ભારતીય ટેણીયાની દુબઈમાં ટેક્નોલોજીમાં કમાલ…

ભારતીય છોકરાએ 9 વર્ષે મોબાઈલ એપ બનાવી, 13મા વર્ષે દુબઈમાં
સોફ્ટવેર કંપનીનો માલિક બન્યો

13 વર્ષનો એક ભારતીય છોકરો દુબઈમાં અને એની સાથોસાથ સમગ્ર વિશ્વમાં સમાચારોમાં ચમક્યો છે. આ છોકરાએ ચાર વર્ષ પહેલાં, એ જ્યારે 9 વર્ષનો જ હતો ત્યારે એની પહેલી મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરી હતી અને હવે આજે તે એક સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીનો માલિક બની ગયો છે.

ખલીજ ટાઈમ્સના અહેવાલમાં જણાવ્યા મુજબ આ સિદ્ધિ હાંસલ કરનાર છોકરો છે આદિત્યન રાજેશ નાયર.

આદિત્યન મૂળ કેરળનો વિદ્યાર્થી છે.

એ જ્યારે 9 વર્ષનો હતો ત્યારે એણે કંટાળાનો સામનો કરવા માટે એક શોખ કેળવ્યો હતો અને પોતાની પ્રથમ મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરી હતી.

આ છોકરો એના ક્લાયન્ટ્સ માટે લોગો તથા વેબસાઈટ ડિઝાઈન કરી આપે છે.

13 વર્ષનો આદિત્યન આજે ટેક્નોલોજીનો ખાં બની ગયો છે.

આદિત્યન દુબઈમાં અબુ હાઈલ, દેઈરાસ્થિત ઈલાઈટ ઈંગ્લિશ સ્કૂલમાં ભણે છે.

એ જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારથી એણે એક કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.

આજે 13 વર્ષની વયે એણે પોતાની કંપની શરૂ કરી છે, જેનું નામ છે – ટ્રાઈનેટ સોલ્યૂશન્સ.

આદિત્યને દુબઈસ્થિત ‘ખલીજ ટાઈમ્સ’ને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે એ કેરળના તિરુવિલા ગામમાં જન્મ્યો હતો. એ જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે એનો પરિવાર દુબઈ શિફ્ટ થયો હતો.

આદિત્યને કહ્યું કે કેરળના ગામમાં હું જ્યાં રહેતો હતો ત્યાં આસપાસમાં મારે બહુ મિત્રો નહોતા એટલે મને ટેક્નોલોજી અને કોમ્પ્યુટર્સમાં રસ જાગ્યો હતો. મારા પિતાએ મને બતાવેલી પહેલી વેબસાઈટ હતી બીબીસી ટાઈપિંગ. તે વેબસાઈટ બાળકો માટેની હતી જેમાં બાળકો ટાઈપિંગ શીખી શકે છે,’ એમ આદિત્યને કહ્યું.

થોડોક વખત કેટલીક ઓનલાઈન ગેમ્સ રમ્યા બાદ આદિત્યને નક્કી કર્યું હતું કે એ મોબાઈલ એપ્લિકેશન્સ બનાવવાનું શરૂ કરશે. એ 9 વર્ષનો હતો ત્યારથી એણે એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન્સના વૈકલ્પિક માર્કેટપ્લેસ ‘એપ્ટોઈડ’ પર મોબાઈલ એપ્સ અપલોડ કરવાનું શરૂ કર્યું હતું.

આદિત્યને વધુમાં કહ્યું કે, મેં આશીર્વાદ બ્રાઉઝર નામની એક એપ ડેવલપ કરી હતી. આ ગૂગલ ક્રોમ જેવું જ વેબ બ્રાઉઝર છે, પણ એમાં ઓછું કસ્ટમાઈઝેશન છે. આ એપ હું 9 વર્ષનો હતો ત્યારે બનાવી હતી અને મેં એન્ડ્રોઈડ સ્ટુડિયોનો ઉપયોગ કર્યો હતો.

ટ્રાઈનેટ સોલ્યૂશન્સમાં ત્રણ કર્મચારી છે, જે આદિત્યનનાં મિત્રો અને એની શાળાનાં વિદ્યાર્થીઓ છે.

આદિત્યનનું કહેવું છે કે, ‘મારે પોતાની માલિકીની કોઈ કંપનીની સ્થાપના કરવા માટે 18 વર્ષના થવું જરૂરી છે. તે છતાં અમે અત્યારે એક કંપનીની જેમ કામ કરી રહ્યા છીએ. અમારી પાસે 12 ક્લાયન્ટ્સ છે. અમે એમને ડિઝાઈન બનાવી આપીએ છીએ અને કોડિંગ સેવા પૂરી પાડીએ છીએ. અમે  આ કામ મફતમાં કરી આપીએ છીએ.’

આદિત્યનના પિતા રાજેશ નાયરે કહ્યું કે આદિત્યન 18 વર્ષનો થશે ત્યારે જ અમે કંપનીને રજિસ્ટર કરી શકીશું. પણ હાલ એ કોઈ કંપનીની જેમ જ ચલાવે છે. એ તેના ક્લાસમેટ્સ, શિક્ષકોને મદદ કરે છે, સ્કૂલના પ્રોજેક્ટ્સ બનાવી આપે છે. આ બધું એ મફતમાં કરે છે. અમે એની પ્રવૃત્તિઓમાં જરાય માથું મારતા નથી.

આદિત્યન યૂટ્યૂબનો પણ શોખીન છે અને એણે યૂટ્યૂબ પર પોતાની ચેનલ બનાવી છે ‘A Craze’.

આદિત્યને વધુમાં કહ્યું, મારાં પપ્પા, મમ્મી અને બહેન આરાધ્યાનો મને ખૂબ જ ટેકો છે. મારી બહેન હજી છ વર્ષની જ છે, પણ એ મારી યૂટ્યૂબ ચેનલ માટે બધા વિડિયો શૂટ કરી આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]