જે પક્ષ આ બેઠક જીતે… તે પક્ષ બનાવે સરકાર

ગાંધીનગર– ગુજરાતમાં 182 વિધાનસભાની બેઠકોની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સત્તાના સમીકરણો ગોઠવાઈ રહ્યાં છે. ચૂંટણી પ્રચારના કાર્યક્રમો શિડ્યુલ થઈ રહ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીના ગુજરાતમાં રોડ શો કરવા અને જાહેર સભા સંબોધવા માટેના પ્રોગ્રામ તૈયાર થઈ રહ્યા છે. આમ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી રહ્યો છે. પણ 182 વિધાનસભાની બેઠકોમાંથી વલસાડની બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. કારણ કે આ વલસાડની બેઠક માટે એક અજીબ કહી શકાય તેવો વિશ્વાસ જોડાયેલો છે. કહેવાય છે કે આ બેઠક જે પક્ષ જીતે તે પક્ષની સરકાર બને છે.1975 પછી ચૂંટણીના પરિણામ પણ આ અંધવિશ્વાસનું સમર્થન કરે છે, અને અહીંયા જીતનાર પક્ષની જ ગુજરાતમાં સરકાર બની છે.1975માં કોંગ્રેસના ઉમેદવાર કેશવભાઈ રતનજી પટેલે વલસાડની બેઠક પર જીત મેળવી હતી. આ વર્ષે કોંગ્રેસે ભારતીય જનસંઘની સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવી હતી.

1980માં ફરીથી કોંગ્રેસના ઉમેદવાર દોલતભાઈ નાથુભાઈ દેસાઈની આ બેઠક પર જીત થઈ હતી, અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી.

1985માં કોંગ્રેસના ઉમેદવાર બરજોરજી કોવાસજી પારડીવાલા 29,581 મત મેળવીને જીત્યાં હતાં. ત્યારે પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની હતી.

1990માં ભાજપના ઉમેદવાર દોલતભાઈ દેસાઈ આ બેઠક પર ચૂંટણી જીત્યાં હતાં, ત્યારે ભાજપે ગુજરાતમાં મુખ્યપ્રધાન બનવા માટે ચીમનભાઈ પટેલને મદદ કરી હતી.

1995માં દોલતભાઈએ ફરીથી આ બેઠક પર કોંગ્રેસના પારડીવાલાને હરાવીને જંગી બહુમતીથી જીત મેળવી, અને પહેલીવાર કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર રચાઈ. 1995માં ભાજપના દોલતભાઈને 52,814 મત મળ્યાં હતાં, સામે કોંગ્રેસના પારડીવાલાને 20,267 મત મળ્યાં હતાં.

1998માં દોલતભાઈ દેસાઈ સતત ત્રીજી વખત ચૂંટાયા અને ફરીથી ભાજપની સરકાર બની. દોલતભાઈને 56,069 મત મળ્યાં, સામે કોંગ્રેસના ગૌરવ હેમંતભાઈ પંડ્યાને 33,738 મત મળ્યાં હતાં.

2002માં દોલતભાઈ દેસાઈ ફરીથી વલસાડની બેઠક જીત્યાં, ત્યારે ભાજપની નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપની સરકાર બની હતી. ભાજપના દોલતભાઈને 57,371 મત મળ્યાં, સામે કોંગ્રેસના ગૌરવ હેમંતભાઈ પંડ્યાને 51,308 મત મળ્યાં હતાં.

2007માં ભાજપના ઉમેદવાર દોલતભાઈ દેસાઈ સતત પાંચમી વાર ચૂંટાયા, અને ભાજપની સરકાર રચાઈ. ભાજપના દોલતભાઈને 68,512 મત મળ્યાં, સામે કોંગ્રેસના પટેલ ધર્મેશભાઈને 54,156 મત મળ્યાં હતાં.

2012માં ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલ વલસાડ બેઠક પર ચૂંટણી જીત્યાં, અને ગાંધીનગરમાં ભાજપની સરકાર બની. ભાજપના ભરતભાઈ પટેલને 93,658 મત મળ્યાં હતાં, સામે પટેલ ધર્મેશભાઈને 57,659 મત મળ્યા હતા.

આ વખતે 2017ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે જોરદાર પ્રયાસો શરૂ કર્યા છે. આ બન્ને પક્ષોની નજર વલસાડ બેઠક પર છે. જે વલસાડ બેઠક જીતશે તેની સરકાર બનશે તે નિશ્વિત છે, માટે ભાજપ અને કોંગ્રેસ વલસાડ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.