ઈઝરાયલના કોન્સલ જનરલે અનુપમ ખેરની માફી માગી

મુંબઈઃ ઈઝરાયલી ફિલ્મ નિર્માતા નાદવ લાપિડે હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ને પ્રચાર કરનારી અને અશ્લીલ ફિલ્મ તરીકે ગણાવ્યા બાદ ઈઝરાયલના મિડવેસ્ટ ઈન્ડિયા માટેના કોન્સલ જનરલ કોબ્બી શોશાનીએ બોલીવુડ ચરિત્ર અભિનેતા અનુપમ ખેરને ફોન કર્યો હતો અને એમની માફી માગી હતી. આ જાણકારી શોશાનીએ આજે પત્રકાર પરિષદમાં આપી હતી. એ વખતે એમની સાથે ખેર પણ હાજર રહ્યા હતા. ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મમાં ખેરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

શોશાનીએ પત્રકારોને કહ્યું કે, ‘લાપિડના ભાષણને અમે ટેકો આપતા નથી. તે ભાષણ બદલ માફી માગવા માટે મેં આજે સવારે જ અનુપમ ખેરને ફોન કર્યો હતો અને એમને કહ્યું હતું કે લાપિડનું ભાષણ એમનો અંગત અભિપ્રાય છે. એમના મંતવ્ય સાથે ઈઝરાયલ દેશને કોઈ લેવાદેવા નથી.’

એ સાંભળીને અનુપમ ખેરે કહ્યું કે લાપિડે જે કહ્યું કે એ બદલ તમારે માફી માગવાની આવશ્યક્તા નથી.

ઉલ્લેખનીય છે કે, લાપિડે સોમવારે રાતે ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના પૂર્ણાહુતિ સમારોહમાં એવી કમેન્ટ કરી હતી કે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ એક પ્રચાર અને અભદ્ર ફિલ્મ છે. એમના એ નિવેદનથી ભારતમાં વિરોધ થયો છે, કારણ કે આ ફિલ્મ દેશભરમાં લોકપ્રિય થઈ છે. લાપિડ IFFI ખાતે ઈન્ટરનેશનલ કોમ્પીટિશન જ્યૂરીના અધ્યક્ષ હતા. આ વર્ષની 11 માર્ચે રિલીઝ થયેલી વિવેક અગ્નિહોત્રી દ્વારા લિખિત અને દિગ્દર્શિત ‘ધ કશ્મીર ફાઈલ્સ’માં પાકિસ્તાનના સમર્થનવાળા આતંકવાદીઓએ 1990ના દાયકામાં કશ્મીર ખીણપ્રદેશમાં હિન્દુ લોકો પર કરેલા ક્રૂર અત્યાચારો અને એને કારણે હિન્દુ પંડિત સમાજનાં લોકોને કરવી પડેલી હિજરત પર પ્રકાશ પાડનાર છે.

અનુપમ ખેરનું આક્રોશ વ્યક્ત કરતું ટ્વીટઃ