પસંદ છે. ગોવાને ‘કૂલ ડેસ્ટિનેશન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉનાળાની રજાઓ હોય કે ન્યૂયરની પાર્ટી, ગોવાનો દરિયા કિનારો હંમેશા પ્રવાસીઓથી ઉભરાયેલો રહે છે. ગોવાનું સી-ફૂડ, ગોવાના પ્રાચીન કિલ્લાઓ અને ગોવાની આધુનિક જીવનશૈલી લોકોને પોતાની તરફ આકર્ષતી રહી છે.

કશ્મીર

ધરતી પરનું સ્વર્ગ ગણાતા કશ્મીરમાં પણ સહેલાણીઓનો કાફલો દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમટી પડે છે. આ જગ્યા પણ હનીમૂન કપલ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. દૂર-દૂર સુધી ફેલાયેલી પહાડોની સુંદરતા, નદીઓમાં તરતા બોટહાઉસ અને કશ્મીરી ભોજનનો ચટાકેદાર સ્વાદ પ્રવાસીઓને અહીં રોકાઈ જવા મજબૂર કરે છે. સાથે જ વારંવાર અહીં આવવા પ્રોત્સાહિત કરે છે.

કન્યાકુમારી

ભારતના દક્ષિણ છેડે સમુદ્રથી ઘેરાયેલો આ ભાગ છે કન્યાકુમારી. આ જગ્યા ડૂબતા સૂરજને જોવા (સનસેટ) માટે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. જેના માટે પ્રવાસીઓ ભારતભરમાંથી અહીં આવે છે. કન્યાકુમારીને કોમોરિનના નામથી પણ ઓળખવામાં આવે છે.

લોકોને વિશ્વભ્રમણ કરવાની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે, પણ જો મારો વ્યક્તિગત અભિપ્રાય જણાવું તો ભારતના 29 રાજ્યો વિશ્વના 29 દેશને પણ પાછળ છોડવા સક્ષમ છે. દરેકની અલગ સંસ્કૃતિ, અલગ ભૌગોલિક પરિસ્થિતિ છતાં વિવિધ ફૂલો જેમ એક દોરામાં પરોવાઈને સુંદર માળા બને છે તેમ આપણો આ દેશ વિવિધ સંસ્કૃતિઓથી બનેલી એક સુંદર પુષ્પમાળા છે. અને એટલે જ ભારતને  Incredible India એટલેકે અતુલ્ય ભારત કહે છે.

અહેવાલ- મંગલ પંડ્યા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]