રમતના મેદાનથી રાજનીતિના અખાડામાં: કોણ ફાવ્યું? કોણ પછડાયું?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં ભારત માટે બે વખતની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય યુસુફ પઠાણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ પશ્ચિમ બંગાળના બહરમપુર મત વિસ્તારમાં ચૂંટણી લડવાના છે. 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમમાંથી રાજકારણમાં જોડાનાર ત્રીજા ખેલાડી બની ગયા છે યુસુફ પઠાણ. આ પહેલાં તેમના 2011ના વર્લ્ડકપના સાથી ખેલાડીઓ ગૌતમ ગંભીર અને હરભજન સિંહ પણ રાજકારણમાં જોડાયા છે.બીજી તરફ આ વખતે કોંગ્રેસ હૈદ્રાબાદ બેઠક પરથી અસુદુદીન ઓવૈસી સામે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને ટિકિટ આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભાના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મોહમ્મદ અઝહરુદ્દીને હૈદરાબાદથી સાનિયા મિર્ઝાને ટિકિટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.બીજી તરફ ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે દેવેન્દ્ર ઝાઝરિયાને રાજસ્થાનના ચુરૂમાંથી ટિકિટ આપી છે. દેવેન્દ્ર  2 માર્ચ, 2024ના રોજ ભાજપમાં જોડાયા. ભાજપે ચુરૂ બેઠક પરથી બે ટર્મથી જીતેલા સાંસદ રાહુલ કાસ્વાંની જગ્યા પર આ વખતે દેવેન્દ્ર ઝાઝરિયા પર વિશ્વાસ દર્શાવ્યો છે. તેઓ પેરાલમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં બે વખત ગોલ્ડ મેડલ અને એક વખત સિલ્વર મેડલ જીત્યા છે.  રાજકીય ક્ષેત્રે પ્રવેશેલા કેટલાંક ખેલાડીઓએ મોટી ઇનિંગ્સ રમી છે. બીજી તરફ એવા નામ પણ છે જેઓ નાની ઇનિંગ્સ રમીને નિવૃત્તિ લઇ ચૂક્યા છે. ઘણા ખેલાડીઓ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જ્યારે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો છે. તો આવો એક નજર કરીએ આવાં જ કેટલાંક સ્પોર્ટ્સ પર્સનની રાજકીય કારકિર્દી પર.

મન્સૂર અલી ખાન પટૌડી: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીએ પણ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેઓ 1971માં વિશાલ હરિયાણા પાર્ટી તરફથી ગુડગાંવ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ ચૌધરી તૈયબ હુસૈન સામે હારી ગયા હતા.મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજા: રાજકોટના ઠાકોર સાહેબ પ્રદ્યુમનસિંહજી લાખાજીરાજસિંહજીના તેઓ મોટા પુત્ર હતા. તેમનો જન્મ રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં થયો હતો. પિતા અને દાદાની જેમ, મનોહરસિંહજી એક પ્રતિભાવાન ક્રિકેટર હતા. 1955-56 રણજી ટ્રોફીમાં ગુજરાત સામે સૌરાષ્ટ્ર તરફથી તેમણે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ ઇનિંગમાં 59 રન બનાવ્યા હતા. મનોહરસિંહજીએ 1957-58ના વર્ષમાં સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન તરીકે સેવા આપી હતી. તેઓ 14 ફર્સ્ટ-ક્લાસ મેચ રમ્યા હતા. જેમાં 29.23ની એવરેજથી 614 રન બનાવ્યા હતા. 