સ્વમાન સાથેનું દાન એટલે આ વસ્ત્રદાન!

આમ તો સ્વજનોની યાદમાં કોઇક સેવાનું કામ કરવાની બધાની ઈચ્છા હોય, પણ બહુ ઓછા લોકો એવું કામ કરી શકે, જે ફક્ત સમાજ માટે ઉપયોગી નીવડે એટલું જ નહીં, પણ સમાજની એક સમસ્યાના ઉકેલ તરફ ય દોરી જાય છે. પછીથી આ કામ વ્યક્તિગત સેવાકાર્ય મટીને સમાજસેવાનો એક રસ્તો બની જાય છે.

આવો એક રસ્તો ચીંધ્યો છે મૂળ નડિયાદના અને હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા સુભાષ શાહે. સુભાષભાઈનો વતન પ્રત્યેનો એમનો લગાવ બીજા બધા એનઆરઆઈ જેટલો જ ટકોરાબંધ, પણ ગરીબ-જરૂરિયાતમંદોની વસ્ત્રની જરૂરિયાત પૂરી કરવાની એમની આ એક પ્રવૃત્તિ એમને અન્ય એનઆરઆઈ દાતાઓ કરતાં થોડી અલગ પાડે છે.

સદગત પત્ની ભગવતીબહેનની યાદમાં બે-અઢી વર્ષ પહેલાં એમણે એક ઝુંબેશ શરૂ કરેલી ગરીબોને વસ્ત્રો પૂરા પાડવાની. સાધન-સંપન્ન લોકો પોતાનાં વધારાનાં વસ્ત્રો ગરીબોને દાનમાં આપી દે એ રીતે નહીં, પણ દાન આપનાર અને દાન લેનાર એ બંનેનું સ્વમાન જળવાઈ રહે એ રીતે, યુઝ્ડ ક્લોથ (વપરાયેલાં, પણ ફાટેલાં નહીં) ભેગાં કરીને ગરીબો સુધી પહોંચાડવાની સેવાનું અનોખું કામ એમણે હાથ ધર્યું છે.

સુભાષભાઈ એમની ‘શ્રી ભગવતી શાહ સેવા સંકુલ’ સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં વસતા ખાધેપીધે સુખી પરિવારોને વધારાના વસ્ત્રો દાન કરવા અપીલ કરે છે. એ વસ્ત્રો એકત્ર કરીને પછી વિવિધ સેવાભાવી સંસ્થાઓ મારફતે એ જરૂરિયાત મંદોને વેચવામાં આવે છે.

અહીં ‘વેચવાના’ એ શબ્દ સાંભળીને ચોંકવાની જરૂર નથી! હા, ગરીબોને આ વસ્ત્રો નિઃશુલ્ક આપવાના બદલે રૂપિયા પચીસ ટોકન ચાર્જ લઈને આપવામાં આવે છે. દાનમાં મળેલાં વસ્ત્રો વ્યવસ્થિત ધોઈ, ઈસ્ત્રી-ટાઇટ કરીને જેમ મોલમાં વેચાણ માટે મૂકાયા હોય એમ જ પ્રદર્શિત કરાય છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ કપડું માત્ર પચીસ રૂપિયા આપીને ખરીદી શકે છે.

સુભાષભાઈ ચિત્રલેખાને કહે છે, ‘ટોકન ચાર્જ રાખવાનો હેતુ કમાણી કરવાનો કે ખર્ચ કાઢવાનો નથી. ગરીબ વ્યક્તિનું પણ સ્વમાન જળવાઈ રહે, એને પોતે કંઈક મફતમાં લીધું છે એવી ગ્રંથિથી પીડાવું ન પડે અને અન્ય લોકોની માફક જ ખરીદી કરીને કપડાં પહેરવાનો ભાવ એમના મનમાં જળવાઈ રહે એ હેતુ છે. વેચાણમાંથી જે આવક થાય એ પણ જે તે સંસ્થાની અન્ય સામાજિક પ્રવૃત્તિમાં જ વાપરવામાં આવે છે.’

આની શરૂઆત કેવી રીતે થઇ?

આમ તો સુભાષભાઈ અને ભગવતીબહેન વર્ષોથી જ્યારે વતનમાં આવે ત્યારે ઢગલો કપડાં લેતા આવતા. સગાવ્હાલાંની સાથે સાથે જરૂરિયાતમંદોને પણ આપે. એકવાર, લગભગ 2018માં જ, ભગવતીબહેને આર્થિક રીતે નબળા પરિવારને કપડાં મોકલ્યા. બે દિવસ પછી એમને એ કપડાં કોઇ પાછા આપી ગયું!

