પત્ની અને બે મિત્રો સામે જ હરસુખભાઈએ કહ્યું, “આપ સૌ ને અલવિદા”

‘વિષ્ણુભાઈ અને અબ્બાસભાઈ આવી ગયા?’ હરસુખભાઈએ તેમની પત્ની સુનંદાને અવાજ દીધો.

‘આવતા જ હશે. છ વાગ્યે પહોંચશે એવું કહ્યું હતું.’ સુનંદાએ ફુલદાનીમાં નવા ફૂલ મૂકતાં કહ્યું.

‘વાહ, ગલગોટા અને મોગરાના ફૂલ! કેટલો સુંદર સમન્વય!’ હરસુખભાઈના ચેહરા પર સ્મિત આવ્યું.

સુનંદાએ આજે તેમની ફેવરિટ સાડી પહેરી હતી. બેડરૂમ સુંદર રીતે સજાવ્યો હતો. એક ખૂણામાં ફુલદાનીમાં હરસુખભાઇની પસંદના ફૂલ અને સુગંધી મીણબત્તી મુક્યા હતા. નવી સફેદ ચાદર અને તકિયાના કવર લગાવ્યા હતા. પલંગની એક બાજુ એક ખુરસી મૂકી હતી, સામે ડબલ સિટર સોફો મુક્યા હતા. અગરબત્તી પણ સળગાવી દીધી હતી. ઓછા અજવાળા વાળો બલ્બ ચાલુ હતો. બારીમાંથી ઠંડી ઠંડી હવા આવી રહી હતી. બહાર વૃક્ષો પર પક્ષીઓનો હળવો હળવો કલરવ સંભળાઈ રહ્યો હતો. ટીવી સ્ટેન્ડમાં રાખેલા સીડી પ્લેયરમાં હરસુખભાઇ મનપસંદ ગીતો વાળી સીડી ચડાવેલી તૈયાર હતી. બધી જ તૈયારીઓ હરસુખભાઈની પસંદ પ્રમાણે થયેલી હતી.

સુનંદાએ એકવખત ફરીથી આખા રૂમમાં નજર ફેરવી અને સંતોષપૂર્વક હરસુખભાઇ સામે જોયું. બંનેની આંખો મળી. પચાસ વર્ષના લગ્નજીવનની બધી યાદો, વાતો, સ્નેહ અને સમજણ જાણે એક પલકારામાં સમાઈ ગઈ હોય તેમ બંનેની આંખો મલકાઈ. હજુ તો તેઓ આ નજરના તાંતણે બંધાયેલા હતા ત્યાં દરવાજે ઘંટડી વાગી.

‘તેઓ બંને જ આવ્યા લાગે છે. હું ખોલું છું.’ કહેતા હરસુખભાઇ દરવાજા તરફ ચાલ્યા. સફેદ લેંઘા-ઝભ્ભામાં સજ્જ એંસીમો જન્મ દિવસ બે દિવસ પહેલા ઉજવી ચૂકેલા તેના પતિની ધીમી પણ રુઆબદાર ચાલ જોઈને સુનંદાના મનમાં બે વિચારો એકસામટા આવી ગયા. એક તો એ કે આટલો સબળ વિચાર આ વ્યક્તિએ કર્યો અને તેનો અમલ કરવા જઈ રહ્યા છે તેને બહાદુરી માનવી કે પછી ઉતાવળ? અને બીજો વિચાર એ કે શું આ સમય યોગ્ય છે – તેને જરાક પાછળ ધકેલી શકાય તેમ નથી? પરંતુ પતિની વિવેકબુદ્ધિ અને શાણપણને તેણે જીવનભર જોયા હતા એટલે બંને પ્રશ્નોનો ઉકેલ તરત જ મળી ગયા: તેમનાથી વધારે સારી રીતે આ વાત બીજું કોઈ ન સમજી શકે. તેમણે જે નક્કી કર્યું તે યોગ્ય જ છે.

