શેરબજારમાં ધનતેરસઃ નિફટી ઑલ ટાઈમ હાઈ બંધ

અમદાવાદ– ધનતેરસના શુભ દિવસે શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ સવારે ભરાતીય શેરો અને ઈન્ડેક્સ પ્લસ ખુલ્યા હતા, ત્યાર બાદ નવી લેવાલી વચ્ચે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 32,699.86 અને નિફટીએ 10,251.85 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી. જો કે ત્યાર પછી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 24.48(0.08 ટકા) ઘટી 32,609.16 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 3.60(0.04 ટકા) સુધરી 10,234.45 ઑલ ટાઈમ હાઈ બંધ રહ્યો હતો.

નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી છે. નોર્થ કોરિયાએ ફરીથી ધમકી આપી છે અને કહ્યું છે કે અમેરિકાના સપોર્ટમાં જે દેશ છે, તેના પર પરમાણુ હૂમલા કરીશું. જે સમાચારને પગલે આજે શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ જોવા મળ્યું હતું. એફઆઈઆઈ તો નેટ સેલર હતી. પણ તેજીવાળા ઓપરેટરોએ દરેક ઉછાળે વેચવાલી કાઢી હતી. જેથી માર્કેટ વધ્યા મથાળેથી પાછુ પડયું હતું.બીએસઈ ઓઈલ એન્ડ ગેસ સેકટરના ઈન્ડેક્સે નવો રેકોર્ડ બનાવ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ, પેટ્રોનેટ એલએનજી, ભારત પેટ્રોલિયમ, કેસ્ટ્રોલ ઈન્ડિયા, ઈન્ડિયન ઓઈલમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી

  • નિફટી -50માં 25 સ્ટોકના ભાવ ઘટ્યા હતા, અને 24 સ્ટોકમાં તેજી થઈ હતી જ્યારે એક સ્ટોક ફેરફાર વગર બંધ રહ્યો હતો.
  • બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને આઈટી સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 64.27 પ્લસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 89.98 પ્લસ બંધ થયો હતો.