ધનતેરસઃ ગુજરાતમાં 10,400 કરોડના રોકાણ માટે MOU થયાં

ગાંધીનગર- ધનતેરસના શુભ દિવસે ગુજરાત સરકારે વિવિધ કંપનીઓ સાથે મળીને ગુજરાતમાં 10,400 કરોડના રોકાણ માટે MOU કર્યા છે. યુનાઈટેડ ફોસ્ફરન્સ રૂ.6000 કરોડ, ગ્રાસિમ રૂ.4100 કરોડ અને અરવિંદ રૂ.300 કરોડના રોકાણ કરશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ એમયુઓ થયાં હતાં.યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ  રૂ. ૬૦૦૦ કરોડનું દહેજ ખાતે મૂડીરોકાણ કરશે

ગુજરાતમાં ખરા અર્થમાં ધનતેરસની ઉજવણી થઈ છે. ખેતી રસાયણો અને જેનેરીક પાક ઉત્પાદન કરનારી, વિશ્વના ૦૯ દેશોમાં એકમ ધરાવતી મે. યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ સાથે રૂ. ૬૦૦૦/- કરોડના મૂડીરોકાણ અંગેના પરસ્પર સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ભરૂચ જીલ્લાના દહેજ-૩ જી.આઇ.ડી.સી. કેમીકલ ઝોનમાં આશરે ૬ લાખ ચો.મી. જમીન એગ્રો કેમીકલ અને ઇન્ટરમીડીયેટ ઉત્પાદન માટે ફાળવશે. કંપની દ્વારા વિવિધ પ્રકારની ૧૦,૦૦૦ જેટલી રોજગારી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પૂરી પાડવામાં આવશે.

આ પ્રકારની એક મોટી કંપની ગુજરાત ખાતે રોકાણ કરી રહી છે ત્યારે તેને સંલગ્ન અને તેના ઉત્પાદન સાથે જોડાયેલ અન્ય નાના નાના એકમોને પણ વિકસવાની તક મળશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ ભારતમાં તેના ૦૯ એકમો ઉપરાંત સ્પેન, ફ્રાન્સ, આર્જેન્ટીના વીયેટનામ, ઇટાલી નેધરલેન્ડ અને ચીન ખાતે પણ એકમો ધરાવે છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિકાસની હરણફાળમાં એક વધુ પગલું અને દિવાળીના તહેવારોની એક અનોખી ભેટ ગુજરાતની જનતાને આપી છે.

ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ રૂ. ૪૧૦૦ કરોડનું વિલાયત-ભરૂચ અને ખરચ-કોસંબા ખાતે મૂડીરોકાણ કરશે

વિસ્કોસ સ્ટેપલ ફાઇબર એટલે કે માનવસર્જિત રેસાનું ઉત્પાદન કરતી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ સાથે રૂ. ૪,૧૦૦ કરોડના મૂડીરોકાણ કરવા અંગેના ગુજરાત સરકાર સાથે પરસ્પર સમજૂતી કરાર કર્યા છે. આ કરાર અંતર્ગત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જીલ્લાના વિલાયત જી.આઇ.ડી.સી.માં અને ખરચ-કોસંબા ખાતે જમીન ફાળવવામાં આવશે કંપની દ્વારા બંને એકમોમાં આશરે ૧,૩૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડવામાં આવનાર છે. બંને એકમો ર૦૧૮ અને ર૦ર૦ સુધી કાર્યરત કરવા અંગે કંપનીએ કરારમાં ઉલ્લેખ કર્યો છે. આ એકમોને પરિણામે અન્ય સંલગ્ન નાના નાના એકમો અને પરિવહન ક્ષેત્રને પણ વિકસવાની પૂરતી તક મળશે.

અરવિંદના દહેગામમાં રૂ. ૩૦૦ કરોડના રોકાણ સાથે ગારમેન્ટ મેન્યુફેકચરીંગ યુનિટ માટે MoU

અરવિંદ લીમીટેડ દહેગામમાં રૂ.૩૦૦ કરોડના રોકાણ સાથે ગારમેન્ટ મેન્યુફેકચરીંગ યુનિટ શરૂ કરશે. આ અંગેના MoU આજે મંગળવારે ધનતેરસના શુભ દિવસે ગાંધીનગરમાં મુખ્યપ્રધાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. અરવિંદ લીમીટેડ ૧૦ હજાર રોજગાર અવસરો પૂરા પાડવા સાથે સપ્ટેમ્બર-ર૦૧૮ સુધીમાં પ્રોજેકટ શરૂ કરીને વાર્ષિક ર.૪૦ કરોડ શર્ટ-જીન્સનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગારમેન્ટ અને એપેરલ સેકટર વિશાળ સંખ્યામાં રોજગારીની તકો પુરી પાડે છે અને આ ક્ષેત્રમાં મહિલાઓ મોટા પ્રમાણમાં રોજગારી મેળવે છે. આ પ્રોજેકટમાં આશરે ૧૦૦૦૦ રોજગારીની તકોનું નિર્માણ થશે તે પૈકી ૮૦ ટકા રોજગારી મહિલાઓને મળશે. આ પ્રોજેકટથી કપાસના ઉત્પાદનથી તૈયાર વસ્ત્રો સુધીની સમગ્ર ચેઇનને લાભ મળવાનો છે. રાજ્ય સરકારે જે નવી ગારમેન્ટ અને એપરલ પોલીસી-ર૦૧૭ જાહેર કરી છે, તેને અનુરૂપ નવા મૂડીરોકાણ આવવાની શરૂઆત આ પ્રોજેકટથી થઇ છે અને હજી વધુ મૂડીરોકાણ આવવાની શકયતા છે.