દિલ્હીમાં મંદિરના નારાઃ મુસ્લિમો પણ કેમ જોડાયા?

વિવારે દિલ્હીમાં ‘મંદિર વહીં બનાએંગે’ના નારા સાથે દેખાવો થયા હતા. મોટું ટોળું એકઠું થયું હતું તેમની ગણતરી રેલી કાઢવાની હતી, પણ પોલીસે તેમને આગળ વધવા દીધા નહોતા. આ દેખાવોએ વધારે ધ્યાન એટલે ખેંચ્યું કે મુસ્લિમો મોટી સંખ્યામાં આવ્યા હતા અને મંદિર વહીં બનાએંગે નારા લગાવી રહ્યા હતા. નવેમ્બરમાં રામમંદિરનું બાંધકામ શરૂ થઈ જવાનું છે તેવું નિવેદન પણ સુબ્રમણિયમ સ્વામી તરફથી આવ્યું છે. આ બંને વચ્ચે કંઈ સંબંધ ખરો? ના અને હા. સુબ્રમણિયમ સ્વામીનું નિવેદન અને મુસ્લિમો પણ મંદિરના નારા લગાવે તેના કારણે કોઈ મોટી હલચલના એંધાણ સમાચારોમાં દેખાવા જોઈએ. પરંતુ આજકાલ સ્વામીના નિવેદનોને સમાચારમાં બહુ સ્થાન મળતું નથી. એવું નથી કે તેમના નિવેદનોની પદ્ધતિ બદલાઈ હોય. આજે પણ તેઓ ચોખ્ખીચણાક ભાષામાં વાત કરે છે. આ સરકારને અર્થતંત્રમાં કઈ સમજ પડતી નથી એવું ચોખ્ખું કહે છે. અરૂણ જેટલીની સતત ટીકા તેઓ કરતાં રહ્યા હતા. હાલમાં તેમણે રામમંદિર માટે ફરીથી નિવેદન આપ્યું. તેમનું કહેવું છે કે નવેમ્બરથી જ રામમંદિરનું બાંધકામ શરૂ થઈ જશે.

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાની જમીનનો કેસની સુનાવણી હવે રોજેરોજ થાય છે. તેના કારણે વર્ષોથી અટવાયેલો કેસ ઝડપથી આગળ વધશે અને ચુકાદો તરફેણમાં જ આવશે તેથી રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે તેવું સુબ્રમણિયમ સ્વામીનું કહેવું છે. તેઓ અયોધ્યાની બે દિવસની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
તેમની વાત સાવ અસ્થાને નથી, પણ તેની વાત કરતાં પહેલાં દિલ્હીમાં રવિવારે મંદિર માટે નારા લાગ્યા તે રવિદાસ મંદિર માટે હતા. લોકસભાની ચૂંટણીને હજી વાર છે એટલે રામમંદિર માટે પૂરતો સમય છે, પણ દિલ્હીમાં થોડા મહિના પછી વિધાનસભા ચૂંટણી છે. તેથી બંને મંદિરના મુદ્દા ચાલવાના છે. મજાની વાત એ છે કે રવિદાસ મંદિર હટાવાયું ત્યારે વિરોધ પ્રદર્શન થયા ત્યારે મોદી અને કેજરીવાલ બંને વિરુદ્ધ નારા લાગ્યા હતા. આ મંદિરના મુદ્દે કોને મત મળશે તે નક્કી નથી, પણ મંદિરના મુદ્દે મત મળે છે તેની ના નહિ. મંદિર વહીં બનાએંગના દિલ્હીના નારા અને સ્વામીના અયોધ્યા ખાતેના નિવદેન વચ્ચે માત્ર આટલો જ સંબંધ છે.

તે સિવાય દિલ્હીમાં લાગેલા મંદિર વહીં બનાએંગાના નારા અલગ છે. મંદિર રવિદાસનું એટલે કે દલિતોના ગુરુનું હતું. સુપ્રીમ કોર્ટના આદેશના કારણે તે તોડાયું છે. ભક્તોનો દાવો છે કે મંદિર પ્રાચીન હતું, જ્યારે તંત્રનો દાવો છો કે મંદિર પ્રાચીન નહોતું અને સરકારી જમીન પર બંધાયું હતું. ઓગસ્ટમાં ભીમ સેનાના કાર્યકરોએ અહીં મોટું પ્રદર્શન કર્યું હતું. તે પછી આ વખતે ભારે બંદોબસ્ત દાખવીને રેલી કાઢવા દેવામાં આવી નહોતી. આ વખતે તુઘલકાબાદના મુસ્લિમો એકઠા થયા હતા. મુસ્લિમોએ મંદિર વહીં બનાએંગાના નારા લગાવ્યા તે રવિદાસ મંદિર માટે, કેમ કે તેમની ઝુંબેશ દલિત-મુસ્લિમ એકતાની છે.

આમ આદમી પાર્ટીને ચિંતા એટલા માટે છે કે તેમણે થોડા મહિનાઓ પછી વિધાનસભાની ચૂંટણીઓ લડવાની છે. બીજું, પંજાબના શીખ દલિતો પણ રવિદાસના અનુયાયીઓ છે. પંજાબમાં પણ આમ આદમી પાર્ટીને રસ છે. રામમંદિરનો ભાજપનો મુદ્દો છે જ. તેની સામે આપને રવિદાસ મંદિરનો મુદ્દો મૂકવામાં રસ હોય તેમ લાગે છે. પરંતુ દિલ્હીમાં સરકાર હોવા છતાં મંદિરને બચાવાયું નહિ તેનો રોષ કેજરીવાલ સામે પણ છે.

માયાવતી અને કાંશીરામની જીવનકથા લખનારા બદ્રી નારાયણ કહે છે કે જાટવ અને ચમાર માટે રવિદાસ ગુરુ સમાન છે. દલિતોમાં પણ ત્રણ પંથ છે – રવિદાસી, કબીરપંથી અને શિવનારાયણ. તેમાં જાટવ અને ચમારમાં રવિદાસ વધારે પૂજનીય ગણાય છે. ગુજરાત અને મારવાડનાં મીરાં પણ રવિદાસને ગુરુ માનતા હતા. તેમના ભજનો ગાયને મીરાંએ લોકપ્રિય બનાવ્યા હતા. રવિદાસના ઘણા ભજનોને ગુરુ ગ્રંથ સાહેબમાં પણ સ્થાન અપાયું છે.
ટૂંકમાં રાજ્ય દિલ્હી અને રાજધાની નવી દિલ્હી બંનેમાં આગામી દિવસોમાં પણ મંદિરનો મુદ્દો ગાજતો રહેવાનો છે. વર્તમાન સમયે એકથી વધુ મુદ્દા પ્રબળ બન્યા છે એટલે માત્ર મંદિરનો મુદ્દો ચાલશે એવું પણ નથી. પરંતુ રોજબરોજ સુપ્રીમ કોર્ટમાં રામમંદિરના મુદ્દે ચર્ચા થાય છે તેનાથી પણ મામલો ગાજતો રહેવાનો છે. પણ આ બધા વચ્ચે મંદિર વહીં બનાએંગેનો નારો અયોધ્યામાં પણ મુસ્લિમો તરફથી આવે તે માટેના સમાધાનના પ્રયાસો સફળ થાય તે સૌથી સારી વાત ગણાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]