પ્રતિમાને ડર હતો કે, સંજયને ખબર પડશે ત્યારે તે કેટલો ગુસ્સે થશે

‘મમ્મી, તું પપ્પાને ન કહેતી, નહિતર એ બહુ ગુસ્સો કરશે.’ આઠ વર્ષની સંજનાએ પોતાની મમ્મી પ્રતિમાને વિનંતી કરતા કહ્યું.

‘હા, નહિ કહું. તું સૂઈ જા હવે. મોડું થઇ ગયું છે. સવારે તારે નિશાળે જવાનું છે ‘ને.’ પ્રતિમાના હૃદયના ધબકારા વધી ગયા હતા. ડર તો તેને પણ હતો કે જયારે સંજયને ખબર પડશે ત્યારે તે કેટલો ગુસ્સે થશે.

સંજયનો સ્વભાવ અતિશય ગુસ્સા વાળો હતો અને તેનાથી તેની પત્ની અને દીકરી જ નહિ પણ જે લોકો સંજયને ઓળખાતા તે બધા ડરતા હતા. ક્યારે ગુસ્સે થઇ જાય અને ક્યારે કોઈનું અપમાન કરી દે, કોની ઉપર ચિડાઈ જાય તેનું કહેવાય નહિ.

આજે પ્રતિમાથી ઘરના એક ડ્રોઅરનો દરવાજો તૂટી ગયો હતો. ડ્રોઅરમાં પ્રતિમાએ કેટલીક સ્ટેશનરીની વસ્તુઓ રાખેલી હતી અને તે આજે ખોલવા જતા દરવાજો ફસાયેલો લાગ્યો. પ્રતિમાએ ધીમે ધીમે હલાવીને દરવાજો ખોલવાની કોશિશ કરી પણ અંદર ઘીસીમાં પેન્સિલ કે બીજું કઈ ફસાઈ ગયું હોવું જોઈએ તેવું જણાયું. થોડું જોર લગાવીને પ્રતિમાએ દરવાજો ખેંચ્યો તો ચિયાંઉન્ન્ન ચિયાંઉન્ન્ન એવા અવાજ સાથે ડ્રોઅર થોડું હાલ્યું એટલે હવે ખુલી જશે તેવી આશામાં પ્રતિમાએ થોડું વધારે જોર લગાવ્યું તો આખો દરવાજો જ બહાર આવી ગયો. હવે તે ડ્રોઅર ખુલ્લું જ હતું અને દરવાજો નીચે અલગ થયેલો પડ્યો હતો.

સંજય આવે ત્યારે તેને પહેલા તો સારી રીતે જમાડી દેવો અને પછી કપડાં બદલી લે અને શાંતિથી બેસે ત્યારે જ આ વાત હળવેથી કહેવી તેવું પ્રતિમાએ વિચારી રાખ્યું હતું. તેના મનમાં આખી ઘટના જાણે બે-ત્રણ વાર આકાર લઇ ચુકી હતી અને બધું સારી રીતે સેટ થઇ જશે તેવું લાગતું હતું ત્યારે દીકરી સંજનાએ આપેલી ચેતવણી પ્રતિમાના મનમાં ફરીથી ડરનો ડંકો વગાડી રહી હતી.

સાંજના સાત વાગ્યે તો સંજય ઘરે આવી જતો પણ આજે તે ઓફિસના કામે બહાર ગયેલો એટલે અગિયાર વાગ્યાની ટ્રેઇનથી પાછો આવવાનો હતો. પ્રતિમાએ દીકરીને સુવડાવી દીધી હતી અને પોતે ટીવી ચાલુ કરીને ન્યુઝ જોઈ રહી હતી. સાડા અગિયાર વાગ્યા એટલે ડોરબેલ વાગ્યો. પ્રતિમા દરવાજો ખોલવા સોફા પરથી ઉઠી તો તેના પગ ધ્રુજતા હોય તેવું લાગ્યું.  દરવાજો ખોલતી વખતે તેના હાથ પણ કંપી રહ્યા હતા. ધીમેથી દરવાજો ખોલ્યો અને સંકોચ ભર્યા સ્મિત સાથે તેણે સંજયને અંદર આવકાર્યો.

