આગરાનો તાજ મહલ ‘ગદ્દારો’એ બંધાવ્યો હતો? નવો વિવાદ…

આગરાનો તાજ મહલ ગદ્દારોએ બંધાવ્યો હતો એવું કહીને ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના વિધાનસભ્ય સંગીત સોમે વિવાદ સર્જ્યો છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિવાદ વધુ વકરે નહીં અને શાંત થાય એ માટે ૨૬ ઓક્ટોબરે વિશ્વવિખ્યાત સ્મારક તાજ મહલની મુલાકાતે જવાનું નક્કી કર્યું છે.

આગરાનો તાજ મહલ પ્રેમનું પ્રતિક ગણાય છે અને ભારતની શાન કહેવાય છે. એની ગણના દુનિયાભરમાં ટોચના લોકપ્રિય પર્યટન સ્થળોમાં કરવામાં આવે છે. તે છતાં શાસક ભાજપના વિધાનસભ્ય સંગીત સોમે તાજ મહલને ભારતીય સંસ્કૃતિ પર કલંક તરીકે ઓળખાવ્યો છે.

સોમના આ વિધાનનાં આકરાં પ્રત્યાઘાત પડ્યાં છે. અસદુદ્દીન ઓવૈસીએ સવાલ કર્યો છે કે જો એવું હોય તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું બંધ કરી દેશે?

સમાજવાદી પાર્ટીના આઝમ ખાને કહ્યું છે કે જો તાજ મહલ ગદ્દારોએ બંધાવ્યો હોય તો રાષ્ટ્રપતિ ભવનને પણ તોડી પાડવું જોઈએ, કારણ કે તે પણ અંગ્રેજોએ બંધાવ્યું હતું અને એ ગુલામીનું પ્રતિક છે.

પોતાની જ પાર્ટીના વિધાનસભ્ય સોમના આ વિધાનને કારણે CM યોગી આદિત્યનાથની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. એમણે કહ્યું છે કે તાજ મહલ પર્યટનની દ્રષ્ટિએ મહત્વનો છે અને એના રક્ષણ તથા જાળવણી માટે એમની સરકાર ગંભીર છે. તાજ મહલ કોણે અને શા માટે બંધાવ્યો હતો એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે એનું બાંધકામ ભારતીય મજૂરોએ પરસેવો પાડીને કર્યું હતું.

૧૭મી સદીનું આ સ્મારક જોવા માટે દરરોજ હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી પર્યટકો આવે છે.

યોગી આદિત્યનાથ સરકારનું વલણ બદલાયું

વાસ્તવમાં, યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં સરકારના વડા બન્યા બાદ તાજ મહલ પ્રત્યે એમનું વલણ બદલી નાખ્યું છે.

૨૦૧૪માં, આદિત્યનાથે એવો દાવો કરીને વિવાદ જગાવ્યો હતો કે તાજ મહલ તો ભગવાન શંકરના એક મંદિરની જગ્યાએ બાંધવામાં આવ્યો હતો. તાજ મહલને ભારતની સંસ્કૃતિ કે વારસાગત સ્થળો સાથે કશું લાગતુંવળગતું નથી.

ગયા જુલાઈમાં, ઉત્તર પ્રદેશ સરકારે તેના સાંસ્કૃતિક વારસાના સ્થળોની જાળવણી અને રક્ષણ માટેના બજેટમાં તાજ મહલને બાકાત રાખ્યા બાદ શિક્ષણશાસ્ત્રીઓએ ઉહાપોહ મચાવ્યો હતો.

ત્યારબાદ ગયા સપ્ટેંબરમાં, ઉત્તર પ્રદેશના 32-પાનાનાં ચમકદાર ટૂરિઝમ બ્રોશરમાં પણ તાજ મહલનો ઉલ્લેખ કરાયો નહોતો, પણ ગોરખનાથ મંદિર માટે એક પાના સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિરના વડા પૂજારી છે.

શું છે સંગીત સોમની કમેન્ટ્સ?

