પ્રચારના નુસખાઃ એવા કે તમને કદી સમજાય જ નહીં

પ્રચાર માટે અને દુષ્પ્રચાર માટે કેવા કેવા નુસખા થાય છે તે માટે આપણે આજકાલ સોશિયલ મીડિયાને દોષ દઈએ છીએ. જેને ફાયદો થાય તે દાદ પણ આપે, પણ પ્રચારના નુસખા પોતે એક અલગ વિષય છે અને બહુ તેજ દિમાગની તે ઉપજ હોય છે. કયા માધ્યમ પર પ્રચાર કરવામાં આવે છે તે બાબત ગૌણ હોય છે. સોશિયલ મીડિયા આવું એક નવું માધ્યમ છે અને તે નિયંત્રણથી પર હોવાથી વગ ન ધરાવતા આમ આદમી પણ તેનો ઉપયોગ કરી શકે છે.

પણ અસલી મજા પરંપરાગત માધ્યમમાં છે, કેમ કે તેના પર પ્રચાર કરવા માટે તમારે ઘણાં દરવાજા ખખડાવવાં પડે છે. રીપોર્ટરને તમારી સ્ટોરી ગમે તો તે ન્યૂઝ એડિટરને વાત કરે અને ન્યૂઝ એડિટરને ડાઉટ હોય તો આખરી મંજૂરી તંત્રી પાસેથી મેળવવી પડે. આ દરવાજાઓ ખૂલે તે પછી તેમાંથી પ્રચારનો મારો બહાર નીકળે. પણ હોંશિયાર લોકો દરવાજાના બદલે બારી શોધી કાઢતા હોય છે. તમે એવી ચટાકેદાર મસાલા સ્ટોરી તૈયાર કરો કે માધ્યમો સામેથી તમારી સ્ટોરી ચલાવે. હાલમાં જ એક નૂમનો મળ્યો છે એટલે આ વાત કરવાનું મન થયું. આ નમૂનાનું વિશ્લેષણ કરીએ અને જોઈએ કે ફિલ્મોના પ્રચાર માટે કેવા ગતકડાં કરવામાં આવે છે.હકીકતમાં ફિલ્મોના પ્રચાર માટેની પદ્ધતિ એક શાસ્ત્ર તરીકે વિકસી છે. ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ કરી શકાય એટલું મોટું પબ્લિસિટીનું શાસ્ત્ર તૈયાર થયું છે. આખો અભ્યાસક્રમ આપવાનો નથી, પણ એક રસપ્રદ પ્રકરણ જોઈએ. સંઘમિત્રા નામનું એક તમિલ પાત્ર તામિલનાડુમાં જાણીતું છે. સંઘમિત્રા એક તમિલ રાજકુંવરી હતી, જેણે પોતાનું રાજ્ય બચાવવા જાનની બાજી લગાવી હતી. પૌરાણિક અને ઐતિહાસિક પાત્રો પરથી ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે, કેમ કે જૂનું એટલે બહુ ભવ્ય એ પ્રચાર અસરકારક રીતે ભારતમાં ફેલાયો છે. તેના કારણે ઊભા થયેલા વાતાવરણનો લાભ ફિલ્મને મળે એટલે નિર્માતાઓ ઐતિહાસિક પાત્રોની ફિલ્મો બનાવે છે. અહીં યાદી નથી આપતો, તમે યાદ કરી લેજો એવી ફિલ્મ, પણ માત્ર ઐતિહાસિક ફિલ્મ બનાવી દેવાથી આ પ્રાચીન ભવ્ય વારસાની વાહવાહી કરવાના માહોલનો લાભ આપોઆપ મળી જાય નહીં. તેના માટે પોતાની ફિલ્મનો અલગથી પ્રચાર કરવો પડે.

આવો પ્રચાર સંઘમિત્રા ફિલ્મ માટે અત્યારથી જ થઈ ગયો છે. ફિલ્મનું લોન્ચિંગ કરાયું તેમાં પણ આ આઇડિયા લગાવાયો હતો. ભારતના બદલે ફ્રાન્સમાં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં લોન્ચિંગની જાહેરાત થઈ હતી. આ પણ એક ફેશન અને પ્રચારનો નુસખો છે. તે વખતે હિરોઇન તરીકે હાજર હતી શ્રુતિ હસન. કમલ હાસનની દીકરી. તેની સાથે તમિલ હિરો આર્ય અને જયમ રવિ પણ હતાં અને એ. આર. રહેમાન પણ હતાં. આ વાત ગયા મે મહિનાની છે.
કાન્સથી પાછાં આવ્યાં પછી થોડા વખતમાં જ શ્રુતિએ કહ્યું કે ફિલ્મ પોતે કરવાની નથી. બહુ ખર્ચો કરીને કાન્સમાં જાહેરાત કરાઈ પછી હિરોઈન પ્રોજેક્ટમાંથી નીકળી જાય એ સમાચાર થાય. પણ દરેક સમાચાર ફિલ્મવાળા માટે પ્રચાર પણ છે. એટલે શ્રુતિ હવે સંઘમિત્રા ફિલ્મ નથી કરવાની એ બહાને પણ નિર્માતા સુંદર સી. (હા, એવું જ નામ છે – સુંદર સી.)ની ફિલ્મનું પ્રમોશન થયું. શ્રુતિએ એવું કહ્યું કે પોતાને સ્ક્રિપ્ટ મળી નથી. ડેટ્સનો પણ મેળ બેસતો નથી એ જૂનું બહાનું પણ કાઢ્યું. શ્રુતિની ટીકા પણ કરવામાં આવી કે આવી રીતે ફિલ્મ છોડે તે કેવું. છેક કાન્સ સુધી ધક્કો ખાધો ત્યારે ખબર નહોતી કે સ્ક્રિપ્ટ રેડી નથી. ડેટ્સ કંઈ રાતોરાત બદલાઈ ના હોય. કાન્સથી પાછાં ફર્યા પછી જ કેમ ડેટ્સનો પ્રોબ્લેમ થયો? આવું બધું થોડા દિવસ ચાલ્યું.

