દેશનું પ્રથમ કોમ્યૂનિટીબેઝ્ડ HIV ડ્રગ્સ ડિસપેન્સિંગ સેન્ટર શરુ

અમદાવાદ– ભારતના પ્રથમ કોમ્યુનિટીબેઇઝ્ડ ડ્રગ્સ ડિસપેન્સીંગ સેન્ટર(સી.ડી.ડી.સી.) “આયુષ્યમ+” નું ઉદઘાટન આરોગ્યપ્રધાન કિશોર કાનાણી દ્વારા ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચ.આઇ.વી./એઇડ્સ જી.એસ.એન.પીની  અમદાવાદ બ્રાન્ચ ઓફિસ ખાતે કરવામાં આવ્યું.આ કેન્દ્રનું સંચાલન રાજ્યના પીએલએચએ લોકોના સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ તકે એવી આશા વ્યક્ત કરવામાં આવી કે સીડીડીસી સેન્ટર વધુ સારી દવા વિતરણ વ્યવસ્થા પુરી પાડશે જેથી પીપલ લિવિંગ એચ.આઇ.વી./એઇડ્સ(પી.એલ.એચ.એ.) લોકો એન્ટી રિટ્રોવાયરલ ટ્રીટમેન્ટ(એ.આર.ટી.) ની સારવારને વળગી રહે.

એ.આર.ટી. દવાઓની સારવાર પી.એલ.એચ.એ. જીવનપર્યત લેવાની હોય છે. જે ભારત સરકાર દ્વારા સરકારી દવાખાનામાં કાર્યરત એ.આર.ટી. સેન્ટરો માંથી નિ:શુલ્ક પુરી પાડવામાં આવે છે. ભારતમાં સર્વપ્રથમ જી.એસ.એન.પી.+ના આ નવા અભિગમ “આયુષ્યમ+” દ્વારા કોમ્યુનિટીબેઇઝ્ડ ડ્રગ્સ ડિસપેન્સીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. જ્યા પી.એલ.એચ.એ.લોકો સમયમર્યાદા વગર પોતાની માસિક દવાઓ મેળવી શકશે.

ગુજરાતમાં જીસેક્સ એક રાજ્યકક્ષાની નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામનીઅમલીકરણ કરતી સોસાયટી છે. જેના દ્વારા પી.એલ.એચ.એ.કોમ્યુનીટીને મફત એ.આર.ટી. દવાઓ આપવામાં આવે છે. આ માટે જી.એસ.એન.પી.+ ના સભ્યોને તાલીમ આપીને સી.ડી.ડી.સી. ને ઓપરેટ કરવા સતત અને નિયમિત ટેક્નીકલ સહયોગ અને દવાઓ આપવામાં આવશે.