1967માં તેઓ કોંગ્રેસ તરફથી રાજકોટ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. મનોહરસિંહજીએ 1980થી 1985 અને 1990થી 1995 એમ બીજી બે ટર્મ સુધી રાજકોટ મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ કેબિનેટમાં ઘણા હોદ્દાઓ પર રહ્યા હતા. જેમ કે નાણાં મંત્રી, યુવા સેવા મંત્રી અને આરોગ્ય મંત્રી.અસલમ શેર ખાન: આ હોકી ખેલાડીની મદદથી 1975માં ભારતીય ટીમ કુઆલાલમ્પુરમાં યોજાયેલ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી. 1984માં તેઓ કોંગ્રેસમાંથી 8મી લોકસભામાં મધ્યપ્રદેશની બેતુલ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 1989માં ફરી તેઓ બેતુલ બેઠક પરથી જ ચૂંટણી લડ્યા. પરંતુ આ વખતે તેમની હાર થઈ. 1991માં તેઓ ફરી 10મી લોકસભામાં બેતુલ બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા. જો કે 1996માં ફરી હારી ગયા. 1999માં અસલમ શેર ખાને કોંગ્રેસ તરફથી ભોપાલ બેઠક પરથી અને 2009માં સાગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા. પરંતુ બંન્ને વખત તેમની હાર થઈ.ચેતન ચૌહાણ:  1991માં ચૂંટણી મેદાનમાં ઉતરવાનું આ ખેલાડીએ નક્કી કર્યું હતું. લોકસભા ચૂંટણીમાં અમરોહાથી ભાજપની ટિકિટ પર લડ્યા હતા અને જીત્યા હતા. આ પછી 1996ની ચૂંટણીમાં ચેતન ચૌહાણનો પરાજય થયો હતો. 1998ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વખતે અમરોહાના લોકોએ તેમને નિરાશ કર્યા નહીં અને તેમને ફરીથી લોકસભામાં મોકલ્યા. જો કે આ પછી તેમને 1999 અને 2004ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, તેઓ ઉત્તર પ્રદેશમાં અમરોહાની નૌગાંવ બેઠક પરથી જીત્યા અને યોગી આદિત્યનાથની કેબિનેટનો ભાગ બન્યા.કીર્તિ આઝાદ: 2024ની લોકસભા ચૂંટણીમાં TMCએ પૂર્વ ક્રિકેટર અને પૂર્વ સાંસદ કીર્તિ આઝાદને પણ ટિકિટ આપી છે. કીર્તિ આઝાદ 1999, 2009 અને 2014માં દરભંગા સીટથી ભાજપના સાંસદ રહી ચૂક્યા છે. 2021માં ભાજપ-કોંગ્રેસ છોડીને તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાનાર કીર્તિ પર TMCએ ઘણો વિશ્વાસ વ્યક્ત કરીને, બર્ધમાન-દુર્ગાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. કીર્તિ આઝાદ ભાજપની ટિકિટ પર 2014ની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. તેમને 2015માં ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2019ની ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેમને ધનબાદથી મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેઓ ભાજપના પશુપતિનાથ સિંહ સામે હાર્યા હતા. 2021ના અંતમાં કીર્તિ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. આ વર્ષે TMCએ તેમને બર્ધવાન-દુર્ગાપુર બેઠક પરથી ટિકિટ આપી છે.

