બહુચર્ચિત સોશિયલ ડિસ્ટન્સિંગ એ કઇ બલા છે?

આ કોરોના આવ્યો ત્યારથી ક્વોરન્ટાઇન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા શબ્દો ય સાથે લઇને આવ્યો છે. આજકાલ જેની બહુ ચર્ચા છે અને જેના માટે તબીબોથી માંડીને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરી રહયા છે એ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે શું?
ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર હીરેન મહેતા મુંબઇના જાણીતા તબીબો સાથે વાત કરે છે આ મુદ્દે અને કહે છે કે…
——————————————————-
કોરોના વાઈરસ ડિસીઝથી બચવા ઘરમાં પણ બધાથી સલામત અંતર રાખવાની સલાહ તબીબો  કેમ આપે છે? આપણા દેશમાં એનો અમલ શક્ય છે? અને લાંબે ગાળે એની શું અસર થઈ શકે?
ડચ ભાષામાં એક શબ્દ છે “નિકેસન”. એનો અર્થ થાય કંઈ (કામ) ન કરવું અથવા તો એમને એમ બેઠા કે પડયા રહેવું.
નેધરલેન્ડ્સ (હોલેન્ડ)ની ડચ પ્રજા આમ તો બહુ કામઢી છે, પણ કામનો બોજ કે સ્ટ્રેસ વધી જાય તો આપણે અગાઉ જેમને વલંદા તરીકે ઓળખતા હતા એ ડચ પ્રજા થોડો સમય “નિકેસન” અપનાવી લે. મતલબ કે કઈ કામ ન કરે. પછી એટલો સમય એમના માટે બારી બહાર જોતાં બેસી રહેવું કે નિરુદ્દેશ્ય ચાલતાં રહેવું એ પણ પ્રવૃત્તિનો જ એક ભાગ.
કોરોના વાઈરસ ડિસીઝ એટલે કે “કોવિડ”ના કારણે દેશ આખામાં લાગુ થયેલા “લોક ડાઉન”થી મોટા લોકોએ અત્યારે ફરજિયાત ઘરમાં ભરાઈ રહેવાનો વારો આવ્યો છે. વાઈરસનો પ્રકોપ વકરે નહીં એ માટે લોકોને ઘર બહાર ન નીકળવાની સ્પષ્ટ સૂચના છે. મતલબ સાફ છે:  માણસો એકમેકના સંપર્કમાં જેટલા ઓછા આવે એટલી વાઈરસ  ફેલાવાની શક્યતા ઓછી. આવા કોઈ કારણસર માણસ ઓછું મળે, શક્ય એટલો અલિપ્ત રહે, સંપર્ક ઘટાડી નાખે કે સદંતર બંધ કરી દે એને સાઈકોલોજીની ભાષામાં “સોશિયલ ડિસ્ટન્સિંગ” તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રકારે આ એકાંતવાસ થયો.
ઘણા ઋષિ-મુનિઓ વર્ષો સુધી એકાંતવાસમાં રહેતા હોવાનું આપણે બધાએ સાંભળ્યું હશે. જો કે એમના એકાંતવાસનો ઉદેશ્ય અલગ રહેતો. અત્યારે આપણને “સોશિયલ ડિસ્ટન્સિંગ” માટે સૂચના આપવામાં આવે છે એની પાછળ તબીબી કારણ છે.