આ વિચારો પુરા કરીને તે પણ પતિની સાથે સાથે ધીમા ડગલે દરવાજા તરફ ચાલી. બંને પતિ પત્નીએ દશેક ડગલાંનું એ અંતર પૂરું કરીને દરવાજો ખોલ્યો ત્યાં હરસુખભાઇ અને સુનંદાના વર્ષો જુના સૌથી નજીકના મિત્રો વિષ્ણુભાઈ અને અબ્બાસભાઈ ઉભા હતા. ચારેયના ચેહરા ખીલ્યા. આંખો રાજી થઇ અને એકબીજાને ગળે મળીને સૌ બેઠકમાં સોફા પર બેઠા. સુનંદાએ ચારેય માટે ચા બનાવી. વિષ્ણુભાઈ પોતાની સાથે એક પડીકામાં થોડા ભજીયા લાવ્યા હતા જે તેઓ ચારેયના અને ખાસ કરીને હરસુખભાઇ ફેવરિટ હતા. ચા સાથે બબ્બે ભજીયા સૌએ ખાધા.

અલક મલકની વાતો ચાલી. જૂની યાદો ઉખેળાઈ. કેવી રીતે કોલેજમાં ચારેય સાથે ભણતા અને પછી હરસુખભાઇ અને સુનંદાની વચ્ચે સ્નેહનો તાંતણો બંધાયો અને તેમના પરિવારોને મનાવવા બંને મિત્રોએ કેવી યુક્તિઓ કરી તેની વાતો થઇ. ચારેય વૃદ્ધોએ જીવનમાં ઘણું હાંસલ કર્યું હતું અને તેમનો પરિવાર સારી રીતે સ્થાયી થયો હતો. સુનંદા અને હરસુખભાઇના પુત્ર પુત્રી પણ મોટા શહેરોમાં સ્થાયી થઇ ગયા હતા. વિષ્ણુભાઈનો એક પુત્ર માનસિક વિકલાંગતા ધરાવતો હોવાથી તેમની સાથે જ રહેતો હતો પરંતુ બીજા બંને બાળકો તો વિદેશ વસી ગયા હતા. અબ્બાસભાઈનો એક પુત્ર પોલિટિક્સમાં અને બીજી એક પુત્રી તેમના બિઝનેસમાં જોડાઈ ગયા હતા. ચારેય મિત્રોએ વર્ષોથી બધા જ અંગત સુખદુઃખ એકબીજા સાથે વહેંચ્યા અને ચર્ચ્યા હતા.

હરસુખભાઈનો આ નિર્ણય આજથી એક મહિના પહેલા ચારેય મિત્રો ભજીયા ખાવા મળ્યા ત્યારે લેવાયો હતો અને ચારેય જણે લગભગ બે કલાક ચર્ચા કર્યા પછી નક્કી કર્યું હતું કે થોડો અલગ ખરો પરંતુ તે સંપૂર્ણ રીતે યોગ્ય નિર્ણય હતો. આજે નિર્ણયનો અમલ થવાનો હતો. હરસુખભાઈની પસંદગીના લોકો સાથે સાંજ વિતાવવાનું નક્કી થયું હતું. તેમને ભાવતું ભોજન બનાવાયું હતું અને ચારેય મિત્રો સાથે બેસીને જમવાના હતા. તેમની પસંદના ગીતો સુનંદાએ ચાલુ કરી દીધા હતા. ઘરમાં હળવું હળવું સંગીત અને મોગરાની સુગંધવાળી અગરબત્તીની મહેક પ્રસરી રહ્યા હતા. ધીમે ધીમે દિવસ ઢળતો ગયો અને સૂર્યપ્રકાશને બદલે વિદ્યુતથી ચાલતા દીવાઓનો પ્રકાશ ઘરમાં ફેલાઈ રહ્યો. વાતો વાતોમાં ત્રણ કલાક ક્યારે વીતી ગઈ ખબર ન પડી.

ચારેય મિત્રો ડાઇનિંગ ટેબલ પર બેઠા અને સુનંદાએ થાળીમાં જમવાનું પીરસ્યું. ચારેયે શાંતિથી ભોજન કર્યું. હરસુખભાઈની પ્રિય મીઠાઈ પણ પીરસાઈ અને સૌએ એક નહિ બબ્બે ટુકડા ખાધા. હાથ ધોઈ, મુખવાસ ખાઈને થોડીવાર દીવાનખાનાના સોફા પર બેસી વાતો કર્યા બાદ સાડા દશ વાગ્યે સૌ બેડરૂમમાં આવ્યા. સુનંદાએ મીણબત્તી સળગાવી. બીજા રૂમની લાઈટો બંધ કરી દીધી. હરસુખભાઇ પલંગ પર સુતા એટલે સુનંદાએ તેમને ચાદર ઓઢવામાં મદદ કરી. બે ઓશિકાના ટેકે છાતી સુધી ચાદર ઓઢીને હરસુખભાઈએ શરીરને હળવું થવા દીધું.

