નોટ આઉટ @ 84 : ગીતા કોઠારી

જ્યાં વડીલો ગીત-સંગીત, ચિત્ર-કળા, સાહિત્ય, યોગ-રમત-ગમત વગેરે પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી રચ્યાં-પચ્યાં રહે છે તેવા વડીલોના “મંદિર” સમા “ઉમંગ”ના ટ્રસ્ટી ગીતાબહેન કોઠારીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

તેમનો જન્મ નડિયાદમાં થયો. સાત ભાઈ-બહેનોમાં તેઓ સૌથી નાના. પિતા વકીલ, વાંસદાના દિવાન. આઝાદ ભારતમાં સરકારી મેજિસ્ટ્રેટ તરીકે કામ કર્યું. બાળપણ સુંદર વાંસદા ગામમાં પસાર થયું. રોજ સાંજે રાજમહેલમાં રાજકુમારીઓ સાથે રમવા જાય, કસરત કરે, હીંચકા ખાય, રમતો રમે, પઝલો કરે, પુસ્તકો વાંચે….રાણીમા બહુ પ્રેમાળ. તેમની પાસે ભજન ગવડાવે, નાટક કરાવે. એક વડીલના નાના લોકો પ્રત્યેના વર્તનનું આદર્શ ઉદાહરણ! વાંસદાથી સુરત થઈ અમદાવાદ આવ્યાં. સી.એન. વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. શાળામાં જાડી ખાદી પહેરી સાદગી  શીખ્યાં. ગુજરાત કોલેજમાંથી BSc કર્યું. NCC માટે મેડલ મેળવ્યો. રાઈફલ-શુટીંગમાં પણ આગળ! પછી MLW અને LLB ભણ્યાં. UPSCની પરીક્ષા પાસ કરી બાવીસ વર્ષે લેડી-વેલ્ફર-ઓફિસર એટલે ગેઝેટેડ-ઓફિસર બન્યાં. મેનેજમેન્ટ અને યુનિયન વચ્ચેના ઝઘડા પતાવવા આખા ગુજરાતમાં ફરતાં. લગ્નના થોડા સમયમાં સસરાનું અવસાન થતાં નોકરી છોડી. પતિ અને સાસરીયાં બહુ ખાનદાન માણસો. ગીતાબહેનને મનમાં વડીલો માટે કંઈક કરવાની અભિલાષા. ઘરનાં કુટુંબીઓનો સાથ હોવાથી, લાયન્સ-ક્લબ અને હેલ્પેજ ઈન્ડિયાની મદદથી તેમણે વડીલો માટે દિવસના ત્રણ-ચાર કલાક રચનાત્મક કામ કરવા મળે, બહુ આનંદ આવે તેવું ‘લર્નિંગ-સેન્ટર’ શરૂ કર્યું. “ઉમંગ”માં એટલું રસપ્રદ કામ થાય કે થોડા સમય માટે એક ભાઈ દરરોજ રાજકોટથી “ઉમંગ”માં આવતા!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

છ વાગે ઊઠે, કોફી પીએ, થોડું ચાલે. નાહી-ધોઈને પૂજા કરે, સાયકલિંગ અને કસરત કરે. ઘરની સાફસૂફી અને રસોડામાં થોડું  ધ્યાન આપે. થોડો સમય ‘ઉમંગ’નું કામ ચાલે. અઠવાડિયામાં બે વાર “ઉમંગ”માં જાય. વાંચન અને સંગીતમાં સરસ સમય જાય. નિયમિત લેખન કાર્ય કરે. ટીવી ભાગ્યે જ જુએ. આડોશી-પાડોશી સાથે વાતચીત કરે, મિત્રો અને સગા-સંબંધીઓ સાથે ફોનથી ટચમાં રહે.