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના સરધાના નગરના વિધાનસભ્ય સંગીત સોમે એમ કહ્યું છે કે મુગલ બાદશાહ શાહજહાંએ એના પિતાને કેદમાં પૂર્યા હતા. શાહજહાં હિન્દુઓનું નિકંદન કાઢવા માગતો હતો. જો આવા લોકો આપણા ઈતિહાસનો હિસ્સો હોય તો પછી આપણે ઈતિહાસને બદલી નાખવો જોઈએ. જેણે તાજ મહલ બંધાવ્યો હતો એ વ્યક્તિએ ઉત્તર પ્રદેશ અને હિન્દુસ્તાનમાં ઘણા હિન્દુઓને ટાર્ગેટ બનાવ્યા હતા તો એને તમે ઈતિહાસ કહેશો? એ બાબર હોય, અકબર હોય કે ઔરંગઝેબ હોય… સરકાર એમને ઈતિહાસમાંથી દૂર કરવા કામ કરી રહી છે. હું તાજ મહલનો વિરોધી નથી. એ તો સુંદર સાંસ્કૃતિક વારસો છે. મારો વિરોધ મુગલ લોકો સામેનો છે જેમણે એ બંધાવ્યો હતો.

httpss://www.youtube.com/watch?v=p65k-QKyn20

યોગીએ તાજ મહલના બચાવમાં શું કહ્યું?

યોગીનું કહેવું છે કે મારી સરકાર સંગીત સોમના વિધાન સાથે સહમત નથી. એ એમના વ્યક્તિગત છે. તાજ મહલ તો આપણા માટે ખૂબ જ અગત્યનો છે, ખાસ કરીને ટૂરિઝમની દ્રષ્ટિએ. ત્યાં પર્યટકોને સુવિધા અને સુરક્ષા પૂરી પાડવી એ સરકારની પ્રાથમિકતા છે.

રાજ્યનાં ટૂરિઝમ પ્રધાન રીટા બહુગુણા-જોશીએ કહ્યું છે કે, તાજ મહલ માટે અમને ગર્વ છે. એના વિશે કોઈ પ્રકારની ગૂંચવણ હોવી ન જોઈએ. સંગીત સોમની કમેન્ટ્સ એમની અંગત છે અને એને સરકારના વલણ તરીકે ગણવી ન જોઈએ.

તાજ મહલ વિશેનું ઐતિહાસિક સત્યઃ

શાહજહાં મુગલ બાદશાહ જહાંગીરના પુત્ર અને સમ્રાટ અકબર પૌત્ર હતા. એમણે 1592ની 15 જાન્યુઆરીએ લાહોરમાં રાજપૂત પ્રિન્સેસ જગત ગોસૈન (જોધા બાઈ તરીકે પણ જાણીતાં છે) એમની કૂખે જન્મ લીધો હતો. જોધા બાઈના પિતા મારવાડના ઉદયસિંહ રાઠોર હતા. બાળકના જન્મના છઠ્ઠા દિવસે અકબરે એનું નામ ખુર્રમ (આનંદી) રાખ્યું હતું અને એને અકબરના નિઃસંતાન પત્ની રુકૈયા બેગમને સોંપ્યો હતો. આમ, રુકૈયા બેગમ ખુર્રમના પાલક માતા બન્યા હતા. એ વખતે ખુર્રમની ઉંમર ચાર વર્ષ, ચાર મહિના, ચાર દિવસ હતી.

શાહજહાંએ મુમતાઝ મહલ સાથે ક્યારે લગ્ન કર્યા હતા?

1607માં. શાહજહાં જ્યારે 16 વર્ષના હતા ત્યારે એમણે અર્જુમંદ બાનુ બેગમ ઉર્ફે મુમતાઝ મહલ સાથે લગ્ન કર્યા હતા. મુમતાઝ મૂળ પર્શિયન (ઈરાની) હતા. મુમતાઝ મહલ શાહજહાંના એકમાત્ર પત્ની નહોતા. શાહજહાંને બીજી બે પત્ની પણ હતી. પરંતુ એમના બાળકો જીવી શક્યા નહોતા. માત્ર મુમતાઝે જ શાહજહાંના વારસદારને જન્મ આપ્યો હતો. શાહી દંપતીના કુલ સાત સંતાનો થયા હતા. એમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી હતી. એમના નામ હતા – જહાંઆરા બેગમ, દારા શિકોહ, શાહ શુજા, રોશનઆરા બેગમ, ઔરંગઝેબ, મુરાદ બક્શ અને ગોહર બેગમ.

