ચૂંટણી જેટલા જ રસપ્રદ બન્યાં એક્ઝિટ પોલ

મ તો ભારતમાં દરેક પ્રકારની ચૂંટણી રસપ્રદ બનતી હોય છે. પંચાયતોની ચૂંટણી પણ રસપ્રદ બનતી હોય છે, કેમ કે તેના આધારે પછીથી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં શું થશે તેનો અંદાજ લગાવી શકાતો હોય છે. પણ ભારતમાં દરેક ચૂંટણી અલગ અને આગવી હોય છે. એક ચૂંટણીના પરિણામોને આધારે બીજી ચૂંટણીનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે. 2014માં લોકસભાની બધી જ 26 બેઠકો ભાજપને મળી હતી, પણ 2017માં ચિત્ર પલટાઈ ગયું હતું. 117માંથી બેઠકો ઘટીને 99 થઈ ગઈ હતી. વચ્ચે જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસને ભવ્ય વિજય મળ્યો હતો, પણ વિધાનસભામાં સત્તા મળી નહોતી.તેથી 2019ની ચૂંટણી પણ રસપ્રદ બની હતી. પણ એના કરતાંય રસપ્રદ બન્યાં છે એક્ઝિટ પોલ. આઠ જેટલી એજન્સીઓએ એક્ઝિટ પોલ કર્યા છે. મોટાભાગના પોલનું તારણ એનડીએની સરકાર ફરીથી બની રહી છે. પરંતુ આંકડાઓમાં ફરક છે. બે પોલના મતાનુસાર માંડ માંડ સરકાર બને છે, જ્યારે ચારના મતાનુસાર સંપૂર્ણપણે બહુમતી સાથે સરકાર બને છે. બેના અનુસાર અન્યનો ટેકો લેવો પડશે.

આંકડાઓમાં આ ફેરફાર ઉત્તર પ્રદેશમાં શું થશે તેના અનુમાનોમાં ભેદના કારણે છે. કેટલાક પોલમાં ભાજપને 60થી વધુ બેઠકો મળતી દર્શાવાઈ છે, જ્યારે કેટલાક પોલમાં ગઠબંધનને 50 કરતાં વધારે બેઠકો મળતી બતાવાઈ છે. અહીં મોટો ફરક પડી જાય છે અને તેના કારણે કુલ સરવાળામાં પણ ફરક પડે છે. એ જ પ્રમાણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભાજપને કેટલાકે થોડો ફાયદો બતાવ્યો છે, કેટલાક વધારે ફાયદો બતાવ્યો છે. આ બંને રાજ્યોના પોલને ટ્રેન્ડની રીતે જોઈએ તો વાજબી લાગે છે, કેમ કે અહીં ભાજપની બેઠકો વધવાની છે તે નક્કી હતું. કેટલીક વધશે તેનો સાચો આંકડો જ જાણવાનો છે, અને તે 23 તારીખે જ જાણવા મળશે.

પરંતુ યુપીમાં ભાજપની બેઠકો ઘટતી હોય તો માત્ર પાંચથી સાત ઘટે તેવું બંધબેસતું લાગે નહીં. આ સ્થિતિ રસપ્રદ બની તેનું કારણ એક્ઝિટ પોલમાં મતોની ટકાવારીને બેઠકોમાં બદલવાની પદ્ધતિને કારણે થતી હોય છે. ગયા વખતે એસપી અને બીએસપી અલગથી લડ્યાં હતાં. તેથી ભાજપને સ્પષ્ટપણે સૌથી વધારે ટકામાં મતો મળ્યાં હતાં. આ વખતે એસપી અને બીએસપી ભેગા લડ્યાં તે પછીય ભાજપના મતોની ટકાવારીમાં ખાસ ફેર પડ્યો નથી. તે યથાવત રહ્યાં છે, પણ હવે એસપી અને બીએસપીના મતો ભેગા થયાં હોવાથી સંયુક્ત ટકાવારી વધી છે.

ગયા વખતે ભાજપની ટકાવારી સારી હોવા છતાં, સ્થિતિ સ્પષ્ટ ન હોવાથી થોડી ઓછી બેઠકોનો અંદાજ મૂકાયો હતો. આખરે પરિણામ આવ્યાં ત્યારે વધારે બેઠકો મળી હતી. આ વખતે સ્થિતિ સ્પષ્ટ હોવાથી ભાજપની ટકાવારી જળવાઈ રહી હોવાથી, તેની બેઠકોમાં મોટો ઘટાડો થશે તેવું અનુમાન મૂકાયું નથી. બીજી બાજુ બંને પક્ષોના ટકા ભેગા કર્યા પછી ગણતરી કરીને બેઠકો વધારે આપવામાં આવી હશે, પણ તેમાં સાવચેતી રાખીને બેઠકો ઓછી અપાઈ હશે.

આ જ પ્રકારની સ્થિતિ મહારાષ્ટ્રમાં થઈ શકે છે. મહારાષ્ટ્રમાં ફરી ભાજપ અને શિવસેના ભેગા થઈને લડ્યાં છે. મતોની ટકાવારી પણ તેથી ટકી રહી અને તેથી સંયુક્ત રીતે તેમને અપાતી બેઠકોની સંખ્યામાં પણ ઘટાડો કરાયો નહીં હોય તેવી શક્યતા છે. અહીં પણ યુપી જેવી સ્થિતિ છે. આ વખતે અહીં કોંગ્રેસ અને એનસીપી ભેગા થઈને લડ્યાં છે. ભેગા થયાં પછી ફ્લોટિંગ વોટર્સ મેળવી શકાયા નહી હોય તેમ ધારીને માત્ર તેમના મૂળભૂત ટેકેદારોની સંખ્યાનો જ સરવાળો કરાયો હશે. તેથી અગાઉ કરતાં વધારે બેઠકો અપાઈ, પણ સાવચેતી ખાતર આંકડો મોટો કરાયો નથી.
તે સિવાયના રાજ્યોમાં પણ અનુમાન બેસે તેવું છે.

આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુને નુકસાન થશે અને જગનમોહનને ફાયદો થશે તે ધારણા પ્રમાણે જ એક્ઝિટ પોલમાં આંકડાં આવ્યાં છે. કર્ણાટકમાં ભાજપનો ફાયદો અકબંધ રહેશે તેવું અનુમાન છે. વિધાનસભામાં સત્તા મળતાં મળતાં રહી ગઈ હતી, તેથી ભાજપના ટેકેદારો અને ફ્લોટિંગ વોટર્સ, જે ગયાં વખતે તેમની સાથે આવ્યાં હતાં તે આ વખતે પણ સાથે રહ્યાં. તેથી કોંગ્રેસ અને જેડી(એસ)નું ગઠબંધન વધારે સફળ થઈ શક્યું નથી. તેલંગાણામાં કેસીઆર સામે ચેલેન્જ નથી તેથી વિધાનસભામાં મળેલી જંગી લીડ લોકસભા સુધી જળવાઈ શકે છે. તેથી તેમને પણ 12 જેટલી બેઠકો મળી રહી છે.

આથી હવે ત્રણ દિવસ એક્ઝિટ પોલ કેટલા સાચા પડશે અને કેટલા ખોટા પડશે તેની જ ચર્ચા ચાલશે. 2004ને બધાં યાદ કરશે. તે વખતે એનડીએ જીતી જશે તેવા અનુમાન વચ્ચે વાજપેયીની સરકાર જતી રહી હતી. 2004માં એનડીએને 230થી 275 બેઠકો અને યુપીએને 176થી 190 બેઠકોનું અનુમાન હતી. પરિણામ આવ્યું ત્યારે એનડીએને માત્ર 187 મળી હતી, જ્યારે યુપીએને 219 મળી હતી. સ્વતંત્ર રીતે પણ ભાજપની બેઠકો ઘટીને 138 થઈ હતી, જ્યારે કોંગ્રેસની વધીને 145 થઈ હતી.

2009માં એક્ઝિટ પોલનો ટ્રેન્ડ બરાબર હતો કે યુપીએ ફરીથી જીતી જશે, પણ આંકડાં ફરી ખોટા પડ્યાં હતાં. યુપીએ માટે 185થી 205 બેઠકો સુધીનું અનુમાન હતું. તેની સામે યુપીએને આખરે 262 બેઠકો મળી ગઈ હતી અને સત્તા જાળવવામાં સમસ્યા થઈ નહોતી. સામી બાજુએ એનડીએને 165થી 195 બેઠકોનું અનુમાન હતું, પણ મળી હતી 159. સૌથી ઓછા અનુમાનથી પણ ઓછી 10 ટકા બેઠકો મળી હતી, પરંતુ યુપીએના સૌથી ઊંચા અનુમાનથી 30 ટકા કરતાં વધુ બેઠકો મળી હતી.  2014માં પણ ફરી સ્થિતિનું પુનરાવર્તન થયું હતું. ટ્રેન્ડ બરાબર હતો કે આ વખતે યુપીએની સરકાર જશે, પણ આંકડાંમાં ફરક હતો. એનડીએને 183થી 289 સુધી બેઠકો મળશે તેવા બહુ લાંબી રેન્જના અનુમાનો હતાં. તેમાં સૌથી મોટા અનુમાનથી વધુ બેઠકો મળી હતી. 289 કરતાં પણ 20 ટકા વધુ બેઠકો મળી ગઈ હતી. યુપીએને માત્ર 92થી 120 બેઠકો મળશે તેવું અનુમાન હતું. તેમાં સૌથી મોટું નુકસાન કોંગ્રેસને જ થયું હતું અને માત્ર 44 બેઠકો જ તેને મળી હતી.

2014 વખતે પણ આંકડાંમાં મોટો ફેરફાર ઉત્તર પ્રદેશના કારણે જ થયો હતો, કેમ કે ધારણાથી વિપરિત ભાજપને જંગી જીત યુપીએમાં મળી હતી. એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં એનડીએ એટલે કે ભાજપ સારો દેખાવ કરશે તેવી અપેક્ષા હતી જ. 49થી 54 સુધીની બેઠકોનું અનુમાન હતું, પણ સૌથી મોટા અનુમાનથી પણ 30 ટકા વધારે બેઠકો મળી ગઈ હતી. એસપીને 11 અને બીએસપીને 15 બેઠકો મળશે તેવું અનુમાન હતું, પણ બીએસપીને એકેય બેઠક મળી નહોતી. એસપીને પણ માત્ર પાંચ જ બેઠકો એટલે કે 50 ટકા કરતાં ઓછી બેઠકો મળી હતી. આ રીતે ગયા વખતે યુપીના આંકડાંએ બધા એક્ઝિટ પોલને ભૂલવ્યાં હતાં. આ વખતે પણ ઉત્તર પ્રદેશમાં એવી જ સ્થિતિ થશે? મહારાષ્ટ્રમાં શું થશે? ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આટલો બધો ફાયદો થશે? આ સવાલો 23 તારીખ પહેલાં ત્રણ દિવસ સુધી રસપ્રદ ચર્ચાનો મુદ્દો બનેલા રહેશે, તેમાં કોઈ શંકા નથી.