સાવધાનઃ પ્લાસ્ટિક અથવા સ્માર્ટ આધારકાર્ડનો ઉપયોગ કરો છો?

નવી દિલ્હી- જો તમે આધાર કાર્ડનું લેમિનેશન કરાવ્યું હોય અથવા પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ તરીકે ઉપયોગ કરી રહ્યાં હોવ તો સાવધાન રહેજો. આમ કરવાથી તમારા આધાર કાર્ડનો ક્યૂઆર કોડ કામ કરવાનું બંધ કરી શકે છે. અથવા ખાનગી માહિતીની ચોરી થવાની શક્યતા છે. આ અંગે UIDAI દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.UIDAI દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોબાઈલ આધાર કાર્ડને સંપૂર્ણ રીતે માન્ય ગણવામાં આવે છે. આધાર કાર્ડને સ્માર્ટ કાર્ડ બનાવવા માટે 50થી 300 રુપિયા સુધીનો ખર્ચ વસુલવામાં આવે છે. જે સદંતર અયોગ્ય છે. ઉપરાંત કાર્ડને પ્લાસ્ટિક અથવા સ્માર્ટ કાર્ડ તરીકે લેમિનેશન કરાવ્યા બાદ તેનો ક્વિક રિસ્પોન્સ કોડ (QR કોડ) કામ કરવાનું બંધ કરી શકે છે. જેથી આ પ્રકારનું પ્રિન્ટિંગ અનધિકૃત માનવામાં આવે છે.

આધાર કાર્ડ એજન્સી તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે, કાર્ડને લેમિનેશન કરાવતી વખતે અથવા તેને સ્માર્ટ કાર્ડ બનાવતી વખતે શક્ય છે કે, કાર્ડ ધારકની પરવાનગી વગર જ તેની ખાનગી માહિતીની ચોરી કરવામાં આવી શકે છે. UIDAIના CEO અજયભૂષણ પાંડેએ જણાવ્યું કે, ‘સ્માર્ટ અથવા પ્લાસ્ટિકનું આધાર કાર્ડ સંપૂર્ણ અયોગ્ય અને વ્યર્થ છે. જ્યારે કાગળ પર પ્રિન્ટ કરવામાં આવેલું અથવા ડોઉનલોડ કરવામાં આવેલું મોબાઈલ આધાર કાર્ડ માન્ય ગણવામાં આવે છે.

વધુમાં પાંડેએ જણાવ્યું કે, પ્લાસ્ટિક આધાર કાર્ડ અથવા સ્માર્ટ આધાર કાર્ડનો કોઈ અધિકૃત કોન્સેપ્ટ છે જ નહીં. એટલું જ નહીં કોઈ અનધિકૃત વ્યક્તિ સાથે આધાર કાર્ડની માહિતી શેર નહીં કરવા પણ UIDAIના CEO પાંડેએ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. ઉપરાંત જે એજન્સીઓ આધાર કાર્ડનું અનધિકૃત પ્રિન્ટિંગ કરે છે તેમને પણ ચેતવણી આપતાં પાંડેએ જણાવ્યું કે, આ દંડનીય અપરાધ છે, જે અંતર્ગત કાયદાની જોગવાઈ મુજબ જેલની સજા પણ થઈ શકે છે.