શોખના વિષયો : 

વાંચન, સંગીત. શાસ્ત્રીય-સંગીત શીખ્યાં છે, આજે પણ એક જ રાગ અસ્ખલિત અડધો કલાક ગાઈ શકે છે! ક્રિએટિવ રાઇટિંગનો શોખ છે. ફરવાનો અને ફોટોગ્રાફીનો ઘણો શોખ હતો. સમગ્ર ભારત અને આખા વિશ્વમાં (આફ્રિકા સિવાય)ફર્યાં છે. દીકરી ન્યૂઝીલેન્ડમાં રહે છે. દીકરો-વહુ, દીકરી-જમાઈ, બધાં પીએચડી ભણેલાં છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. એક ઘૂંટણનું ઓપરેશન કર્યું છે, પણ ચાલી શકે છે, સાયકલ ચલાવી શકે છે. વર્ષમાં એકવાર ચેક-અપ માટે ડોક્ટરને મળવા જાય છે. પતિને હૃદયનો પ્રોબ્લેમ હતો, દસ વર્ષ પહેલા તેમનું અવસાન થયું.

યાદગાર પ્રસંગ:  

કિશોરાવસ્થામાં તેઓ સ્ટેડિયમ રહે અને રોજ આંબાવાડી, સી.એન.વિદ્યાલય ચાલતાં જાય. એકવાર બહેનની સાયકલ પાછળ બેસી ઘરની બહાર જ નીકળ્યાં અને પોલીસે પકડ્યાં! પિતાએ દૂરથી જોયું અને બૂમ પાડી: “તેમનાં નામ લખી લો!” પિતા કાયમ કહેતા કે જે કરવું હોય તે કરજો પણ ખોટું ના કરશો! માતા-પિતા સાદગીનાં આગ્રહી હતાં. વસ્ત્ર-પરિધાનમાં સાદગી રાખવાની પણ અભ્યાસમાં કાયમ આગળ રહેવાનું!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

‘ઉમંગ’ માટે વક્તાઓને આમંત્રણ આપવાનું, તેમને થેન્ક્સ-લેટર મોકલવાનું, એવું ઘણું-બધું કામ તેઓ આસાનીથી લેપટોપ ઉપર કરતાં અને મોબાઈલ પર પણ કરે છે. પણ હવે વધુ  જરૂર નથી એટલે વધુ ઊંડાણમાં શીખ્યાં નથી. પોતાને ટેકનો-સેવી માનતાં નથી.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

અત્યારનાં મા-બાપ, નાનપણથી બાળકોને વાંચન તરફ અને રચનાત્મક-કાર્યો તરફ વાળતાં નથી, એટલે બાળકોનો સમય દેખાડા, ફન, કપડાં, ક્લબ, ડાન્સ વગેરેમાં જ જાય છે. બાળકો સાથે મા-બાપે બેસવું જોઈએ, દિવસભરની વાતો કરવી જોઈએ. સંયુક્ત-કુટુંબનો મહિમા સ્વીકારવો અને સમજાવવો જોઈએ. પોતાના અનુભવો યાદ કરે છે….. લાંબા સમય સુધી તેઓ ચાર-પેઢી સાથે રહેતાં. પ્રોફેસર પુત્ર-વધૂ(રીટા કોઠારી) કામ કરીને સાંજે ઘેર આવે ત્યારે દાદી-સાસુ સાથે અચૂક વાતો કરતાં!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ઘરનાં યુવાનો તો પરદેશ જતાં રહ્યાં! પણ ‘ઉમંગ’ના કામને લીધે શાળાઓ (એકલવ્ય સ્કૂલ, અભિલાષા સ્કૂલ વગેરે) સાથે સંકળાયેલાં છે. તેઓએ ‘ઉમંગ’નાં વડીલો સાથે રહીને શાળાઓમાં વાર્તા કહેવાનો પ્રોજેક્ટ ચાલુ કરાવ્યો છે. ‘ઉમંગ’ માટે સ્પીકર બોલાવવાના હોય કે અન્ય પ્રોજેક્ટનાં કામને લીધે તેઓ યુવાનો સાથે સંપર્કમાં છે.

સંદેશો :   

વડીલો માટે ખાસ: સમાજને ઉપયોગી થાવ તેવું કામ કરો. કુટુંબમાં અને સમાજમાં યુવાનો સાથે સંબંધ રાખો. તેમની સાથે બેસો, વાતો કરો. તેમને સંયુક્ત-કુટુંબની ભાવના સમજાવો.