મુંબઈના સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રાજેન્દ્ર બર્વે ચિત્રલેખા.કૉમ સાથેની વાતચીતમાં કહે છે કે સોશિયલ સાઈકોલૉજીના વિષયમાં “સોશિયલ ડિસ્ટન્સિંગ”ને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે, ખાસ તો સ્ત્રીઓ માટે. સમાજમાં, ઘરમાં, દરેક સભ્યનું અલાયદું-એક ચોક્કસ સ્થાન હોવું જોઈએ અને દરેકને સરખું માન મળવું જોઈએ. સંબંધમાં આમન્યા રાખીને કુટુંબનો દરેક સભ્ય એકમેક સાથે “સલામત અંતર” જાળવી શકે.
અલબત્ત, અત્યારે જે “સોશિયલ ડિસ્ટન્સિંગ”ની વાત થઈ રહી છે એને તબીબો જરા જુદી રીતે જુએ-મૂલવે છે.
ડૉ. બર્વે કહે છે: “અત્યારે વાઈરસના ચેપથી બચવા લોકો એકમેકથી દૂર રહે એવી અપેક્ષા છે. અગાઉ વાહનવ્યવહારના વિકલ્પ ઓછા હતા એટલે આમ પણ લોકો એકમેકને બહુ મળી શકતા નહોતા. હવે ભૌગોલિક અંતર ઓછું કરવા માટે લોકો પાસે અનેક સાધન છે. બીજી એક વાત નોંધવી જોઈએ કે અગાઉ લોકો પરંપરાગત સંસ્કાર યા અન્ય કોઈ કારણસર એકમેકને બહુ શારીરિક સ્પર્શ કરતા નહોતા. સ્ત્રી અને પુરુષ તો નહીં જ. હવે યુવાન-યુવતીઓ જાહેરમાં એકમેકને  ભેટે છે,  નજીક-નજીક બેસે છે અને સામસામે ગાલ પર કિસ પણ કરે છે. એમની ઉંમરે રોગ-પ્રતિકારક શક્તિ સારી હોય એટલે બહુ વાંધો ન આવે, અન્યથા આવા નજદીકી સંપર્કથી કોરોના જેવા વાઈરસ બહુ  ઝડપથી પ્રસરી શકે છે. આ હકીકત ધ્યાનમાં લઈએ તો અત્યારની પેઢીએ પણ “સોશિયલ ડિસ્ટન્સિંગ”ની વાત સ્વીકારવી પડશે.”
ટૂંકમાં, બધા એકબીજાથી સલામત અંતર રાખે. કેટલાક તબીબો આ સંજોગોમાં લોકોને ઘરની બહાર નીકળવાની જ ના પાડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે એમના રાષ્ટ્રજોગ પ્રવચનમાં લોકોને “ઘરની લક્ષ્મણરેખા” ન ઓળંગવાની સલાહ આપી.
– પરંતુ, સવાલ એ છે કે આપણે ત્યાં એનો અમલ શક્ય છે?
સૌથી પહેલાં, પરિવારનો દરેક સભ્ય એકબીજાથી સલામત અંતર રાખવા દૂર દૂર રહી શકે એટલાં મોટાં ઘર આપણા દેશમાં કેટલા કુટુંબ પાસે છે?
જવાબ છે: દસ કે પંદર ટકા પાસે પણ નહીં. દેશની ઘણીખરી પ્રજા હજી ઝૂંપડાં જેવા ઘરમાં રહેતી હોય ત્યાં પરિવારના કોઈ એક સભ્યને  “આઈસોલેશન” માટે અલગ રાખવાની જરૂર પડી તો એ માટે અલાયદી ઓરડી ક્યાંથી કાઢવાની? મુંબઈ જેવા શહેરમાં તો ઘણા કુટુંબ પાસે એક કે બે રૂમ-રસોડાથી મોટી જગ્યા હોતી નથી. આ હાલતમાં ઘણા લોકો સૂચનાનો ભંગ કરીને પણ ઘર બહાર આવી શકે!
આ સમસ્યાનો ઉકેલ એક જ છે કે ઘર બહાર- મકાનના પ્રાંગણ જેવી જગ્યામાં પણ એકદમ ટોળે ન મળો. શક્ય એટલા છૂટા બેસો અને કયાંય ગિરદી ન કરો.
મુંબઈની “પરિવર્તન ક્લિનિક” સાથે માઈન્ડફુલનેસ ટીચર તરીકે સંકળાયેલા ડૉ. રાજેન્દ્ર બર્વે કહે છે કે આપણી પ્રજા પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતથી પરિચિત છે. હવે આપણને સુનામીની વિનાશકતાનો પણ ખ્યાલ આવી ગયો છે, પરંતુ કોઈ વાઈરલ બીમારી આવી રીતે કરોડો લોકોને ઘરે બેસાડી દે એવી તો કલ્પના પણ કોઈએ કરી નહીં હોય. એક રીતે જોઇએ તો આ કોઈ યુદ્ધ નથી કે રમખાણ નથી, પણ આપણે એક નજરે ન પડતા દુશ્મન સામે લડી રહ્યા છીએ. લાંબા ગાળે આવી હાલત માણસમાં અસહાયતાની લાગણી પેદા કરી શકે.
ડૉ. રાજેન્દ્ર બર્વે ઉમેરે છે કે હવે પછીના દિવસોમાં લાખો લોકોનું સ્થળાંતર, નોકરી ગુમાવી દેવાનો ડર, પગાર મળવાની અનિશ્ચિતતા, લાંબા સમયની મંદી, વગેરે પણ મોટી સમસ્યા ઊભી કરી શકે છે. કોરોના વાઈરસ ડિસીઝે લોકોને એક મોટો આંચકો આપ્યો છે. આ સ્થિતિ અનેક લોકોને ડીપ્રેશન તથા આપઘાતના વિચાર તરફ પણ ધકેલી શકે છે. એટલું સારું છે કે આપણો દેશ હજી ઘણે અંશે સામાજિક તાણાવાણાથી બંધાયેલો છે એટલે ઘર, પરિવાર અને મિત્રો વચ્ચે મોટા ભાગના લોકો સચવાઈ જશે.
 
આવા કપરા ટાણે આટલું કરી શકાય:
* ફોન જેવા માધ્યમથી ઓળખીતા લોકો સાથે સંપર્ક જાળવો.
* પારિવારિક ઘનિષ્ઠતા મજબૂત કરો.
* સમયના અભાવે ભૂલાઈ ગયેલા શોખ પૂરા કરો. સમજો કે કુદરતે સામે ચાલીને તમને એ માટે અવસર આપ્યો છે.