નવજોત સિંહ સિદ્ધુ: ક્રિકેટર-કોમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધુએ પોતાની રાજકીય કારકિર્દી 2004માં શરૂ કરી હતી. તેઓ ભાજપની ટિકિટ પર અમૃતસર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જીત્યા પરંતુ રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. આ પછી અમૃતસર સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. તેઓ પેટાચૂંટણીમાં પણ જીત્યા હતા. સિદ્ધુએ 2009ની લોકસભા ચૂંટણીમાં ત્રીજી વખત જીત મેળવી હતી. ભાજપે તેમને રાજ્ય સભાના સભ્ય પણ બનાવ્યા. પરંતુ ભાજપ સાથેના તેમના સંબંધો બગડ્યા. 2017માં, તેમણે રાજ્ય સભામાંથી રાજીનામું આપ્યું. ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા અને કોંગ્રેસમાં જોડાયા. તેમણે કોંગ્રેસની ટિકિટ પર અમૃતસર પૂર્વ વિધાનસભાની ચૂંટણી લડી અને જીતી ગયા.કલિકેશ નારાયણ સિંઘ દેવ: શૂટિંગ અને બાસ્કેટબોલમાં આ ખેલાડીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમના પિતા અનંગા ઉદય સિંહ દેવ અને દાદા રાજેન્દ્ર નારાયણ સિંહ દેવ રાજકારણમાં સક્રિયા હતા. તેમના દાદા ઓડિશાના મુખ્યમંત્રી હતા. વારસામાં મળેલા રાજકારણને પગલે તેઓ 2004માં બીજુ જનતા દળમાં જોડાયા હતા. 2004માં સૈંતલા મતવિસ્તારના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા અને ઓડિશા વિધાનસભાના સૌથી યુવા સભ્ય બન્યા હતા. 2009માં તેમણે બોલાંગીરથી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019માં તેઓ ભાજપના સંગીતા કુમારી સિંઘ દિઓ સામે હારી ગયા હતા. આ વખતે તેમને ટિકિટ મળી નથી.જ્યોતિર્મયી સિકદર: 1995 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં આ ખેલાડી 800 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. 1998 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 800 મીટર અને 1500 મીટર સ્પર્ધાઓમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 1998માં જ બેંગકોકમાં રમાયેલ એશિયન ગેમ્સમાં બંને ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યોતિર્મયી સિકદરને 1995માં અર્જુન એવોર્ડ અને વર્ષ 1998-1999 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જ્યોતિર્મયી સિકદર 14મી લોકસભામાં કૃષ્ણનગર મતવિસ્તારમાંથી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના સાંસદ તરીકે સેવા આપી હતી. 2009ની સામાન્ય ચૂંટણીમાં તેમને તૃણમૂલ કોંગ્રેસના અભિનેતામાંથી રાજકારણી બનેલા તાપસ પોલ સામે હાર મળી હતી. હાર બાદ તેઓ રાજકારણમાં નિષ્ક્રિય થઈ ગયા હતા. 2019માં જ્યોતિર્મયી સિકદર ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસને સમર્થન આપવાનું કહીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.મોહમ્મદ અઝહરુદ્દીન: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન 2009માં કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી ચૂંટણી જીત્યા હતા. 2014 લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની ટોંક-સવાઈ માધોપર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ ભાજપના સુખબીર સિંઘ જૌનપુરિયા સામે હારી ગયા હતા. 2023ની તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં મોહમ્મદ અઝહરુદ્દીન હૈદ્રાબાદની જ્યુબલી હિલ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભારત રાષ્ટ્ર સમિતિના મગંતી ગોપીનાથ સામે તેઓ હારી ગયા હતા.ચેતન શર્મા: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્મા 2009ની લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી તરફથી ફરિદાબાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ જીતી શક્યા ન હતા. બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ચેતન શર્મા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે. પોતાની કારકિર્દીમાં, તેમણે 23 ટેસ્ટ મેચ રમીને 61 વિકેટ અને 65 ODI મેચમાં 67 વિકેટ લીધી હતી.