ચાણક્યનીતિની આ ત્રણ વાતો બદલશે જીવન

0
3783

રાજનીતિના શ્રેષ્ઠ જ્ઞાતા એવા ચાણક્ય પોતાની ચાણક્યનીતિમાં જે વાતો કહી અને સમજાવીને ગયા તે વાતો અત્યારના કળયુગના સમયમાં જો અનુસરવામાં આવે તો મનુષ્યને ખૂબ મોટો ફાયદો થાય છે. ચાણક્યએ પોતાની ચાણક્યનીતિમાં મનુષ્યને જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ અવસ્થાઓમાં જીવન કેમ જીવવું તે શીખવાડ્યું છે. અને આનું અનુકરણ આજનો મનુષ્ય કરે તો સાચે જ મનુષ્યનું જીવન બદલાઈ જાય.

 • न ध्यातं पदमीश्वरस्य विधिवत्संसारविच्छितये
  स्वर्गद्वारकपाटपाटनपटुधर्मोडपि नोपार्जितः ।
  नारीपीनपयोधरोरुयुगलं स्वप्नेडपि नालिगितं
  मातुः केवलमेव यौवनवनच्छेदे कुठारा वयम ।।

અર્થાતઃ જે વ્યક્તિએ સંસારરૂપી જાળને કાપવા માટે ભગવાનનું સ્મરણ નથી કર્યું અને સ્વર્ગના દ્વારે પહોંચવા માટે જેણે ધર્મરૂપી ધનનો સંગ્રહ નથી કર્યો, જેણે સ્વપ્નમાં પણ નારીને પ્રેમ નથી કર્યો, તેવી વ્યક્તિ યુવાનીમાં તેને જન્મ આપનાર માતાના યૌવનરૂપી વૃક્ષને કાપનાર કુહાડો જ છે કે બીજું કંઈ ?

ચાણક્ય કહે છે કે તમે પૃથ્વી પર જન્મ લીધો છે, તો કંઈક નવું કરો, કંઈક સિદ્ધ કરો, જેથી જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ મળે. તમને પેદા કરનાર માતાએ તમારો નવ માસ સુધી ભાર વેઠ્યો છે તેને વ્યર્થ ન જવા દો. જ્યારે એક માતા બાળકને જન્મ આપે છે ત્યારે તે બાળક પાસે અનેક અપેક્ષા રાખે છે, તેના માટે ઘણાં સપનાં જુએ છે. તેને પૂરાં કરવા પ્રયત્ન કરો.

 • परोपकरणं येषां जागर्ति हृदये सताम ।
  नश्यन्ति विपदस्तेषां सम्पदः स्युः पदे पदे ।।

ચાણક્ય કહે છે કે બીજા લોકોનું ઉત્તમ થાય તેવું ઈચ્છનારી વ્યક્તિનું તો કુદરત પણ કશું નથી બગાડતી. બીજા લોકોનું ખરાબ થવાની ઈચ્છા રાખનારને પોતે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજાને નુકશાન ન કરનારને કોઈ હેરાન નથી કરતું. દરેક તેને આદર જ આપે છે. એટલે આપણે જીવનમાં કોઈનું સારૂ ન કરી શકીએ તો કાંઈ નહી પરંતુ કોઈનું ખરાબ તો ક્યારેય ન કરવું જોઈએ.

 • गुणाः सर्वत्र पूजयन्ते न महत्योडपि सम्पदः ।
  पूर्णेन्दु किं तथा वन्घो निष्कलड्को यथा कृशः ।।

અર્થાતઃ દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. દુર્ગુણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધનસંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં. ડાઘ વિનાના, આછો પ્રકાશ આપનાર બીજના ચંદ્રની જે રીતે પૂજા થાય છે, તેવું તો પૂનમના ચંદ્રને પણ સન્માન નથી મળતું

ચાણક્ય કહે છે કે પૂનમના ચંદ્રમાં અનેક ડાઘ દેખાય છે, જ્યારે બીજનો ચંદ્ર એક પાતળી રેખા જેવો હોય છે. જેમાં કોઈ ડાઘ નથી હોતો એટલે જ સંપૂર્ણ ચંદ્ર કરતાં તે વધુ સુંદર લાગે છે. આ ઉદાહરણ આપી ચાણક્ય કહે છે કે સાફ ચારિત્ર્યવાળી ગુણવાન વ્યક્તિની સહુ કોઈ પ્રશંસા કરે છે અને તે આદરને પાત્ર બને છે. અર્થાત સમાજમાં તમે નાના હશો પણ સારા હશો તો બધા જ લોકો તમને સ્વીકારશે પરંતુ મોટા હોઈને પણ જો તમે સારા નહી હોવ તો સમાજમાં તમારી શાખ નહી હોય.

(અહેવાલઃ હાર્દિક વ્યાસ)