બેડની બાજુમાં, હરસુખભાઈની આંખો સામે એક ખુરસી પર બેસી સુનંદાએ હરસુખભાઈનો હાથ પોતાના હાથમાં લીધો. તેમની નજર સામે દેખાય તેમ રાખેલા ડબલ સિટર સોફા પર બંને મિત્રો બેઠા. સુનંદા ધીમે ધીમે હરસુખભાઈનો હાથ પંપાળી રહી હતી. વિષ્ણુભાઈ અને અબ્બાસભાઈ એક અપ્રતિમ સંતોષની લાગણી સાથે હરસુખભાઈને જોઈ રહ્યા હતા. વાતાવરણ શાંત બન્યું હતું અને આ વાત પર સૌની સમજ અને સહમતી સંપૂર્ણ હતી.

રોજ લગભગ અગિયારેક વાગ્યે હરસુખભાઇ ઊંઘતા. દશેક મિનિટની વાર હતી એટલે વિષ્ણુભાઈ ઉઠ્યા અને હરસુખભાઈની પાસે આવીને પૂછ્યું. ‘સમય થઇ ગયો?’

હરસુખભાઈએ સ્મિત સાથે સુનંદા અને અબ્બાસભાઈ સામે જોયું. બંનેએ સ્મિતથી જવાબ વાળ્યો. હરસુખભાઇએ વિશ્રામમય ભાવથી વિષ્ણુભાઈને કહ્યું. ‘હા, સમય થવા આવ્યો છે.’

વિષ્ણુભાઇએ બેડની પાસે રાખેલા ડ્રોવરમાંથી એક ગોળી હરસુખભાઇના મોમાં મૂકી અને તેમની ગરદનને ટેકો આપી બેઠા કરી તેમને લોટાથી પાણીનો ઘૂંટ પીવડાવ્યો અને પાછા હળવેથી ઓસીકા પર સુવાડ્યા.

‘હું સંગીત બંધ કરી દઉં છું.’ અબ્બાસભાઈ ઉભા થયા.

હરસુખભાઈની આંખોમાં કૈંક પામ્યાની લાગણી છલકાઈ રહી અને તેમણે સુનંદા સામે નજર ફેરવી.

સુનંદાએ સંકેત મળ્યાથી ધીમા અને મધુર અવાજે એ ગીત ગાવાનું શરુ કર્યું જે હરસુખભાઈને તેના મોઢે સાંભળવું ગમતું. સુનંદાનો અવાજ આજે અનેકગણો વધારે મીઠો અને ભાવમય થઇ ગયો હતો. વિષ્ણુભાઈ અને અબ્બાસભાઈ ત્યાં સર્જાયેલા વાતાવરણનો અભિન્ન હિસ્સો બની રહ્યા હતા.

ધીમે ધીમે હરસુખભાઈની આંખો બીજા વિશ્વ તરફ જોવા લાગી હતી. તેમનો ચેહરો અલૌકિક ભાવ પ્રગટાવી રહ્યો હતો. ગીત પૂરું થયું એટલે સુનંદા અને હરસુખભાઈએ અબ્બાસભાઈ તરફ જોયું. તેઓ ઉઠ્યા અને હરસુખભાઇ પાસે આવીને પૂછ્યું, ‘અલવિદાનો સમય થઇ ગયો?’

‘હા થઇ ગયો. આપ સૌને અલવિદા.’ કહીને હરસુખભાઈએ ત્રણેય મિત્રો સાથે નજર મેળવી અને સૌની સહમતી બાદ અબ્બાસભાઈએ ડ્રોવરમાંથી એક બીજી ગોળી કાઢીને હરસુખભાઈની જીભ પર મૂકી. હરસુખભાઈએ સુનંદાનો હાથ પ્રેમથી પકડી રાખ્યો અને આંખો બંધ કરી લીધી. ધીમે ધીમે તેઓ આખરી ઊંઘમાં પોઢી ગયા અને પોતે ઈચ્છેલા સમયે, પોતાના માનીતા લોકોની હાજરીમાં, પોતે નક્કી કરેલા પરિવેશમાં આ દુનિયામાં સંતોષપ્રદ સમય વિતાવીને ગયાનો અનહદ આનંદ હરસુખભાઈને જ નહિ પરંતુ તેમની પત્ની સુનંદા અને બંને મિત્રોને પણ હતો.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)