લાલબાગચા રાજાઃ હિસાબ આપો…

મુંબઈ એટલે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઉજવણીનું ગઢ. દર વર્ષે ગણેશચતુર્થીથી શરૂ થઈને ગણેશ વિસર્જન સુધી શહેર ગણપતિમય બની જાય. આ વર્ષે પણ એ પરંપરા ચાલુ રહી હતી. મહાનગરમાં નાના-મોટાં સેંકડો સાર્વજનિક મંડળો છે જેઓ ગણેશોત્સવની ઉજવણી રૂપે ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે. પરંતુ, આ તમામ મંડળોમાં મધ્ય મુંબઈના પરેલ ઉપનગરના લાલબાગ વિસ્તારના સાર્વજનિક ગણેશોત્સવ મંડળની ‘લાલબાગચા રાજા’ ગણપતિ મૂર્તિ અતિ લોકપ્રિય બની ગઈ છે. ગણેશોત્સવના દસેદસ દિવસ ‘લાલબાગચા રાજા’નાં દર્શન કરવા માટે આ મંડળમાં ભક્તોની ચિક્કાર ગિરદી રહેતી હોય છે.

બોલીવૂડની હસ્તીઓ પણ દર્શનનો લાભ લેવાનું ચૂકતી નથી.

પરંતુ આ વર્ષે લાલબાગચા રાજાનું સ્થાપક મંડળ અમુક બાબતે સરકારના હાથમાં ઝડપાઈ ગયું છે.

એક, મંડળના સ્વયંસેવકોએ એક સિનિયર પોલીસ અધિકારીની કરેલી મારપીટના મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીની મારપીટના પગલે મંડળના સંચાલકો અને પોલીસ તંત્ર વચ્ચે ઝઘડો થયો છે.

વાત આગળ વધ્યા બાદ ચેરિટી કમિશનરના કાર્યલયે ત્રણ-સભ્યોની તપાસ સમિતિ રચી છે. આ સમિતિ લાલબાગચા રાજા સાર્વજનિક મંડળની કામગીરી તેમજ દર્શનાર્થીઓની કતારોના વહીવટ સંબંધિત લેવાતા નિર્ણયોમાં તપાસ કરશે.

બીજી, અને વધારે મહત્ત્વની વાત એ છે કે મંડળના સંચાલકોએ હવે ગણેશ ઉત્સવ દરમિયાન એને મળતા દાનની રકમ તથા અન્ય ચીજવસ્તુઓની રકમ ઘોષિત કરવી પડશે.

મંડળના વહીવટ અંગે ચેરિટી કમિશનરની કચેરીને છેલ્લા બે મહિનામાં અનેક ફરિયાદો મળી છે, પરંતુ સંબંધિત અધિકારીઓએ કોઈ પગલાં લીધાં નહોતા. પરંતુ, કમિશનર શિવકુમાર દીઘેએ ગયા મહિને મંડળની મુલાકાત લીધી હતી અને તે પછી એમણે ફરિયાદોમાં તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

તપાસ મુખ્યત્વે ભક્તોના ટોળાને સંભાળવાની રીત ઉપર કેન્દ્રસ્થ રહેશે. જેમ કે, ભક્તોની ભીડ વધી જતી હતી ત્યારે પરિસ્થિતિ વણસી ન જાય એ માટે મંડળના સંચાલકોએ કેવા પગલાં લીધા હતા વગેરે. વળી, દર્શનાર્થીઓની બેફામ ભીડ મંડળ દ્વારા આયોજનના અભાવને કારણે થાય છે કે નહીં તે વિશે પણ ચેરિટી કમિશનર તપાસ કરાવશે.

કમિશનરની કચેરીમાંથી એક અધિકારી, એક પોલીસ અધિકારી અને મંડળના સંચાલકોમાંથી એક સભ્ય તપાસમાં પરસ્પર સહયોગ આપશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે લાલબાગચા રાજા ગણપતિની મૂર્તિને પગે લાગતા અને મુખદર્શન કરતાં દર્શનાર્થીઓને સ્વયંસેવકો નિર્દયતાપૂર્વક અને શરમજનક રીતે ધક્કા મારતા હતા. એવા એક સ્વયંસેવકને મહિલા દર્શનાર્થીઓને ખરાબ અને વાંધાજનક રીતે ધક્કા મારતો દેખાડતો વિડિયો વાયરલ થતાં લોકોમાં ખળભળાટ મચી ગયો હતો.

હવે મહિલા ભક્તો-દર્શનાર્થીઓની ભીડને અંકુશમાં રાખવા માટે મહિલા સ્વયંસેવકોને ગોઠવવામાં આવશે.

મંડળ ખાતે દાનપેટીઓને જ્યારે ખોલવામાં આવશે ત્યારે ચેરિટી કમિશનરના કાર્યાલયના એક અધિકારી ત્યાં હાજર રહેશે.

httpss://youtu.be/RL-BPWbmoL8

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]