દિલ્હીમાં G20 શિખર સંમેલન: મેટ્રોનો ઉપયોગ કરવાની પોલીસની નાગરિકોને અપીલ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના ટોચના 20 દેશોના સમૂહ G20ના વડાઓનું બે-દિવસીય શિખર સંમેલન આવતીકાલથી રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં યોજાશે. આ કાર્યક્રમને લક્ષમાં રાખીને નવી દિલ્હી જિલ્લામાં અત્યંત કડક ટ્રાફિક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. G20 સંમેલનના આયોજન સ્થળ ‘ભારત મંડપમ’ અને જિલ્લામાં G20 પ્રતિનિધિઓને જ્યાં ઉતારો આપવામાં આવ્યો છે તે હોટેલોના વિસ્તારમાં દવા-ઔષધિ, એમ્બ્યુલન્સને બાદ કરતાં બીજી સેવાઓ પર બે દિવસ પૂરતો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઓનલાઈન ડિલિવરી સેવાઓ ઉપર પણ પ્રતિબંધ છે. સંમેલનને કારણે નવી દિલ્હી જિલ્લાને આજે સવારે પાંચ વાગ્યાથી શરૂ કરી રવિવારે રાતે 11.59 વાગ્યા સુધી ‘કન્ટ્રોલ્ડ ઝોન-1’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ચાલવા, સાઈક્લિંગ કરવા કે પિકનિક કરવા માટે ઈન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ ખાતે ન આવે.

એમ્બ્યુલન્સને તથા આ વિસ્તારમાં રહેતા લોકો અને પર્યટકોને ઉચિત ઓળખપત્ર-દસ્તાવેજો બતાવવાથી પ્રતિબંધિત વિસ્તારમાં ફરવા દેવામાં આવશે. દિલ્હી મેટ્રો તમામ લાઈન પર સપ્ટેમ્બર 8, 9 અને 10મીએ સવારે 4 વાગ્યાથી સેવા શરૂ કરશે. દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે ટ્રાફિક નિયમનો લાગુ કરાયા હોવાથી તેઓ શક્ય એટલો મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરે.

સંમેલન દરમિયાન સુરક્ષા માટે ચાંપતી દેખરેખ રાખવા માટે 50,000 પોલીસ જવાનોને શ્વાન ટૂકડીઓ સાથે તૈનાત કરવામાં આવ્યા છે.

G20 સમૂહમાં અમેરિકા, યૂરોપિયન યૂનિયન, બ્રિટન, ઈટાલી, જર્મની, ફ્રાન્સ, ચીન, ભારત, કેનેડા, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, તૂર્કી છે.

હાલ G20 સમૂહનું વાર્ષિક પ્રમુખપદ ભારત પાસે છે. એ હવે સમાપ્તિને આરે છે. 10 સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદી પ્રમુખપદ (યજમાનપદ)નું બેટન (પ્રતિકાત્મક દંડ) બ્રાઝિલના પ્રમુખ લુલાને સુપરત કરશે. બ્રાઝિલ વિધિસર 1 ડિસેમ્બરથી G20 ગ્રુપનું પ્રમુખ બનશે.

યૂએસ પ્રમુખ બાઈડન અમેરિકાથી રવાના થઈ ગયા છે

અમેરિકાના 80 વર્ષીય પ્રમુખ જો બાઈડન નવી દિલ્હી આવવા માટે વોશિંગ્ટનથી રવાના થઈ ગયા છે. એમના 72 વર્ષીય પત્ની ફર્સ્ટ લેડી જિલ બાઈડનને કોરોના થયો હોવાનું ગયા સોમવારે માલૂમ પડ્યું હતું. બાઈડનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જિલ બાઈડન હાલ ડેલાવેર સ્થિત એમના નિવાસસ્થાને આરામ કરી રહ્યાં છે. પ્રમુખ બાઈડન ભારત બાદ વિયેટનામ જશે.

બાઈડનનું વિમાન જર્મનીના રેમસ્ટેન ખાતે નવું બળતણ પૂરાવ્યા બાદ આજે સાંજે દિલ્હી પહોંચશે. બાઈડન આજે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. યૂએસ પ્રમુખ તરીકે બાઈડન આ પહેલી જ વાર ભારત આવી રહ્યા છે.