નીતિન ગડકરીની નિખાલસ કબૂલાતઃ વચનો અમસ્થા જ આપેલાં

નીતિન ગડકરી જે કરી રહ્યાં છે, તે બીજા કોઈ પ્રધાને કર્યું હોત તો ક્યારનુંય ગડગડિયું મળી ગયું હોત. નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં પ્રધાનોએ તેમને સોંપવામાં આવેલા પ્રચારનું જ કામ કરવાનું હોય છે. પ્રચાર પણ પોતાના મંત્રાલયની કામગીરીનો જ કરવાનો હોય, પણ તે માટે જશ નેતાને આપવાનો હોય. બાકી અસલી કામ અધિકારીઓ પાસેથી મોદી સીધા કઢાવી લે છે. પરંતુ નીતિન ગડકરી નોખી માટીના છે. નીતિન ગડકરી સમયાંતરે એવા નિવેદનો આપે છે જેને નકારવામાં ભાજપને નાકે દમ આવી જાય. પણ નીતિન ગડકરીને ના કહી શકાય તેમ નથી. કેમ કે નીતિન ગડકરી આરએસએસના ‘ચોકીદાર’ તરીકે પ્રધાનમંડળમાં બેઠા છે.

નીતિન ગડકરીએ છેલ્લે નાખેલો ગુગલી અને તેના કારણે સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી મજાક તમારા સુધી પહોંચી ગઈ હશે. નીતિન ગડકરીએ એક મરાઠી ભાષી કાર્યક્રમમાં હસતાં હસતાં એવી વાત કહી દીધી કે ભાજપને સમગ્ર શરીરમાં દુખાવો થાય. તેમણે કહ્યું કે અમે વચનો આપવા ખાતર જ આપ્યા હતા. એ વચનો કંઈ પાળવા માટે નહોતા. અમે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું નહોતું અને એમ જ વચનો આપી દેતા હતા. ગડકરી કહે છે કે 2014માં જીતી જઈશું એવી અમે કોઈ કલ્પના નહોતી. તેથી થયું કે આમ પણ જીતવાનું નથી તો પછી ભરપુર વચનો આપોને. આપણે ક્યાં સરકાર બનાવીને વચનોનું પાલન કરવાનું છે. ને વચન આપવાના જ છે, તો ભઈ એક બે શા માટે… આપોને ચાર પાંચ… એમ અમે ફાવે તેવા વચનો આપી દીધા હતા તેમ ગડકરીએ હસતાં હસતાં કહ્યું.

તેમણે હસતાં હસતાં કહ્યું. તેમણે મરાઠીમાં કહ્યું. પણ આજે આખો દેશ તેના પર હસી રહ્યો છે. મજાક કરનારા, કાર્ટૂન બનાવનારા, ટીકા કરનારા, કોમેડિ કલાકોરો સૌને મજા પડી ગઈ છે. અમિત શાહે પણ 15 લાખ રૂપિયાની સતત ઉઘરાણી પછી કંટાળીને કહી દેવું પડ્યું હતું કે એ તો એક ‘ચુનાવી જુમલો’ હતો. દેશી ભાષામાં તેનો અનુવાદ ચૂંટણીનું જૂઠ્ઠાણું કહેવાય. આજના જમાનામાં ભાષાની મર્યાદા નડતી નથી. મરાઠીમાં ગડકરી જે બોલ્યા તેનો અનુવાદ રાતોરાત ભારતની બધી જ ભાષામાં થઈ ગયો. ટૂંકમાં તેનો અનુવાદ એટલો થાય છે કે ભાજપે બેફામ વચનો આપ્યા હતા, કેમ કે તેને પાળવાની કોઈ ગણતરી પક્ષની નહોતી. વચનપાલન માટે ભાજપ ગંભીર નથી એવું તારણ તેમાંથી નીકળે છે.