1628ની 6 ફેબ્રુઆરીએ શાહજહાં બાદશાહ બન્યા હતા અને 1658ની સાલ સુધી રાજ કર્યું હતું. એમના રાજ્યાભિષેક વખતે સોના અને ચાંદીની લ્હાણી કરવામાં આવી હતી. મુમતાઝ મહલને બે લાખ અશરફીઓ ભેટમાં આપવામાં આવી હતી.

શાહજહાંએ એમના પિતા જહાંગીર સામે યુદ્ધ કર્યું હતું અને એમને હરાવી એમને કેદ કર્યા હતા. બાદમાં એમને છોડી પણ મૂક્યા હતા. જહાંગીરના અવસાન બાદ એમના પત્ની નૂરજહાંએ બાદશાહપદ શાહજહાંને નહીં, પણ જહાંગીરના અન્ય પુત્ર શહરયારને સોંપ્યું હતું.

શાહજહાંએ શહરયાર સાથે યુદ્ધ કર્યું હતું અને એને મારી નાખ્યો હતો. એણે એમના બીજા ભાઈઓ – દાવર બક્ષ અને ગર્શાપને પણ મારી નાખ્યા હતા.

1657માં શાહજહાં બીમાર પડ્યા હતા અને ત્યારબાદ એમના મોટા પુત્ર દારા સિકોહને એમના અનુગામી ઘોષિત કર્યા હતા. એની સામે શાહજહાંના અન્ય પુત્રોએ વાંધો ઉઠાવ્યો હતો અને યુદ્ધ થયું હતું. શાહજહાં એને રોકી શક્યા નહોતા.

એ યુદ્ધને અંતે ઔરંગઝેબ વિજયી થયો હતો અને એના ભાઈઓ માર્યા ગયા હતા. બાદશાહ બન્યા બાદ ઔરંગઝેબે શાહજહાંને નજરકેદમાં રાખ્યા હતા અને 1666માં શાહજહાંનું મૃત્યુ થયું ત્યાં સુધી એ નજરકેદમાં હતા.

મુમતાઝ મહલનું મૃત્યુ ક્યારે થયું હતું?

1631ની 17 જૂને મુમતાઝ મહલનું મૃત્યુ થયું હતું. 14મા સંતાન ગોહર બેગમને જન્મ આપ્યા બાદ એનું મૃત્યુ થયું હતું.

પત્નીના મૃત્યુથી શાહજહાં બહુ દુઃખી થયા હતા અને એક અઠવાડિયા સુધી જાહેરમાં દેખાવાનું બંધ કરી દીધું હતું.

શું મુમતાઝ મહલને આગરામાં હાલ જ્યાં તાજ મહલ છે ત્યાં દફનાવવામાં આવ્યા હતા?

ના. મુમતાઝ મહલને બુરહાનપુરમાં તાપ્તી નદીના કિનારે દફનાવવામાં આવ્યા હતા. એના છ મહિના બાદ, 1632ની 8 જાન્યુઆરીએ એમના મૃતદેહને ફરી કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તાજ મહેલ જ્યાં બાંધવામાં આવ્યો હતો એ યમુના નદીના કિનારે ફરી દફનવિધિ કરાઈ હતી.

શરૂઆતમાં શાહજહાંએ મુમતાઝની કબરના સ્મારકને રૌઝા-ઈ-મુનવ્વરા નામ આપ્યું હતું. બાદમાં એ મુમતાઝ મહલ તરીકે અને ત્યારબાદ તાજ મહલ તરીકે ઓળખાવા લાગ્યું હતું.

શાહજહાંએ તાજ મહલ ઉપરાંત દિલ્હીમાં જામા મસ્જિદ, લાલ કિલ્લો, આગરામાં પર્લ મસ્જિદ, સિંધમાં ટટ્ટા મસ્જિદ, લાહોરમાં શાલીમાર બાગ પણ બંધાવ્યા હતા.

તાજ મહલના બાંધકામમાં મુખ્યત્વે 37 નિષ્ણાત વ્યક્તિઓ હતી. 1631થી 1654 સુધી દિવસ-રાત મહેનત કરીને 20 હજાર જેટલા મજૂરોએ તાજ મહલ બાંધ્યો હતો.