આ ઘટના પરથી ભગવતીબહેને નક્કી કર્યું કે કપડાંની મદદ કરવી, પણ એ એવી રીતે કરવી કે એનાથી મદદ લેનારનું સ્વમાન પણ જળવાય. આ વિચાર એમણે પતિ સુભાષભાઈ રજૂ કર્યો અને કહ્યું કે, ‘અમેરિકામાં જેમ મોલમાંથી લોકો ખરીદી શકે એમ અહીં પણ ગરીબો ખરીદી શકે એવી રીતે કપડાંનું વિતરણ ન થાય?’ સુભાષભાઈને પણ આ વિચાર ગમ્યો. દંપતીએ આવું કંઈક કરવાનું નક્કી કર્યું.
કમનસીબે આ દિશામાં એ વધારે વિચારે એ પહેલા જૂન 2021માં ભગવતીબહેનનું અવસાન થયું. સુભાષભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા, પણ એમના મનમાં ભગવતીબહેને કહેલી આ વાત હજુય રમતી હતી. ડિસેમ્બર, 2021માં એમણે નડિયાદની જાણીતી સામાજિક સંસ્થા બાલકન-જી બારીના સંચાલકો સમક્ષ આ વિચાર રજૂ કર્યો અને કહ્યું કે ટોકન રકમની જે આવક થશે એ સંસ્થાની બાળ પ્રવૃત્તિઓમાં જ વપરાશે. સંચાલકોને પણ આ વિચાર ગમ્યો.

બસ, એ પછી 21 જાન્યુઆરી 2022 ના રોજ સુભાષભાઈએ બાલકન-જી બારીને કપડાં મૂકવાના સ્ટેન્ડસ, હેંગર્સ, 200 જેટલાં કપડાં અને જરૂરી સામગ્રી ભેટ આપી. કપડાં ભેગા કરીને વેચવાની, કહો કે વિતરણ કરવાની શરૂઆત થઈ. આજે તો નડિયાદ, આણંદ, લાંભવેલ, ડાકોર, ખંભાત, વડોદરા, વિદ્યાનગર, અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં કામ કરતી 12 સેવાભાવી સંસ્થા આ કાર્યમાં જોડાઇ છે. જે સંસ્થા એમની સાથે જોડાય એમને પ્રવૃત્તિની શરૂઆત કરવા માટે સુભાષભાઈ તરફથી પચીસેક હજારની પ્રારંભિક સહાય પણ કરવામાં આવે. વસ્ત્રોના વેચાણમાંથી જ આવક થાય એ રકમ સંસ્થા પોતાની અન્ય પ્રવૃતિઓમાં વાપરી શકે.

આજ સુધીમાં સુભાષભાઇએ આ રીતે હજારો પરિવારોની વસ્ત્રની જરૂરિયાત પૂરી પાડીને વસ્ત્રદાનની પ્રવૃત્તિને એક નવો આયામ આપ્યો છે.

વર્ષ 1993માં નડિયાદથી ન્યૂજર્સી જઈને વસેલા સુભાષભાઈ બહુ મોટા હોટેલિયર કે બિઝનેસમેન નથી, પણ પોતાની પાસે જે સગવડ છે એમાંથી થોડીઘણી રકમ આવી પ્રવૃત્તિઓ માટે ફાળવતા રહે છે.

અમેરિકામાં પણ વિવિધ સામાજિક-ધાર્મિક-સાહિત્યિક સેવાકીય કાર્યો સાથે એ જોડાયેલા છે. વાંચવા-લખવાના શોખીન છે એટલે માતૃભાષાની જાળવણીની પણ એટલી જ ખેવના રાખે છે. અમેરિકામાં ગુજરાતી ભાષાનો પ્રચાર પ્રસાર થતો રહે એવા હેતુથી એ 1994થી ‘ગુજરાત દર્પણ’ નામનું સામયિક ચલાવે છે અને હજારો વાચકોને નિઃશુલ્ક મોકલે છે. વારે-તહેવારે ખરીદેલા પાંચેક હજાર પુસ્તકોની એક લાઇબ્રેરી એમણે પોતાની ઓફિસમાં શરૂ કરી છે, જ્યાં કોઇપણ આવીને વાંચી શકે છે. લાઇબ્રેરીમાં અવારનવાર સાહિત્યિક મેળાવડાઓ પણ યોજે છે.

આ ઉપરાંત, અમેરિકામાં વસતા વૈષ્ણવ સંપ્રદાયની 84 જ્ઞાતિના લોકોને એક મંચ પર લાવી ‘સ્વજન’ નામની સંસ્થા ઊભી કરવી કે પછી સિનિયર સિટિઝન્સ માટે મહિલા વિંગ કાર્યરત કરવી જેવી અનેક પ્રવૃત્તિઓ પણ કરતા રહે છે.

સમાજમાં દાન આપવાનું કામ તો ઘણા શ્રેષ્ઠીઓ કરે છે, પણ સુભાષભાઇએ ગરીબોને અપાતા દાનમાં ‘સ્વમાનનું મેળવણ’ ઉમેરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(કેતન ત્રિવેદી)

સુભાષભાઇની આ પ્રવૃત્તિની વિડીયો સ્ટોરી માટે ક્લિકઃ