નીતિન ગડકરીએ આ કંઈ પહેલીવાર આવી રીતે સરકારને મુશ્કેલીમાં નથી મૂકી. થોડા વખત પહેલાં તેમણે એવું કહેલું કે સરકારી નોકરીઓ જ ક્યાં છે કે અનામતનું આંદોલન કરો છો. આ વાત પણ તેમણે મરાઠીમાં કહેલી અને બધી જ ભારતીય ભાષાઓમાં તેનો અનુવાદ થયો હતો. તેનો અનુવાદ એવો થયો હતો કે મોદી સરકારે નોકરીઓ ઊભી કરવામાં નિષ્ફળ ગઈ છે. મોદી સરકાર સરકારી નોકરીઓમાં જ ભરતી કરી રહી નથી. એટલું જ નહિ, સરકારી નોકરીઓ નાબુદ કરીને કોન્ટ્રેક્ટ પદ્ધતિ લાવી રહી છે તેવું તારણ પણ નીકળતું હતું.

આ બહુ મજાની ચાલાકી છે. અનામતનો વિરોધ કરનારા જૂથોને પૂરતું પ્રોત્સાહન આપવાનું. બાદમાં અનામત કદી નહિ હટે તેવી જાહેરાત કરવાની. ત્રીજી બાજુ સરકારી નોકરીઓ બંધ કરીને તેની જગ્યાએ કોન્ટ્રેક્ટ પ્રથા કરી નાખવાની. હવે નોકરીઓ જ ના હોય ત્યારે અનામત અર્થહિન બની જાય. સફાઈનો કોન્ટ્રેક્ટ, કચરો એકઠો કરવાનો કોન્ટ્રેક્ટ, સરકારી કચેરીમાં ટાઇપિંગનું કામ કરવાનો કોન્ટ્રેક્ટ, આધાર કાર્ડ – ચૂંટણી કાર્ડ વગેરે બનાવવાનો, તેને છપાવવાનો કોન્ટ્રેક્ટ, સરકારી કચેરીમાં વાહનોનો કોન્ટ્રેક્ટ, સરકારી એસટીની બસો ઓછી કરી નાખીને ખાનગી ટ્રાવેલ્સવાળાને કોન્ટ્રેક્ટ, બીઆરટીએસમાં બસો દોડાવવાનો કોન્ટ્રેક્ટ, હોસ્પિટલમાં દવાની દુકાનનો કોન્ટ્રેક્ટ, નર્સકામનો કોન્ટ્રેક્ટ, લેબોરેટરીનું કામ કરવાનો કોન્ટ્રેક્ટ… ઓકે બાકીની યાદી તમે જાતે બનાવી લેજો એટલે સમજી જશો કે અનામતને કઈ રીતે આપોઆપ બૂઠી કરી નાખવામાં આવશે.

આ વાત નીતિન ગડકરીના નિવેદનને કારણે જાહેર થઈ ગઈ તે આંચકા સમાન હતી, પણ ગડકરીને ગડગડિયું આપી શકાય તેમ નથી. ગડકરી સંઘની સૌથી નજીકના માણસ છે. રાજનાથ સિંહની જગ્યાએ યોગીને આગળ કર્યા પછી તેમનો પડકાર રહ્યો નથી. સુષ્મા એકલા પડી ગયા છે. વેંકૈયા નાયડુ આમ ટેકેદાર જ હતા, છતાં તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવી દેવાયા છે, જેટલીનું પોતાનું કોઈ રાજકીય ગજું નથી. અર્થાત નરેન્દ્ર મોદીની નેતાગીરી સામે એક પણ પડકાર રહ્યો નથી.

પડકાર માત્ર નીતિન ગડકરીનો છે એવું પણ કહી શકાય તેમ નથી. કેમ કે થોડા વર્ષો પહેલાંના સમાચારો યાદ કરો. ગડકરીની કંપનીઓમાં કેવી રીતે ગોટાળા ચાલે છે તેના વિશેષ અહેવાલો વિશેષ રીતે પ્રગટ થતા રહ્યા હતા. તેના કારણે નેતાગીરીની કોઈ પણ હોડમાંથી ગડકરીએ ખસી જવું પડ્યું છે. તેમને 2009માં સૌથી નાની વયે ભાજપના પ્રમુખ બનાવાયા હતા. બીજી વાર પણ પ્રમુખ બન્યા. તે પછી જોકે 2014ની ચૂંટણીમાં જીત મળી અને મોદીના નામથી ભાજપ ચાલે છે તે સ્પષ્ટ થયા પછી તેમની પસંદગીના પ્રમુખ તરીકે અમિત શાહનો સ્વીકાર સંઘે અને બધા જૂથોએ કરવો પડ્યો હતો.

