જસદણમાં પેટા-ચૂંટણી પૂર્વે માલધારી સમાજે ભાજપને ‘રામ રામ’ કર્યા, 100 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં

જસદણ (રાજકોટ) – જસદણ નગરમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યલય ખાતે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં માલધારી સમાજના સો જેટલા સક્રિય આગેવાનો – કાર્યકરોએ ભાજપને રામ-રામ કરીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

આ કાર્યકરોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અવસર નાકીયાને જંગી બહુમતીથી વિજયી કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. જસદણ કોંગ્રેસ પરિવારે માલધારી સમાજ સાથે રહેવાની તૈયારી દર્શાવીને માલધારી સમાજના તમામ યુવા આગેવાનોને આવકાર્યા હતા.

અવસર નાકીયાના સમર્થનમાં દલિત મહાસંમેલન યોજાયું

જસદણ વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અવસર નાકીયાના સમર્થનમાં આજે જસદણમાં દલિત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી, AICCના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ મધુસુદન મિસ્ત્રી, ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ SC સેલ પ્રમુખ નૌશાદ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ઉપનેતા શૈલેષ પરમાર, ભૂતપૂર્વ સંસદસભ્ય રાજુ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો, મિત્રો હાજર રહ્યા હતા.

રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભાની પેટા-ચૂંટણી માટે 20મી ડિસેમ્બરે મતદાન છે.

આ બેઠક પર પરથી વર્ષ 2017માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વિધાનસભ્ય કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા એટલે આ બેઠક પર પેટા-ચૂંટણી યોજવી પડી છે.

બાવળિયાએ રાજીનામું ધરતાંની સાથે જ ભાજપે તેમને રાજ્યના પ્રધાનમંડળમાં મંત્રી પદ આપ્યું હતું.

બાવળિયાએ પક્ષ-પલટો કરતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

બાવળિયા ગુજરાતના ઓબીસી નેતા છે અને કોળી સમાજના આગેવાન છે. બાવળિયા પાંચ વખત ગુજરાતમાંથી કોંગ્રેસના વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.

વર્ષ 2009માં બાવળિયા લોકસભાની ચૂંટણીમાં પણ ચૂંટાયા હતા.

બાવળિયા સામે કોંગ્રેસે એક સમયે બાવળિયાના ચેલા તરીકે જાણીતા અવસર નાકીયાને ઉમેદવાર બનાવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]