તાજના આર્કિટેક્ટ હતા ઉસ્તાદ ઈસા – જે તુર્કસ્તાનના હતા. એ કાં તો કોન્સ્ટન્ટિનોપલ (આજના ઈસ્તંબુલ) અથવા પર્શિયા (ઈરાન)ના શિરાઝના હતા. કેટલાક જણનું કહેવું છે કે તાજ મહલના મૂળ આર્કિટેક્ટ ઈરાની હતા અને એનું નામ એહમદ હતું, પણ એનો કોઈની પાસે પુરાવો નથી. આમ, તાજ મહેલની ડિઝાઈન તૈયાર કરનારાઓ વિદેશી હતા એવું સંગીત સોમનું કહેવું સાચું છે. એક ડિઝાઈનર ઈસ્માઈલ અફાન્દી હતા, જે પણ તૂર્કસ્તાનના હતા. એમણે તાજ મહલના ગૂંબજ બનાવ્યા હતા.

તાજ મહલના બાંધકામના ખર્ચ તથા દૈનિક દેખરેખનું કામ શાહજહાંએ અબ્દુલ કરી અને મુકરીમત ખાનને સોંપ્યું હતું જેઓ પર્શિયા (ઈરાન)ના શિરાઝના હતા.

તાજના ઈન્ટિરીયર ડોમની નીચે કુરાનની પંક્તિઓ નજીક જેમનું નામ લખવામાં આવ્યું છે તે માસ્ટર કેલિગ્રાફર અમાનત ખાન પણ શિરાઝના વતની હતા. એ લાઈનમાં આવું વંચાય છે – અમાનત ખાન શિરાઝી.

તાજ મહલની ડિઝાઈનમાં કોઈ હિન્દુઓ સામેલ હતા કે નહીં?

હા. દિલ્હીના રહેવાસી ચિરંજીલાલ હીરા કાપવામાં નિષ્ણાત હતા. તેઓ તાજના ચીફ મોઝેસિસ્ટ હતા. એમણે જ તાજ સ્મારક માટે મોઝેકની ડિઝાઈન તૈયાર કરી હતી.

શું શાહજહાં હિન્દુઓ પ્રત્યે ક્રૂર હતા?

શાહજહાંએ હિન્દુઓ પર જજિયા વેરો નાખ્યો નહોતો. એ પ્રથા એમના દાદા અકબરે નાબૂદ કરી હતી. તે છતાં શાહજહાં કટ્ટર સુન્ની મુસ્લિમ હતા અને હિન્દુઓ પ્રત્યે કઠોર જરૂર હતા એવું ઈતિહાસવિદ્દો કહે છે.

શું શાહજહાંએ હિન્દુ મંદિરો તોડાવ્યા હતા?

અબ્રાહમ ઈરાલીના પુસ્તક – એમ્પેરર્સ ઓફ ધ પીકોક થ્રોનમાં જણાવ્યા મુજબ, બનારસમાં 76 મંદિરો અને ઘણા બધા ચર્ચનો નાશ કરવામાં આવ્યો હતો. શાહજહાંએ મુસ્લિમો પર એમનો ધર્મ બદલવાનો પ્રતિબંધ મૂક્યો હતો, પણ અન્ય ધર્મીઓનું ઈસ્લામમાં ધર્માંતર કરાવવા માટે પ્રોત્સાહન આપતા હતા. શાહજહાંના સમયમાં પાદશાહનામા લખનાર અબ્દુલ હમીદ લાહોરીએ લખ્યું હતું કે, શાહજહાંએ હૂકમ બહાર પાડ્યો હતો કે જો કોઈ હિન્દુ પુરુષને મુસ્લિમ પત્ની હોય તો એ તો જ એને રાખી શકશે જો એ પુરુષ મુસ્લિમ બને. નહીં તો એને દંડ ફટકારવામાં આવશે અને એની પત્નીને એનાથી અલગ કરી દેવામાં આવશે.

શાહજહાં એમના શાસનના અંતિમ વર્ષોમાં સ્વભાવે નરમ પડ્યા હતા.

ભારતના ગવર્નર જનરલ બનેલા લોર્ડ વિલિયમ બેન્ટિકે તાજ મહલને તોડી નાખવાનું નક્કી કર્યું હતું અને એનો માર્બલ દૂર પણ કરાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]