વિનોદ કાંબલી: 2009ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વિનોદ કાંબલી લોક ભારતી પાર્ટી તરફથી વિક્રોલી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ સફળ થયા ન હતા. કાંબલીએ તેમની કારકિર્દીમાં 17 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે 54.2ની એવરેજથી 1,084 રન બનાવ્યા છે.દિલીપ તિર્કી: ભારતીય હોકી ટીમના આ પૂર્વ કેપ્ટનને 2004માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. હાલમાં તેઓ હોકી ઈન્ડિયાના પ્રમુખ છે. નિવૃત્તિ પછી દિલીપ તિર્કીને 2012માં બીજુ જનતા દળે રાજ્યસભા સાંસદ તરીકે નામાંકિત કર્યા હતા. 2014માં તેમણે સુંદરગઢ મતવિસ્તારમાંથી બીજેડીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી. 2014માં બીજેડીએ તેમને રાજ્યસભામાં સંસદીય પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા. 2018માં મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દિલીપ તિર્કીને ઓડિશા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (OTDC)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા.પ્રસુન બેનર્જી: એક પૂર્વ ભારતીય પ્રોફેશનલ ફૂટબોલર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતની રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ કરી હતી. 1979માં તેમને અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ફૂટબોલ કારકિર્દીમાંથી નિવૃત થયા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. 2013માં અંબિકા બેનર્જીના નિધનથી પશ્ચિમ બંગાળની હાવડા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રસુન્ન બેનર્જી વિજેતા બન્યા હતા. ત્યાર બાદ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા છે. હાલમાં તેઓ હાવડાના સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ TMCએ તેમને હાવડા બેઠક પરથી ટિકિટ આપી છે.મોહમ્મદ કૈફ: 2014માં ભારતીય નેશનલ કોંગ્રેસ પાર્ટી તેમણે જોઈન્ટ કરી અને ઉત્તર પ્રદેશના ફુલપુરમાંથી લોકસભા ચૂંટણી લડ્યા. ભાજપના કેશવ પ્રસાદ મૌર્ય સામે હારી ગયા હતા. 2018માં એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતું કે હવે રાજકારણમાં ફરીથી જોડાવા અને ચૂંટણી લડવા વિશે વિચારી રહ્યા નથી.બાઈચુંગ ભૂટિયા: 2014માં બાઈચુંગ ભૂટિયા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. એ જ વર્ષે યોજાયેલ લોકસભા ચૂંટણીમાં તેઓ દાર્જિલિંગ બઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ હારી ગયા. 2021ની પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં તેમણે લેફ્ટ ફ્રન્ટના જાણીતા લીડર અશોક ભટ્ટાચાર્યને સમર્થન આપ્યું હતું. જેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(M)માંથી ચૂંટણી લડ્યા હતા.વિજેન્દર સિંહ: 2008 ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા વિજેન્દર સિંહે દક્ષિણ દિલ્હીથી કોંગ્રેસની ટિકિટ પર 2019ની ચૂંટણી લડી હતી. પરંતુ તે ભાજપના રમેશ બિધુરી સામે હારી ગયા હતા. વિજેન્દર બોક્સિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર છે. તાજેતરમાં જ તેઓ ભાજપમાં જોડાયા છે.ગૌતમ ગંભીર: ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્લ્ડકપ ચેમ્પિયન ટીમનો ભાગ, ગૌતમ ગંભીરને 2019માં પૂર્વ દિલ્હી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે કોંગ્રેસના અરવિંદર સિંહ લવલીને હરાવ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણી પહેલા જ તેમણે રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો છે.