લોકોએ આ બધું વાંચ્યું પણ ખરું અને વિચાર્યું કે સંઘમિત્રાની ફિલ્મમાં હવે કોણ હિરોઇન હશે. સારી હિરોઇન જોઈએ, કેમ કે સંઘમિત્રાનું રાજકુંવરીનું પાત્ર બહુ શકિતશાળી છે. ઉત્તર ભારતની રાણી ઝાંસી જેવી આ દક્ષિણની લડાયક નારી.
અહીં અનુકૂળતા હતી એટલે ઉત્તર ભારત સાથે સરખામણી થઈ. પણ થોડા વખત પહેલાં જ જાહેરાત થઈ કે હવે નવી હિરોઈન પસંદ થઈ ગઈ છે. હિરોઈનનું નામ છે દિશા પટ્ટણી. પહેલાં તો દિશા પટ્ટણીની પસંદગીના વખાણ થયાં. દિશા સારી હિરોઇન છે. જુઓ તેણે ધોનીની બાયોપિકમાં કામ કર્યું હતું. આ ઉપરાંત એક તેલુગુ ફિલ્મ લોફર પણ કરેલી જ છે વળી. પણ કંઈ જામ્યું નહીં. ધોની ક્રિકેટર હોવાથી તેનું નામ જાણીતું, પણ તે સિવાય હિન્દી ફિલ્મોની હિરોઈનોમાં કંઈ દક્ષિણના દર્શકોને રસ પડે નહીં.એટલે હવે કન્ટ્રોવર્સી ચલાવાઈ છે. કેટલાંક લેખકો પાસે એવું લખાવાયું છે કે દિશા પટ્ટણી સંઘમિત્રા જેવી આઠમી સદીની જાજરમાન રાજકુંવરીનું પાત્ર કેવી રીતે કરી શકે. તમિલ નારીનું પાત્ર એક ઉત્તર ભારતની હિરોઈન કરશે? એક હિન્દીભાષી હિરોઈન તમિલ પાત્ર કરશે? કેવી રીતે પાત્રને ન્યાય મળશે?
હં, હવે કંઈક જામ્યું. હવે રીએક્શન આવશે. સોશિયલ મીડિયામાં કમેન્ટ આવશે અને તમિલ વિરુદ્ધ હિન્દી સુધીના મુદ્દા ચગશે. વચ્ચે વચ્ચે સંઘમિત્રા ફિલ્મની પબ્લિસિટી થતી રહેશે. હવે આવી પબ્લિસિટીથી ફિલ્મને કંઈ ફાયદો થશે કે કેમ તે કોણ જાણે, પણ પબ્લિસિટી થવી જોઈએ. એની પબ્લિસિટી ઈઝ એ ગૂડ પબ્લિસિટી. જો દીખતા હૈ વહ બિકતા હૈ.
હવે જોજો થોડા દિવસ પછી, તમિલના ચર્ચાપત્રીઓ વિવાદ કરીને થાકે તે પછી, પોઝિટિવ સ્ટોરીઓ થશે. તમિલ ફિલ્મ કરવા માટે દિશા પટ્ટણી કરી રહી છે મહેનત. આઠમી સદીની રાજકુંવરીના પાત્રને આત્મસાત કરવા માટે તમિલ કલ્ચરનો અભ્યાસ કરી રહી છે. એટલું જ નહીં, ખાસ ટીચર રાખીને તમિલ શીખી રહી છે. અને સાંભળો તો ખરા, સેટ પર તે અંગ્રેજીમાં નહીં, પણ તમિલમાં જ વાતો કરવાનો આગ્રહ રાખે છે અને તમિલ સપોર્ટ સાથે બે શોટની વચ્ચે સમય પસાર કરીને તેની પાસેથી ટિપિકલ તમિલ ઉચ્ચારો પણ શીખે છે.

આવી સ્ટોરીઝ આવશે. વાંચો ત્યારે આ લેખકને યાદ કરજો. તમને લાગશે કે જરા અમસ્થી વાત થઈ લાગે છે કે કઈ રીતે પ્રચાર થાય છે. પણ ના, પ્રચાર અને માર્કેટિંગનું શાસ્ત્ર બહુ સટલ બન્યું છે. બન્યું નથી, હકીકતમાં પ્રાચીન સમયથી પ્રચાર એક શાસ્ત્ર રહ્યું છે. કોઈ વાતનો પ્રચાર કેવી રીતે થાય અને કોઈ વાતને દૃઢ કેવી રીતે કરી શકાય તે અમુક અત્યંત તેજ દિમાગના લોકોને સમજાઈ જતું હોય છે. પણ એ વિશે ફરી ક્યારેક.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]