ગોંડલના રાજકારણનો લોહિયાળ ઇતિહાસ

સર ભગવતસિંહ જેવા રાજા જેને મળ્યા, જેમણે ગોંડલને પ્રથમ કક્ષાનું રાજ્ય બનાવ્યું, ફરજિયાત શિક્ષણ અને કન્યા શિક્ષણ વિનામૂલ્યે શરૂ કરાવ્યું, જેમણે સૌરાષ્ટ્રની પહલે રેલવે શરૂ કરી. પોતાના રાજ્યમાં તાર, ટપાલ અને ટેલિફોનની સુવિધા આપી. રાજા નહીં પણ પ્રજાના ટ્રસ્ટી બની રહ્યા એવા ગોકુળિયા ગોંડલની હાલત આજે શું છે? સ્વતંત્રતા પછીના ગોંડલ વિશે એક વાત બહુ ચાલી હતી, ગોંડલમાં ત્રણ ચીજો જાણીતી, ગાંઠિયા, ગુંડા અને ગાંડા. આજે ગોંડલ ભગવતસિંહના રાજ માટે પ્રખ્યાત નથી પણ ગોંડલની ગુનાખોરી માટે કુખ્યાત બની ગયું છે. આવા ગોંડલનો રાજકીય લોહિયાળ ઇતિહાસ લોકોને ફરી યાદ આવી ગયો છે કારણ કે, અહી બે ક્ષત્રિયોએ જાણે સામસામે તલવારો ખેંચી લીધી છે.

ગોંડલ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્નિ ગીતાબા લડી રહ્યા છે. ભાજપે એને રિપીટ કર્યા છે. કોંગ્રેસમાંથી પૂર્વ નગરપતિ ગોવિંદ દેસાઇના પુત્ર યતિશ ઉમેદવાર છે તો આપમાંથી નિમિષા ખૂંટ લડી રહ્યા છે. આપના ઉમેદવારની બહુ અસર નથી એટલે ચૂંટણી જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોવો જોઈએ પણ અત્યારે સંજોગો એવા જોવા મળે છે કે, જંગ જાણે જયરાજસિંહ અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહના પુત્ર અનિરુધ્ધસિંહ જાડેજા વચ્ચે લડાઈ રહ્યો છે. આ વાતને સમજવા ગોંડલના રાજકીય ઇતિહાસમાં જવું પડે એમ છે.

પોપટભાઈ સોરઠિયા

ગુજરાતની રચના બાદ 1962માં ધારાસભાની પહેલી ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસના વજનદાર નેતા વજુભાઈ શાહ જીત્યા. પણ 1980માં અહીં બદલાવ આવ્યો અને ભાજપમાંથી કેશુભાઈ પટેલ અહીં જીત્યા. જો કે, એ પછી પોપટભાઈ સોરઠિયા પહેલા કિમલોપ અને પછી કોંગ્રેસમાંથી ચૂંટાયા. એ પછી બદલાવનો દોર શરૂ થયો. અને આશ્ચર્યજનક રીતે અપક્ષ તરીકે મહિપતસિંહ જાડેજા એકવાર નહીં બેવાર જીત્યા. એ પછી ફરી ભાજપનો યુગ શરૂ થયો અને જયરાજસિંહ બેવાર ચૂંટાયા અને એમની સામે મહિપતસિંહ બબ્બે વાર હાર્યા. અને એમના રાજકારણનો જાણે અંત આવી ગયો. 2007માં માત્ર 488 મતે જયરાજ સિંહ એનસીપીના ચંદુ વઘાસિયા સામે હારી ગયા અને એ પછી ફરી જયરાજસિંહ ચૂંટાયા. અને 2017માં ભાજપે એમને અહીં પણ એમના પત્નીને ટિકિટ આપી અને આ વેળા પણ ફરી એમને જ રિપીટ કર્યા છે.

મહિપતસિંહ

મહિપતસિંહ ગોંડલમાં બાહુબલી ગણાતા. આ મત વિસ્તારમાં આજે 2.28 લાખ મતદારો છે અને એમાં સવા લાખ જેટલા ક્ષત્રિયો અને 80 હજાર જેટલા પટેલ મતદારો છે. એટલે લડાઈ પટેલ અને ક્ષત્રિયો વચ્ચે થી આવી છે. સૌરાષ્ટ્રમાં દરબાર વિરુધ્ધ પટેલની ઘેરી અસર આ ક્ષેત્રમાં પણ જોવા મળી છે. ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની 1988માં 15 ઓગસ્ટના જાહેર કાર્યક્રમમાં પોઈન્ટ બ્લેન્ક હત્યા મહિપતસિંહના પુત્ર અનિરુધ્ધસિંહ જાડેજાએ કરી. એ નાસ્તો ફરતો રહ્યો અને આખરે એણે જેલમાં જવું પડ્યું. આજે એ જેલ બહાર છે.