આમ છતાં ગડકરી બિન્ધાસ્ત પોતાની રીતે નિવેદનો આપતા રહે છે. જાણકારો કહે છે કે અત્યારે પણ મોદી પ્રધાનમંડળમાં માત્ર ગડકરી જ બિન્ધાસ્ત કામ કરનારા પ્રધાન છે. બાકીના બધા પ્રધાનો એક પણ ફાઇલ પીએમઓના કંકુચોખા લાગે નહિ ત્યાં સુધી વધાવતા નથી, આગળ વધારતા નથી. મોદી સરકાર બની તેના થોડા જ મહિનામાં એવા સમાચાર પ્રગટ થયા હતા કે નીતિન ગડકરીના નિવાસસ્થાનેથી જાસૂસી ઉપકરણો મળ્યા હતા. જોકે આ વાતને ક્યારેય સ્વીકારાઇ નહોતી ગડકરીએ પોતે પણ આ વાત ખોટી હોવાનું નિવેદન આપ્યું હતું, પરંતુ ગડકરી પર નજર રાખવા માટેની વ્યવસ્થા થઈ હોવાની ગોસીપ લાંબો સમય ચાલતી રહી હતી. હકીકતમાં ભાજપના દરેક નેતાની હિલચાલ પર તીણી નજર ભાજપના મોવડીઓની હોય છે તેની ગોસીપ થોડા થોડા સમયે ચાલતી જ રહે છે.
મજાની વાત આ છે કે મોકો જોઈને નીતિન ગડકરીના બહાને નીતિશકુમારે પણ ભાજપને ટોણો મારી લીધો. પ્રધાનોમાં જે રીતે ગડકરીને સંભાળવા પડે તેમ છે, તેમ સાથી પક્ષોમાં નીતિશકુમારને સંભાળવા પડે તેમ છે. તેમણે ભાજપ સાથે ફરી જોડાણ કરી તો લીધું છે, પણ ફસાઇ ગયાનો અહેસાસ થાય છે. રાષ્ટ્રીય લેવલે કદ ધરાવતા નીતિશકુમાર પક્ષપલટુ અને તકવાદી પ્રાંતીય નેતાની નીચલી કેટેગરીમાં જતા રહ્યા છે. તેથી વારંવાર ભાજપની કેન્દ્ર સરકારની ટીકા કરતા રહે છે.

નીતિન ગડકરીએ કહ્યું કે ભાજપે માત્ર આપવા ખાતરના વચનો આપ્યા હતા. વચનો પાળવાના જ નથી, ત્યારે વધારેમાં વધારે વચનો આપવાની નીતિ હતી તેમ તેમણે કહ્યું. નીતિશકુમારે કહ્યું કે ગડકરીની વાત સાચી છે, કેમ કે ગડકરી પોતે પણ બિહારને આપેલા વચનોનું પાલન કરી રહ્યા નથી. રાજ્યમાં માર્ગોની મરમ્મત માટે 970 કરોડ રૂપિયા રાજ્ય સરકારે જાતે ખર્ચ્યા હતા. આ રકમ કેન્દ્ર સરકાર આપી દેશે તેવું વચન ગડકરીના મંત્રાલયે આપ્યું હતું. પરંતુ તે પાળવામાં આવ્યું નથી. નીતિશ કહે છે કે નીતિન ગડકરી વચન તો આપી દે છે, પણ પછી ભૂલી જાય છે.
મને સમજાતું નથી કે આ લોકો વચન આપીને કેમ ભૂલી જાય છે એમ નીતિશકુમારે કહ્યું. આ સવાલ તો મતદારોને પણ થવા લાગ્યો છે કે આ લોકોએ બહુ બધા વચનો આપ્યા હતા, તે બધા ભૂલી કેમના ગયા!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]