રાજ્યવર્ધન સિંહ રાઠોડ: 2019ની લોકસભા ચૂંટણીમાં જયપુર ગ્રામીણ સીટ માટે મુખ્ય મુકાબલો બે ભૂતપૂર્વ ઓલિમ્પિયન વચ્ચે હતો. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ ભાજપ તરફથી મેદાનમાં હતા. જ્યારે ઓલિમ્પિયન કૃષ્ણા પુનિયા કોંગ્રેસ તરફથી મેદાનમાં હતા. રાજ્યવર્ધન સિંહ રાઠોડ આ બેઠક પરથી જીત્યા હતા. તેઓ 2014માં પણ અહીંથી જીત્યા હતા. જો કે તેમણે લોકસભામાંથી રાજીનામું આપીને 2023માં યોજાયેલી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. હાલમાં રાજ્યવર્ધન સિંહ રાઠોડ ભજનલાલ સરકારમાં કેબિનેટ મંત્રી છે.એસ. શ્રીસંત: 25 માર્ચ, 2016ના રોજ શ્રીસંતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. તેમણે કેરળ વિધાનસભા ચૂંટણીમાં તિરૂવનંતપુરમ બેઠક પરથી ઝંપલાવ્યું હતું. જો કે કોંગ્રેસના વી. એસ. શિવકુમાર સામે હારી ગયા હતા.લક્ષ્મી રતન શુક્લા: લક્ષ્મી રતન શુક્લા બંગાળની ટીમમાંથી ક્રિકેટ રમ્યા છે. આ ઉપરાંત IPLમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઈઝ હૈદ્રાબાદ તરફથી ક્રિકેટ રમ્યા છે. 2016ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં તેઓ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા અને હાવડા-ઉત્તર બેઠક પરથી ઉમેદવાર બન્યા. તેમણે કોંગ્રેસના સંતોષ કુમાર પાઠકને હરાવ્યા હતા. મમતા બેનર્જીની બીજી ટર્મની સરકારમાં તેઓ રાજ્યના રમત-ગમત અને યુવા સેવા મંત્રી બન્યા. 5 જાન્યુઆરી 2021ના રોજ, તેમણે યુવા સેવા અને રમતગમત રાજ્ય મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું.મનોજ તિવારી: 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ તરફથી મનોજ તિવારી ચૂંટણી લડ્યા હતા. તેમણે શિવપુર બેઠક પરથી જીતી મેળવી હતી. હાલમાં તેઓ પશ્ચિમ બંગાળ સરકારમાં રમત-ગમત મંત્રી છે. મનોજ તિવારીએ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 12 ODI મેચ રમીને 287 રન બનાવ્યા છે અને 5 વિકેટ પણ લીધી.સચિન તેંડુલકર: એપ્રિલ 2012 માં સચિન તેંડુલકર રાજ્યસભાના સાંસદ બન્યા હતા. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા રાજ્યસભા માટે તેમને નામાંકિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ સક્રિય રમતવીર અને ક્રિકેટર બન્યા હતા. તેમણે 4 જૂનના રોજ પદના શપથ લીધા હતા. તે સમયે સચિને નવી દિલ્હીમાં તેમને ફાળવવામાં આવેલ બંગલો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, “હું મુંબઈમાં રહું છું આ રીતે તો કરદાતાઓના નાંણાનો બગાડ થશે.”મેરી કોમ: બોક્સિંગની દુનિયામાં વિશ્વ ફલક પર પ્રખ્યાત મેરી કોમ સક્રિય રીતે રાજનીતિમાં આવ્યા ન હતા. પરંતુ તેઓ 25 એપ્રિલ 2016થી 24 એપ્રિલ 2022 સુધી રાજ્ય સભાના સભ્ય રહ્યા છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા રમત-ગમત ક્વોટામાં તેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા.પી. ટી. ઉષા: જુલાઈ 2022માં પી. ટી. ઉષાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2022માં, તેમણે રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉપાધ્યક્ષ પેનલમાં સામેલ થનાર તેઓ પ્રથમ નામાંકિત સાંસદ બન્યા હતા. તેમનો રાજ્ય સભાનો સમયકાળ જુલાઈ 2028માં સમાપ્ત થશે.હરભજન સિંઘ: 2021માં ક્રિકેટને અલવિદા કહેનાર હરભજન સિંઘ હાલમાં આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ છે. હરભજને તેની કારકિર્દીમાં 103 ટેસ્ટ મેચ રમી અને 2,224 રન બનાવ્યા અને 417 વિકેટ લીધી છે. આ સિવાય તેણે ODI ક્રિકેટમાં 236 મેચ રમીને 269 વિકેટ લીધી હતી. તેની ટી20 કારકિર્દીમાં પણ તેણે 25 મેચ રમીને 28 વિકેટ ઝડપી છે.રમત-ગમતના મેદાનમાં સફળ રહેલાં આમાંથી અનેક ખેલાડીઓ રાજકીય અખાડામાં નિષ્ફળ નીવડ્યા છે. સામાન્ય લોકોની સેવા કરવામાં અને તેમના મન જીતવામાં તેઓ ક્યાંય ઉણા ઉતર્યા છે.

રાધિકા રાઓલ (અમદાવાદ)