સંજયે પોતાની ઓફિસબેગ પ્રતિમાને પકડાવી અને તે બાથરૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો. દશેક મિનિટ પછી નાઈટડ્રેસ પહેરીને તે બેઠકના સોફા પર બેઠો હતો. પ્રતિમા જમવાનું ગરમ કરીને લાવી. ટીવી જોતા જોતા જ સંજયે બે રોટલી અને શાક, ખીચડી ખાધા તે દરમિયાન ખાસ વાત ન થઇ. ‘સંજના ઊંઘી ગઈ?’ સંજયે પૂછેલું અને પ્રતિમાએ હકારમાં માથું હલાવેલું. તેણે કહેલી ‘હા’ નો સ્વર ગાળામાં જ દબાયેલો રહી ગયેલો.

સંજયે ડિનર પૂરું કર્યું એટલે પ્રતિમા વાસણ ઉપાડીને રસોડામાં લઇ ગઈ અને પાણીનો ગ્લાસ ભરી લાવી. થોડીવાર બંનેએ બેઠા બેઠા ટીવી જોયું. લગભગ બાર વાગ્યા એટલે સંજયને બગાસું આવ્યું.

‘સુઈ જઈએ?’ તેણે ટીવી બંધ કરતા કહ્યું.

‘હા, સંજના તો ઘસઘસાટ ઊંઘે છે. હળવેથી જઈએ એટલે તેની ઊંઘ ન બગડે.’ પ્રતિમાએ સૂચન કર્યું.

બંને બેડરૂમ તરફ જવા ઉભા થયા એટલે પ્રતિમાનું હૃદય રેસના ઘોડાની ઝડપે દોડી રહ્યું હતું. હમણાં સંજય બેડરૂમમાં તૂટેલું ડ્રોઅર જોશે અને ખબર નહિ કેવી રીતે વર્તન કરશે. જો બહુ ગુસ્સો કરશે અને ઊંચા અવાજે બોલશે તો પડોસીઓ ફરીથી કાલે પૂછપરછ કરશે કે શું થયું હતું. સંજના જાગી જશે અને ડરી જશે તે તો નક્કી જ હતું.

મનમાં ભય અને આશાના મિશ્રા ભાવો સાથે પ્રતિમા આગળ આગળ ચાલી અને સંજય પાછળ પાછળ બેડરૂમમાં પ્રવેશ્યો. તેણે પોતાની ઘડિયાળ અને પર્સ હાથમાં ઉઠાવ્યા હતા તે બેડરૂમમાં જઈને જેનું ડ્રોઅર તૂટ્યું હતું તે ટેબલ પર મુકવા આગળ ગયો તો તેના પગ તૂટેલા દરવાજામાં લાગ્યો અને તે ચોંકી ગયો. નાઇટલેમ્પના અજવાળામાં સંજયને એટલું તો દેખાયું કે ડ્રોઅરનો દરવાજો તૂટેલો પડ્યો છે.

તેના સ્વભાવ પ્રમાણે તરત જ તેના હાથની મુઠીઓ વળાઈ ગઈ, ચેહરાના સ્નાયુઓ તંગ બન્યા અને શરીરમાં લોહીનો પ્રવાહ પૂરની ઝડપે ધસી રહ્યો. તેણે પાછળ ઉભેલી પ્રતિમા તરફ ફરીને તેની આંખોમાં જોયું. અંધારામાં પણ પ્રતિમાને સંજયની લાલઘૂમ આંખો કેવી લગતી હશે તેની જાણ હતી. તેના તેજ બનેલા શ્વાસોચ્છવાસના અવાજ પરથી પ્રતિમા સમજી ચુકી હતી કે તેનો પતિ પોતાનો કાબુ ગુમાવી બેઠો છે અને હમણાં જ ગુસ્સાથી તાડુકીને પૂછશે, ‘કેવી રીતે આ ડ્રોઅર તૂટ્યું?’ અને પછી તેની કોઈ જ વાત સાંભળ્યા વિના ગુસ્સામાં તે બબડ્યા કરશે અને આડોસપાડોસના બધા લોકોની ઊંઘ બગડશે. આ કઈ નવી વાત નહોતી પ્રતિમા માટે, પરંતુ આજે તે ખરેખર જ ડરી ગઈ હતી.

