પહેલાં રાષ્ટ્રહિતના ૨૩ સંકલ્પ, પછી સપ્તપદીના વચન: અનોખા સમૂહલગ્ન

સમૂહલગ્ન હવે સામાજિક જીવનનું અંગ બની ગયું છે. વિવિધ સમાજ, સંસ્થાઓ, મંડળ આ આયોજન કરતા હોય છે. પોતાની જ્ઞાતિ, સમાજ કે સંપ્રદાય માટે તો સમૂહલગ્ન નિયમિત ક્રમ બની ગયો છે તો સર્વજ્ઞાતિ માટે પણ આયોજન થવા લાગ્યા છે. આ આવકાર્ય છે અને આવું જ છતાં તેનાથી કંઈક વિશેષ સમૂહલગ્નોત્સવનુ આયોજન ૬ નવેમ્બરે ભાવનગર ખાતે થયું છે.

મારુતિ ઇમ્પેક્ષ ફાઉન્ડેશન, ભાવનગર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવ વિશેષ છે અને તેના માટે કેટલાક કારણો છે. આ સમૂહલગ્નમાં પહેલી વિશેષતા એ છે કે ૫૫૨ (પાંચસો બાવન) એવી દીકરીઓનાં લગ્ન થવા જઈ રહ્યા છે જેનાં પિતા કે પછી કોઈ પાલક હયાત નથી, એટલે કે એવી દીકરીઓ કે જેમના વાજતેગાજતે લગ્ન કરી કન્યા વિદાય કરે તેવું મોભી પરિવારમાં નથી. આ કારણસર આ સમૂહ લગ્નોત્સવનું નામ ‘પાપાની પરી’ આપવામાં આવ્યું છે. મારુતિ ઇમ્પેક્ષ ફાઉન્ડેશન આવી દીકરીઓનાં પિતા તરીકેની જવાબદારી નિભાવી રહ્યું છે. આ સમગ્ર આયોજનમાં એક પણ રૂપિયો અન્ય દાતાઓ  કે કોઈ પાસેથી લેવામાં આવ્યો નથી એટલે કે આ તમામ દીકરીઓનાં લગ્નનો સંપૂર્ણ ખર્ચ એકમાત્ર લખાણી પરિવાર અને આ મારુતિ ઇમ્પેક્ષ ફાઉન્ડેશન ઉપાડ્યો છે આ પણ આ આયોજનની એક આગવી વિશેષતા છે.

આ સમૂહલગ્નમાં 40 મુસ્લિમ અને ત્રણ ખ્રિસ્તી યુગલો પણ સામેલ છે તો ઓરિસ્સા, આસામ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પણ યુગલો જોડાયા છે એટલે કે ખરા અર્થમાં સર્વસમાજ સમૂહ લગ્ન સાકાર થવાના છે. સમૂહલગ્નની સૌથી મોટી વિશેષતા આ આયોજનનો હેતુ છે. સામાજિક કાર્ય થકી રાષ્ટ્ર નિર્માણ એ હેતુ આ સમગ્ર આયોજનના કેન્દ્રમાં છે.

મારુતિ ઇમ્પેક્ષ ફાઉન્ડેશનના દિનેશભાઈ લખાણી ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે કે, ‘મારા ભાઈ સુરેશ લખાણીને આ વિચાર આવ્યો. અમારું મારૂતિ ઇમ્પેક્ષ ફાઉન્ડેશન અનેકવિધ પ્રવૃત્તિઓ તો કરે જ છે પરંતુ આ સમૂહ લગ્ન વિશેષ છે આ આયોજનમાં અમે રાષ્ટ્ર નિર્માણને કેન્દ્રમાં રાખ્યું છે જે પણ યુવક -યુવતી આ સમૂહ લગ્નમાં જોડાયા છે તે તમામને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાના સંકલ્પ પત્ર ભરાવવામાં આવ્યા છે. હું હંમેશા રાષ્ટ્રને વફાદાર રહીશ, દેશના કાયદા અને નિયમોનું પાલન કરીશ, હંમેશા લાયસન્સ સાથે રાખીને જ વાહન ચલાવીશ, રાષ્ટ્રીય સંપતિને નુકસાન નહીં કરું અને થતું હશે તો અટકાવીશ…. આવા 23 સંકલ્પો સાથેનું સંકલ્પ પત્ર તમામ યુગલોએ ભર્યા છે.’
‘સામાજિક પ્રવૃત્તિ સાથે રાષ્ટ્રહિતને જોડવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે,’ તેમ સુરેશભાઈ લખાણી કહે છે અને ઉમેરે છે, ‘કોઈ નાના કુટુંબની દીકરીને ઓછું ના આવે તે માટે તેના માંડવે 200 લોકો તેના સ્વજન તરીકે ઉપસ્થિત રહે તેવી ટીમ પણ અમે તૈયાર રાખી છે અને તે તેના પરિવાર જનો બનશે. કરીયાવર તો હોય જ સાથે દીકરીના બ્યુટી પાર્લરનો ખર્ચો પણ પરિવારજન બનીને ઉપાડવાનો અમને આનંદ છે.’
આ સમૂહ લગ્નના સંકલનકર્તા અને લખાણી પરિવારના સ્નેહી ભરતભાઈ કાકડીયા કહે છે કે, ‘બંને લખાણી બંધુ તેમના પરિવારના મોભી સ્વ. માવજીબાપાની સામાજિક પ્રવૃત્તિઓને આગળ વધારવાના ભાગરૂપે કરી રહ્યા છે ત્યારે સામાજિક કાર્ય થકી રાષ્ટ્ર નિર્માણના યજ્ઞ એવા આ કાર્યક્રમમાં છ નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ઉપસ્થિત રહેવાના છે.’
આ તકે એક વિશેષ વાત નોંધવી રહે કે સમૂહ લગ્નની આ પરંપરા ભાવનગર જિલ્લામાંથી જ શરૂ થઈ છે. ઇતિહાસમાં નોંધાયેલું છે કે ૭૦૦  વર્ષ પહેલાં તળાજાના રાજવી એભલવાળાએ સૌથી પહેલો સમૂહલગ્ન કાર્યક્રમ યોજ્યો હતો અને તળાજાના તાલધ્વજગીરી ડુંગર પરનો એભલ મંડપ તેનો સાક્ષી છે.

(જયેશ દવે, ભાવનગર)