ટોક-સીરિઝમાં ભારતે હાંસલ કરેલી સિદ્ધિઓની છણાવટ

ગણપત વિદ્યાનગરઃ જગતભરની વિવિધ ગતિવિધિઓમાં ભારતે પણ પોતાનું નોંધપાત્ર પ્રદાન નોંધાવ્યું છે. ખાસ કરીને, કોરોના અને યુદ્ધ જેવા કપરાં કાળને મ્હાત આપીને ભારતે પોતાના અર્થતંત્રને વિશ્વમાં પાંચમા સૌથી મોટા સ્થાને પહોંચાડી દીધું છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ વિશ્વના દેશો ઉપર ભારતનો પ્રભાવ ઊભો થયો છે. આ વાત અને વિચાર સંદર્ભે ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ દ્વારા તાજેતરમાં દ્વી-માસિક અટલ બિહારી વાજપેયી પબ્લિક પોલિસી  ટોક-સીરિઝની ત્રીજી આવૃત્તિનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટોકનો વિષય હતો – ‘જર્નીઝ એક્રોસ કોન્ટિનેન્ટ્સઃ અ ન્યૂ ઈન્ડિયા ઓન ધી ગ્લોબલ સ્ટેજ.’

ટોક-સીરિઝમાં મહેમાન વક્તાઓ તરીકે આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાત અને અનુભવી મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમ કે, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઈન્ટરનેશનલ પોલિટીક્સના ડિસઆર્મામેન્ટ વિષયના નિષ્ણાત પ્રો. અમિતાભ મટ્ટુ, આયરલેન્ડ ખાતે ભારતના ભૂતપૂર્વ એલચી અખિલેશ મિશ્રા, કઝાખસ્તાન, સ્વીડન અને લાટવિયામાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત અશોક સજ્જનહાર, કેનેડા અને સાઉથ કોરિયા ખાતે ભારતના ભૂતપૂર્વ એલચી વિષ્ણુપ્રકાશ.

ઓનલાઈન ટોકમાં ગણપત યુનિવર્સિટીના પેટ્રન-ઈન-ચીફ અને પ્રેસિડન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ, યુનિ.ના પ્રો. ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્મા, યુનિ.ના પ્રો. વાઈસ ચાન્સેલર અને એક્ઝિક્યૂટિવ રજિસ્ટ્રાર ડો. અમિત પટેલ તથા અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

નિષ્ણાતો, વિદ્વાન વક્તાઓએ ભારતની આઝાદી પછીની વિદેશનીતિથી લઈને વર્તમાન વિદેશનીતિ, તેના પરિવર્તનો વિશે ચર્ચા કરી હતી. ભારત દેશ હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ટોક-સીરિઝમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી પાંચ પ્રતિજ્ઞા વિશે પણ છણાવટ કરી હતી. જેમ કે, આગામી 25 વર્ષોમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવું, દેશને કોલોનિયલ માઈન્ડસેટમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવો, આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દેશના ગૌરવ માટે મુખ્ય પ્રેરણાસ્રોત બનાવવો, જિઓ – ઈકોનોમિક યુનિયનની રચના દ્વારા વ્યાપક આર્થિક આંતરરાષ્ટ્રીય સહકારની સ્થિતિનું સર્જન કરવું અને લોકશાહી પ્રણાલીને જાળવીને ભારત પોતાના આર્થિક વિકાસના ધ્યેયને હાંસલ કરી શકે છે દુનિયાને બતાડી દેવું.