વિક્રમસિંઘે ફરી શ્રીલંકાના વડા પ્રધાન બન્યા…

0
914
શ્રીલંકામાં શાસક યુનાઈટેડ નેશનલ પાર્ટીના વડા રાનીલ વિક્રમસિંઘે ફરી દેશના વડા પ્રધાન બન્યા છે. પાટનગર કોલંબોમાં પ્રમુખ મૈત્રીપાલ સિરીસેનાએ 16 ડિસેંબર, રવિવારે એમને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ ટાપુરાષ્ટ્રમાં છેલ્લા બે મહિનાથી ચાલતી રાજકીય કટોકટીનો અંત આવી ગયો છે. ગઈ 26 ઓક્ટોબરે સિરીસેનાએ વિક્રમસિંઘેને બરતરફ કર્યા બાદ મહિન્ડા રાજપક્ષેને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા અને રખેવાળ સરકારની રચના કરવામાં આવી હતી, પરંતુ શ્રીલંકાની સંસદે વિક્રમસિંઘેમાં વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ રાજપક્ષેને વડા પ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી અને વિક્રમસિંઘે ફરી સત્તારૂઢ થયા છે.