મહિપતસિંહની પણ હાક વાગતી રહી છે. આજે તો એ 90 વર્ષના છે અને રાજકારણમાંથી નિવૃત થઈ ગયા છે. પણ એ ચૂંટણી લડતા ત્યારે એમની સામે કોઈ ઉમેદવારે લડવું હોય તો હિંમતની જરૂર પડતી. મહિપતસિંહ સામે કોલસા ચોરીથી માંડી અનેક ગુનાઓ નોંધાયેલા હતા. સૌથી રસપ્રદ વાત એ કે, એમના વતન રિબડામાં કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવારે સભા કરવાની હિંમત કરી નહોતી. એક વેળા કોંગ્રેસના રમાબેન માવાણીએ એવો પ્રયત્ન કર્યો હતો. એ મેટાડોરમાં થોડા લોકો સાથે માઇક અને પાથરણાંની વ્યવસ્થા સાથે ગયા. એમણે ખબર હતી કે ગામમાંથી કોઈ મદદ નહીં મળે. ગામના ચોકમાં બધુ ગોઠવવા લાગ્યા. લોકોને જોણું થયું. કેટલાક ઘરના બારી બારણાં ખૂલ્યા. કેટલાક લોકો ત્યાં આવ્યા. અને રમાબેન માવાણીએ પ્રવચન શરૂ કર્યું અને ત્યાં મહિપતસિંહ ખુલ્લી જિપમાં ત્યાંથી સડસડાટ નીકળ્યા અને ધાક એવી કે હતા એટલા માણસ વિખેરાઈ ગયા અને બારી બારણાં બંધ થઈ ગયા. રમાબેને સભા સમેટી લેવી પડી.

ભાજપે એમને નાથવા જયરાજસિંહને ટિકિટ આપી અને એ સફળ થયા. આ જયરાજસિંહનો ઇતિહાસ પણ કાઇ સારો નથી. ગોંડલના પૂર્વ નગરપતિ ગોવિંદ દેસાઇ પર લોહિયાળ હુમલો થયો એમાં જયરાજ સિંહ અને જયંતી ઢોલ સહિત દસેક લોકો પકડાયા હતા. આ ગોવિંદ દેસાઇ ભાજપના નેતા અને નગરપાલિકામાં ખાસ્સો સમય નગરપતિ રહ્યા. ગોંડલ નાગરિક બેંકમાં પણ ચેરમેન રહ્યા. એ માથાભારે લોકો સામે બેધડક બોલતા. વકીલ હતા. પણ એમની ઉપર હુમલો થયો અને એ જીવલેણ બન્યો. એમનું અવસાન થયું અને જેના પર આરોપ હતો એ જ જયરાજસિંહની પત્નિ ગીતાબા સામે આજે ગોવિંદભાઈના પુત્ર યતિશ ચૂંટણી લાદેર છે. 2019માં એ ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા. જયરાજસિંહ એક જમીનના મુદે ખૂન કેસમાં ગુનેગાર ઠર્યા હતા અને જેલમાં પણ ગયા હતા.

 

પણ ભાજપમાં સમસ્યા એ થઈ કે, મહિપતસિંહના પુત્ર કે જે હવે ભાજપમાં છે અને એમણે એમના પુત્ર માટે ટિકીટ માંગી અને એમાં સામસામી તલવારો ખેંચાઇ છે. સી આર પાટિલ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા ત્યારે ગોંડલથી એ પસાર થવાના હતા અને અનિરુદ્ધસિંહે એમની હાઇ વે પર જ સ્વાગતની જોરદાર તૈયારીઓ કરી હતી. પણ રાજકોટના ભાજપના આગેવાને એમને અનિરુધ્ધસિંહના ઇતિહાસની વાત કરી અને પાટિલ સમજી ગયા. એ સ્વાગત માટે રોકાયા નહોતા. પોતાના પુત્રને ટિકિટ ના મળી એટલે એમણે કોંગ્રેસને સમર્થન જાહેર કરી દીધું છે. એમણે ખુલ્લેઆમ કહ્યું કે, ગોંડલ પરિવર્તન ચાહે છે. તો સામે જયરાજસિંહે એમ કહ્યું કે, હું છૂં ત્યાં સુધી અમારા પરિવાર સિવાય કોઈને ટિકિટ નહીં મળે.

આ બને ક્ષત્રિયો વિશે પક્ષમાં શું અહેવાલ ગયો છે અને એમને કોઈ ઠપકો અપાયો છે કે નહીં એની કોઈ માહિતી મળતી નથી. પણ ગોંડલનો મામલો સંવેદનશીલ બની ગયો છે. અહીં દર ચૂંટણીમાં અર્ધ લશ્કરી દળોની હાજરી હોય છે. આ વેળા એવુંતેવું તો નહીં બને ને? એવો ફફડાટ ગોંડલમાં અનુભવાઈ રહ્યો છે. ભગવતસિંહજીનું ગોંડલ, ગોકુળિયું ગોંડલ અને આજનું ગોંડલ… બહુ બધુ અંતર પડી ગયુ છે. અહીંના વૃધ્ધો ભગવતસિંહને યાદ કરીને નિસાસા નાંખે છે.

(કૌશિક મહેતા)                                                                                    (લેખક રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર છે.)