શિવરાત્રિ: શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ

આ સંપૂર્ણ સૃષ્ટિ શિવનો ખેલ છે, એ ચેતનાનું એક નૃત્ય છે જે જગતની વિવિધ પ્રજાતિઓમાં પ્રગટ થઈ રહી છે. સરળતા અને બુધ્ધિમતાની પવિત્ર લયબધ્ધતામાં ઘૂમી રહેલી સંપૂર્ણ સૃષ્ટિ જ શિવ છે. શિવ એ અસ્તિત્વની શાશ્વત અવસ્થાનું નામ છે. જ્યારે શિવ તત્વ અને શક્તિ એકરૂપ થઈ જાય છે તે જ શિવરાત્રિ છે.

આપણે શિવરાત્રિ પર શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ મનાવીએ છીએ, પરંતુ હકીકતમાં બ્રહ્મના મૂળભૂત અદ્વૈત સ્વભાવને ઓળખવો એ શિવરાત્રિ છે. શિવરાત્રિએ ગતિમય આદિશક્તિના લગ્ન પરલૌકિક શિવ સાથે થાય છે. શિવ મૂક સાક્ષી અથવા ચિદાકાશ છે અને શક્તિ તેની સમજ અથવા ચિદવિલાસ છે. શક્તિ એ રચનાત્મક ઊર્જા છે જે અનંતમાં ખેલ કરતા કરતા વ્યક્ત થઈ રહી છે. શિવ નિરાકાર ચેતના છે; શક્તિ એ જ ચેતનાની અભિવ્યક્તિ છે. પદાર્થ અને ઊર્જા,પ્રકૃતિ અને પુરુષ,દ્રવ્ય અને ગુણ–આમ આપણે દ્વૈતને ઓળખીએ છીએ.

સામાન્ય રીતે જે ક્ષણથી આપણે જાગીએ છીએ ત્યારથી શરુ કરીને આપણે રાત્રે થાકીને સૂઈ જઈએ છીએ તે ક્ષણ સુધી સક્રિય રહીએ છીએ. પરંતુ એક એવી અવસ્થા પણ છે જે સુષુપ્તિ,જાગૃતિ અને સ્વપ્નથી ઉપર છે. શિવરાત્રિ પર આપણે જાગૃત રહીએ છીએ અને એ ત્રણ અવસ્થાઓથી ઉપરની પરલૌકિક ચેતનાનો અનુભવ કરીએ છીએ. આ અવસર પોતાને દરેક પ્રકારની નિંદ્રામાંથી જગાડવાનો છે. શિવરાત્રિ પર કરેલું જાગરણ માત્ર પોતાની જાતને જાગતી રાખવા વિવશ કરવી અથવા જોર જોરથી ભજન ગાવા એવું નથી. પરંતુ આ તો પોતાની અંદર ઉતરવાનો અને સચેત રહીને એ આંતરિક વિશ્રામ, કે જે રોજ આપણને નિંદ્રાથી પ્રાપ્ત થાય જ છે,તેના પ્રત્યે જાગૃત થવાનો અવસર છે.

જ્યારે તમે નિંદ્રાની એક નિશ્ચિત અવસ્થાની ઉપર જતા રહો છો ત્યારે સમાધિ એટલે કે શિવ સાયુજ્યમાં વિશ્રામ કરવાનો અનુભવ મળે છે. શિવને પ્રતિકાત્મક રીતે લિંગ સ્વરુપે દર્શાવાય છે. હકીકતમાં ઈશ્વર કોઈ પણ લિંગથી ઉપર છે. એટલા માટે ઈશ્વરને એકલિંગી કહેવાય છે. એ બીજું કંઈ નહીં પણ સ્વયં ચેતના છે. એ ચેતના શરીર, મન અને બુદ્ધિથી ઉપર છે, રાગ અને દ્વેષથી ઉપર છે–એ ચેતના માત્ર એક છે, તે એકલિંગ છે.

‘કૈલાસ’ એ શિવનું પૌરાણિક નિવાસ છે. કૈલાસનો અર્થ છે જ્યાં માત્ર ઉત્સવ અને આનંદ છે. શિવ દરેક સ્થાને ઉપસ્થિત છે; સંસાર હોય કે સંન્યાસ, શિવથી બચી શકાતું નથી. દરેક કાળમાં શિવ તત્વનો અનુભવ કરવો એ જ શિવરાત્રિનો સાર છે.

શિવ એ કોઈ વ્યકિત નથી જે હજારો વર્ષો પહેલા આ ધરતી પર આવેલી હતી. છતાં ચિત્રોમાં એમને બંધ આંખોવાળા અને ગળામાં સાપ લટકાવેલો હોય તેવા નિરુપણ કરાય છે. એ દર્શાવે છે કે તેઓ સૂઈ ગયેલા લાગે છે પણ સાપની જેમ સંપૂર્ણપણે સજગ છે. ચિત્રોમાં તેમને વાદળી રંગના બતાવાય છે. વાદળી રંગ આકાશની વિશાળતાનો પ્રતિક છે. તેમના શિર પર શોભાયમાન ચંદ્ર તેમની અંદરની દરેક બાબતને દર્શાવે છે. જીવીત કે અન્ય યોનીઓની બધી સત્તાઓ તેમના ગણોનો અંશ છે.

શિવની જાનમાં દરેક પ્રકારના લોકો જોવા મળે છે. તે સૌ જેવા છે તેવો તેમનો સ્વીકાર કરે છે અને આ સૌ એક જ ચેતનાનો અંશ છે.”સર્વમ્ શિવમયમ્ જગત્” એવું કહેવાય છે,એટલે કે આ સમસ્ત સંસાર શિવમય છે. તમારી પાસે જે કંઈ છે તેના પ્રત્યે જાગૃત અને આભારી થવું એ છે શિવરાત્રિનું પ્રતિક!જે સુખ વિકાસ તરફ લઈ જાય છે તે માટે આભારી રહીએ, અને જે દુખ જીવનને ગહેરાઈ આપે છે તેના માટે પણ આભારી રહીએ. શિવરાત્રિ ઉજવવાની આ જ યોગ્ય રીત છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)