સંજય કઈ બોલે તે પહેલા જ પ્રતિમાએ પોતાનું શરીર ઢીલું મૂકીને સંજય પર ઢાળી દીધું. ગુસ્સાથી ટટ્ટાર ઉભેલા સંજયને તે જેમ ઝાડના થડને વેલી વીંટળાય તેમ વીંટળાઈ વળી. અચાનક આવી ગયેલા ભારથી સંજય જરા પાછળ ધકેલાયો પણ તે પ્રતિમાનો આવો પ્રતિભાવ સમજી ન શક્યો.

‘ગુસ્સો ન કર સંજય. ઊંઘતા પહેલા સંજના બહુ ડરી ગયેલી કે પપ્પા આવશે તો ગુસ્સે થશે. મેં મુશ્કેલીથી તેને શાંત પાડીને ઊંઘાડી છે. નાની બાળકીના મનમાં તારા ગુસ્સાનો ભય બેસવા મંડ્યો છે. આપણી વચ્ચે કઈ પણ બોલચાલ થાય તેની અસર હવે આ બાળક પર પણ થઇ રહી છે. મારા માટે નહિ તો તેના માટે શાંત રહેજે.’ પ્રતિમા એકસાથે એટલું બોલી તો ગઈ પણ તેનું છેલ્લું વાક્ય પૂરું થતા જ સંજયને તેની છાતી પર ગરમ ગરમ આંસુ અને ધ્રુસકાંથી ફૂંકાઈ રહેલા ગરમ શ્વાસ મહેસુસ થયા.

‘પ્લીઝ, સંજય.’ બોલતી પ્રતિમા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી પણ તેણે કહેલી વાતથી સંજયના મનમાં ઉઠેલો ગુસ્સો હવે ગંભીર વિચારમાં પરિણમ્યો હતો. દીકરીને પોતાનાથી ડર લાગે છે અને પોતે આવ્યો તેની પહેલા જ તે ગભરાઈ ગયેલી તે વાત સાંભળીને સંજયની અંદર રહેલ પિતાનું હૃદય દ્રવી ઉઠ્યું. થોડીવાર તેનાથી કઈ બોલાયું નહિ. બેડરૂમમાં પંખાનો અવાજ, ઊંઘેલી દીકરીના હળવા શ્વાસ અને પ્રતિમાના રડવાના ધ્રૂસકાની વચ્ચે સંજયના મનમાં ઉઠેલું દ્વંદ્વ શાંત કરીને તેણે પ્રતિમાના માથે હાથ મુક્ત કહ્યું, ‘મને ખબર નહોતી કે આટલી નાની બાળકી મારાથી ડરી ગઈ હશે. હું તેણે ડરાવીને મારાથી દૂર કરી દેવા નથી માંગતો. શાંત થઇ જા. જે થયું તે થયું, આપણે નવું ટેબલ લઇ લઈશું. ચિંતા ન કર. અને આઈ એમ સોરી મેં તારા પર ગુસ્સો કર્યો એટલા માટે અને તેના કરતા પણ વધારે આ ફૂલ જેવી નાજુક છોકરીના મનમાં મેં અજાણતા જે ભય બેસાડી દીધો છે તેના માટે હું વધારે દિલગીર છું. આઈ એમ રીઅલી સોરી.’ સંજયનો અવાજ ગળગળો થઇ ગયો હતો.

પ્રતિમાએ પોતાના આંસુ લૂછ્યાં અને ઊંઘેલી દીકરીને હેતથી જોઈ રહેલ બાપનું એ નવું રૂપ જોઈને તેનું મન ફરીથી ભરાઈ આવ્યું.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)