અહેવાલ-પારુલ રાવલ
ગુજરાતમાં ઉજવાયેલા શાળા પ્રવેશોત્સવમાં ઘટેલી એક ઘટના રાજ્ય જ નહીં, દેશના સ્તરે પણ બહુ ગાજી હતી. કારણ એ પણ હતું કે તેમાં અતિપ્રતિષ્ઠિત વ્યકિતનું શિક્ષણસ્તર પ્રગટ થયું હતું. ગુજરાત સરકારના એક પ્રધાન, જેઓ એમબીએ થયેલાં છે તેઓએ અંગ્રેજીમાં લખેલો ‘Elephent’ સ્પેલિંગ જાણેઅજાણ્યે આપણાં દેશમાં શિક્ષણની કેવી કરુણ હાલત છે તેનું પ્રતીક બની ગયો હતો. આ ઘટના યાદ આવી જાય તેવું કારણ વર્લ્ડ બેંકના એક રીપોર્ટમાં સામે આવ્યું છે. 26મીએ જાહેર થયેલ ‘વર્લ્ડ ડેવલપમેન્ટ રીપોર્ટઃ લર્નિંગ ટુ રીયલાઇઝ એજ્યુકેશન્સ પ્રોમિસ’ નામના રીપોર્ટમાં બહાર આવેલી ભારતના શિક્ષણસ્તર અંગેની વાતો ખૂબ ગંભીર સંકટ તરફ ધ્યાન ખેંચી રહી છે.આ રીપોર્ટ પ્રમાણે ભારત વિશ્વના એ 12 દેશોની યાદીમાં બીજા નંબરે છે જ્યાં બીજા ધોરણના વિદ્યાર્થી એક નાનકડા પાઠનો એકપણ શબ્દ વાંચી નથી શકતાં. ક્રમાંકમાં ભારતની આગળ મલાવી નામનો દેશ છે.! વર્લ્ડ બેંક દ્વારા ભારત જેવા ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશોના અભ્યાસના પરિણામો આ રીપોર્ટમાં દર્શાવાયાં છે.
સીધીસાદી વાત છે કે જ્ઞાન વગરનું શિક્ષણ આપવું દેશના વિકાસને નષ્ટ કરવા જેવું છે. દેશના બાળકો અને યુવાઓ માટે દુનિયા સાથે સંકળાવાની તક છીનવતાં ઘોર અપરાધ જેવું છે. ભારતમાં વ્યાપ્ત આ ‘જ્ઞાનના સંકટ’ તરફ વર્લ્ડ બેંક જેવી આર્થિક તાકાતે કંઇ કહ્યું છે તો તેના પર પગલાં લેવા પ્રાથમિક ફરજ બની જાય છે. રીપોર્ટમાં કહ્યું છે કે દેશમાં લાખો યુવાન વિદ્યાર્થી ઓછી તક અને ઓછાં વેતનની શંકાનો સામનો કરે છે કારણ કે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમને જીવનમાં સફળ બનાવવાની તાલીમ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે.
અતિ કડવું સત્ય છે કે ગ્રામીણ ભારતમાં ત્રીજા ધોરણમાં ભણતાં બાળકોમાંથી ત્રણ ચતુર્થાંશ બાળકો બે અંકમાંથી એક અંક ઘટાડવાના સવાલનો સામનો કરી શકતાં નથી અને પાંચમા ધોરણમાં ભણતાં હોય તેવાં બાળકોમાંથી પચાસ ટકા બાળકો આ દાખલો હલ કરી શકતાં નથી. આ પ્રકારનું શિક્ષણ ગરીબી નાબૂદ કરવા અને તમામ માટે રોજગારનું સર્જન કરી સમૃદ્ધ જીવન તરફ જવાનો વાયદો કેવી રીતે બની શકશે. ઘણાં વર્ષો સુધી ભારેભરખમ દફતરો ઊંચકીને શાળાએ ગયાં પછી પણ લાખો બાળકો લખીવાંચી શકતાં નથી કે સાવ સરળ ગણિતનો દાખલો કરી શકતાં નથી.
જ્ઞાનનું આ સંકટ દેશમાં સામાજિક ખાઇને વધુ ઊંડી બનાવી રહ્યું છે. વર્લ્ડ બેંક સમૂહના અધ્યક્ષ જિમ યોંગ કિમે જણાવ્યું તેમ, આ સંકટ નૈતિક અને આર્થિક સંકટ છે. જ્યાં શિક્ષણ સારું છે ત્યાં યુવાઓને રોજગાર, વધુ કમાણી, સારું આરોગ્ય અને ગરીબી વગરનું જીવન જીવવાની તક સર્જાય છે. સમૂહો માટે શિક્ષણ ‘ખોજ’ની ભૂમિકા બનાવે છે, સંસ્થાનોને મજબૂત કરે છે અને સામાજિક સુમેળ વધારે છે. આ બધાં ફાયદા ગુણવત્તાયુક્ત શિક્ષણ પર નિર્ભર કરે છે અને જ્ઞાન વગરનું શિક્ષણ તકને નષ્ટ કરવા જેવું છે.
રીપોર્ટમાં જણાવ્યાં પ્રમાણે 2016માં ગ્રામીણ ભારતના પાંચમા ધોરણમાં ભણતાં બાળકોમાંથી અડધા બાળકો બીજા ધોરણના પાઠ્યક્રમના સ્તરની ચોપડી સારી રીતે વાંચી શકે છે. જેમાં પણ તેમની સ્થાનિક ભાષામાં બોલાતાં બેહદ સરળ વાક્યોનો સમાવેશ થયો હોય છે.
2010માં આંધ્રપ્રદેશમાં ભણતાં બાળકો પહેલા ધોરણના પુસ્તકોના સવાલોનો પણ જવાબ આપી શકતાં ન હતાં. પરીક્ષામાં તેમનું પ્રદર્શન ઘણું નબળું હતું. રીપોર્ટમાં સૂચન કરાયું છે કે જ્ઞાનનું આ ગંભીર સંકટ ટાળવા માટે વિકાશશીલ દેશોની મદદ માટે નક્કર નીતિગત પગલાં લેવાની આવશ્યકતા છે.
દેશનું ભવિષ્ય જેમના ભવિષ્ય સાથે સંકળાયેલું હોય તેવા બાળકોની જ્ઞાનસંપદાની ગરીબાઇ દુનિયાના ચૌટે ચર્ચાય ત્યારે પણ તમે સુંદર સપનાંની હકીકતો મૂક્યાં કરો તે શાહુડી જેવું કામ છે. ગુજરાતમાં શિક્ષણ ગુણવત્તા સુધારવા દાયકાઓથી સરકારી પ્રયાસો ચાલતાં તો રહે છે પણ દળીદળીને ઢાંકણીમાં નાંખવા જેવું કામ છે તે તેમની જ ગુણોત્સવ સમીક્ષામાં બહાર આવતાં તથ્યો છે. જેમાં નબળાં પરિણામ ધરાવતી શાળાઓને બંધ કરવા જેવો હંગામી ઉપાય તેમાં કારગર નીવડે કે કંઇ બીજું, સાચો ઉકેલ શો હોઇ શકે તે શોધવામાં સરકાર ને શિક્ષણક્ષેત્રના માંધાતાઓની મોતિયાદ્રષ્ટિ ઉતરે તો કંઇ નીપજે. બાકી તો પછીના કોઇ આવા રીપોર્ટમાં બીજાથી પહેલે નંબરે ન આવી જવાય તેની ચિંતા કોઇ કરે તો સારું…